Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

બજેટ ૨૦૧૮-૧૯

લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેકસરે ફરી આમંત્રણ આપવું અનિચ્છનિયઃ આવકવેરાના ટેકસના સ્લેબમાં ફેરફાર થાય તો પગારદારવર્ગને રાહત મળે

  દરેક વર્ષની  જેમ આ વર્ષે પણ કેન્દ્રિય બજેટ આવી રહયું છે. હાલના સમયને જોતા અને બુધ્ધીજીવીવર્ગના વિચારોનું પૂથ્થકરણ કરીએ તો આ વખતનું બજેટ કેન્દ્ર  સરકાર માટે સૌથી મોટો પડકાર હશે.

કેન્દ્રીય બજેટ આ વખતે ૧ લી ફેબુઆરી ૨૦૧૮ના આવે એમ હોઇ  સામાન્ય માણસથી લઇ અને અર્થશાસ્ત્રના વિશેષજ્ઞો આ બજેટ ઉપર મિટ માંડીને બેઠા છે, ત્યારે અમુક મુદ્દાઓ જે બજેટના કદાચ મુખ્ય મુદ્દાઓ બની રહેશે. દરેક ક્ષેત્ર પછી ભલે એ મેન્યુફેકચરીંગ, સર્વિસીસ, રીયલ એસ્ટેટ અને નોકરીયાત વર્ગ  અલગ-અલગ પ્રકારની આશા સાથે  આ બજેટની રાહ જોઇ રહ્યો છે.

 આપણે સૌ જાણીએ છીએ તેમ  સામાન્ય વેપારીથી માંડીને મોટા ઉદ્યોગગૃહો સુધી જીએસટી માટે એક પ્રકારનો અણગમો પ્રર્વતમાન છે. જેનું મુખ્ય કારણ કદાચ સરકારી આઇટી (ઇન્ફોરમેશન ટેકનોલોજી) ઇન્ફ્રાસ્ટ્રકચરની ઉણપ અથવા તો સતત થતા સુધારા- વધારા જવાબદાર ગણાવી શકાય. હા, એ પણ એક વાત ખરેખર લોકો સમજી શકયા છે કે, લાંબાગાળે જીએસટી એ વરદાન રૂપ સાબિત થશે. અમુક લોકો એમ પણ માને છે કે જીએસટી લાગુ કરવું એ કોઇપણ સરકાર માટે એક પડકારરૂપ હોઇ કેન્દ્રની  સરકારે લાંબાગાળાનાં લાભને ધ્યાનમાં લઇ આ પડકારને સાહસભેર ઝીલી લીધો છે. છેલ્લા સમાચારો મુજબ જીએસટી કાઉન્સીલ એ રીટર્ન ભરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ અને રીટર્નની પ્રકિયાને સરળ બનાવવા વિચારશીલ છે. આ સમાચાર આવશે ત્યાં સુધીમાં કદાચ જીએસટી કાઉન્સીલનો નિર્ણય પણ આવી ગયો હશે.

 આજે આપણે મોટા ઉદ્યોગગૃહોની અગર વાત કરીએ તો અમેરીકામાં સ્પર્ધાત્મક રીતે વેપાર કરી શકે એ માટે થઇ ઉદ્યોગગૃહો પર લાગતો પ્રત્યેક્ષ કર (ડાયરેકટ ટેકસ) ઘટાડે તેવી એક અપેક્ષા દરેક ઉદ્યોગગૃહ રાખી રહ્યું છે.

 એક તરફ આપણે સૌ જાણીએ છીએ કે જીએસટી લાંબાગાળે ફાયદાકારક છે. પરંતુ રીયલએસ્ટેટ ક્ષેત્રમાં અમુક  અંશે અસમાનતા હોય એવું લાગી રહયું છે. એક તરફ  જીએસટી લાગુ થવાથી ૧૨ % જીએસટી અમલમાં છે તથા આશરે ૬% જેવી સ્ટેમ્પ ડયુટી પણ ભરવી પડે  છે. અગાઉ સર્વિસ ટેકસના કાયદા હેઠળ આશરે ૫.૫% જેવો ટેકસ ભરવો પડતો હતો જે આજે ૧૨% નો થઇ ગયો આથી રીયલ એસ્ટેટ ક્ષેત્રે એવી આશા રાખવામાં આવે છે કે, આ ૧૨%નો સ્લેબ ઓછો કરવામાં આવે અથવાતો અલગથી ભરવી પડતી સ્ટેમ્પ ડયુટી જ આશરે ૬% જેટલી જ છે તેને જીએસટીની અંદર જ ગણી લેવામાં આવે.   ઉપર મુજબ રાહત મળવાથી સરકારની '' હાઉસીંગ ફોર ઓલ બાય ૨૦૨૨'' યોજના સાર્થક પુરવાર થશે. રીયલ એસ્ટેટ ક્ષેત્રે એક અપેક્ષા એવી પણ છે કે , રીયલ એસ્ટેટ ક્ષેત્રને ઇન્ફ્રાસ્ટ્રકચર સ્ટેટસ મળવાથી ડેવલોપરને મળતું ફંડ સસ્તુ થશે જેનો ફાયદો આ ક્ષેત્રે ઘણો વેગ આપશે.

 દરેક બજેટમાં પૂર્વ સંધ્યાએ ચર્ચામાં આવતો એક અગત્યનો મુદ્દો છે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ (એલટીસીજી) હાલના કાયદા મુજબ જો શેરમાં રોકાણર્તાએ જો શેરને એક વર્ષ કરતા વધુ સમય માટે જાળવી રાખ્યો હોય અને એના  ઉપર સેકયુરીટી ટ્રાન્જેકશન ટેકસ (એસટીટી) ખરીદીના સમયે ચુકવવામાં આવ્યો હોય તો એ શેરને એક વર્ષ પછી વેચવામાં આવે  તો એને પરના નફાને લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ લાગુ પડે તો એ દરેક રીતે નુકશાનકર્તા થાય એવું જાણકારોનું માનવું છે. પ્રથમ તો આની સીધી પ્રતિકુળ અસર શેર માર્કેટમાં ચોકકસ થઇ શકે છે. બીજી વસ્તુ આ લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેકસને ફરી આમંત્રણ આપવું એ અનિચ્છનીય છે. આજે જયારે સામાન્ય માણસ બેંક ફિકસ ડિપોઝીટ થી વિમુખ જઇ મ્યુ. ફંડના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસટીપી) દ્વારા ઇકિવટી માર્કેટમાં રોકાણકારી રહયો છે. ત્યારે શેર બજાર સાથે જોડાયેલી દરેક વ્યકિત એવું ઇચ્છે છે કે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ આ વખતે પણ આવકાર્ય નથી.

 ભારત દેશનું  અગત્યનું ક્ષેત્ર ખેતીવાડી ક્ષેત્ર છે. ખેતીવાડીક્ષેત્રમાં દરવખતની જેમ આ વખતે પણ ઘણી અપેક્ષાઓ  સેવાઇ રહી છે. જેમાંથી એક અગત્યની વસ્તુ છે. '' ઇન્કમ સેકયુરીટી એકટ ફોર ફાર્મર્સ, ટેનન્ટ ફાર્મર્સ એન્ડ ફાર્મલેબર્સ'' ખેતીવાડી નિષ્ણાંતો એવું માની રહયા છે કે આ કાયદા થકી ખેતીવાડી ક્ષેત્રે સ્થિરતાનો માહોલ સર્જી શકાશે.

 દરેક વખતની જેમ આ  બજેટમાં પણ નોકરીયાતવર્ગ ઘણી આશાઓ રાખીને બેઠો  છે. હાલના કાયદા અનુસાર આવકવેરાની મર્યાદા રૂ.૨,૫૦,૦૦૦ છે. તેમાં વધારો થાય. - આવક વેરાના ટેકસના સ્લેબમાં પણ ફેરફાર થાય જેથી પગારદાર વર્ગને રાહત મળે.- ૮૦સી ની કલમ હેઠળ જે માફિ મળે છે. તેની લીમીટ હાલ રૂ.૧,૫૦,૦૦૦ છે તેમાં પણ વધારો થાય. -૮૦ઇઇ કલમ હેઠળ આપવામાં આવેલી વ્યાજ માફિમાં પણ કરદાતાને ફાયદાકારક રહે તેવી રીતે ફેરફારની લોકો અપેક્ષા રાખી રહયા છે.

 આપણે કરદાતાઓની અપેક્ષાને મહદંશે જોઇ શકયા પરંતુ આ અપેક્ષાઓ પુરી કરવા સરકારી તિજોરી પર ઘરખમ બોજો આવી શકે તેમ છે. એક બાજુથી સરકાર પાસે કરરાહતની અપેક્ષા રાખવામાં આવી રહી છે જયારે બીજી તરફ એવી પણ આશા રાખવામાં આવી રહી છે કે, સરકાર જાહેર ખર્ચમાં  વધારો કરે જેથી સામાન્ય સવલતો જેવી કે રસ્તા, સિંચાઇ, બોર્ડર સેકયુરીટી અને બીજી માળખાગત સુવિધા વધે એવું પણ લોકો ઇચ્છે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯નું  બજેટ સરકાર માટે ખરેખર એક આકરી કસોટી બની રહેશે.

સી.એ. જતીન ઠકરાર

 ઇમેઇલઃ cajatint @ gmail.com

(3:55 pm IST)