Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

વૈષ્ણવ પરિવારના યુવક-યુવતીઓ માટે સ્નેહ મિલન-પરિચય સંમેલનને આગવી સફળતા

યમુને એજયુકેશન ટ્રસ્ટ દ્વારા

રાજકોટ, તા. ર૩ : શ્રી યમુને એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટના ઉપક્રમે વૈશ્નવ પરિવારના યુવક-યુવતિના સ્નેહ મિલન તથા પરિચય સંમેલનનો કાર્યક્રમ રાજકોટ યોજાયેલા. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના કંસારા, પટેલ, સોની, વાણીયા, બ્રાહ્મણ સહિતના જ્ઞાતિના, પરિવારના યુવક-યુવતિઓ તથા વાલીઓએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમનું દીપ પ્રાગટય શ્રી ગોસ્વામી પરાગકુમારજીના હસ્તે કરવામાં આવેલ. શ્રી યમુને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ આ પ્રથમ પ્રયત્નને જવલંત સફળતા સાપડેલ અને તમામ સમાજોને સાથે રાખીને સમાજને ઉપયોગી કાર્યો દ્વારા સામાજી સ્થાનની પ્રવૃતિઓ કરવા માટે ધ્રોલ-જોડીયાના વરિષ્ઠ પત્રકાર હસમુખભાઇ કંસારાએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ અને ટ્રસ્ટને શુભેચ્છા પાઠવી હતી. આ તકે સોની જ્ઞાતિના અગ્રણી શ્રી તરૂણભાઇ આડેસરાએ જણાવેલ કે હાલમાં વૈશ્નવ સંપ્રદાય સાથે સંકળાયેલા પરિવારોના યુવાન અને યુવતિઓની સંખ્યાની દૃષ્ટિએ અનબેલેન્સ છે. ત્યારે યુવતિઓએ તેમના જીવનની સાર્થકતા અને સફળતા માટે શહેરોની ઝાકઝમાળમાં ન અટવાતા જીવનનિર્વાહ અને સુખરૂપ અને શાંતિપૂર્વક થઇશે તેવી દિશામાં વિચારીને નિર્ણયો કરવા અનુરોધ કર્યો હતો.

શ્રી યમુને ટ્રસ્ટના પ્રમુખ શ્રી જે.પી. દંગીએ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક નિઃશુલ્ક નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, નોટબુક વિતરણ, રોજગારલક્ષી કાર્યક્રમો સહિતની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે તેની સાથે સાથે અમોએ સર્વપ્રથમ આ સ્નેહ મિલન યોજીને એક સામાજીક પ્રવૃતિની શુભ શરૂઆત કરેલ છે અને તેમાં અમોને સફળતા સાંપડેલ છે અને તે બદલ તમામ કાર્યકરોનો આભાર વ્યકત કરેલ.

આ પરિચય મેળામાં ર૦૧ યુવાનો તથા ૩૦ યુવતિઓએ ફોર્મ ભરીને ભાગ લીધો હતો. જે તમામની વિગતો સાથેની પરિચય પુસ્તીકા પ્રગટ કરીને તમામને આપવામાં આવેલ.

આ પરિચય મેળામાં હાજર રહેલ બહેનો કાર્યક્રમના ભાગરૂપે તેમનો પરિચય સ્ટેજ ઉપર આવીને આપે તે માટે આયોજકો તરફથી જે બહેનો સ્ટેજ પર આવીને પરિચય આપે તેમને સેસા કંપનીનું ગીફટ પેકેટ ભેટ આપવાનું વિશેષ આયોજન કરીને બહેનોને પ્રોત્સાહિત કરી હતી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના કલ્પેશભાઇ કેશરીયા, યોગેશભાઇ કંસારા, પરેશભાઇ માવાણી, હિનાબેન દંગી, ભારતીબેન ગોરખીયા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાતી કંસારા રાજકોટના રાખી મંડળની સદસ્યા શ્રીમતિ આશાબેન ભાવિનભાઇ ખાખી તથા શ્રીમતિ હેતલબેન હિતેશભાઇ માવાણીએ કર્યું હતું. આભારવિધિ ભાવેશભાઇ પટેલે કરી હતી.

(3:55 pm IST)