Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

બોદર પરિવારના લાડલા પુત્રના જન્મદિને સમૂહલગ્ન

જો કોઈની ગરીબાઈ જોઈ તમારા મનમાં માણસાઈ જાગે તો સમજી લેવું કે ભગવાને તમને માણસ બનાવી કંઈ ભૂલ કરી નથી : ભુપતભાઈ બોદરના પુત્ર જેમીનના જન્મદિન નિમિતે ૧૮ દિકરીઓના સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું અનોખુ આયોજન : કરીયાવરમાં બાવનથી વધુ વસ્તુઓ અપાશે : ૨૫ લાખના ખર્ચે ટ્રોમા એમ્બ્યુલન્સ પણ સમાજને અર્પણ કરાશે

રાજકોટ, તા. ૨૩ : પોતાના વ્હાલા સ્વજનો અને પરીવારજનોના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે મોટાભાગના લોકો લખલૂંટ ખર્ચાઓ કરતા હોય છે કે જે પરિવારના પ્રસંગોની ઉજવણીઓ સેવાના પ્રકલ્પોનું આયોજન કરી ઉજવતા હોય છે. આવા જ એક સેવા પ્રકારના ભાગરૂપે શ્રીમતી દુધીબેન જશમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના ટ્રસ્ટી અને જાહેરજીવનના મોભી ભુપતભાઈ બોદર અને તેમના પરિવારે તેમના વ્હાલસોયા પુત્ર જેમીનના ૧૮મા જન્મદિવસની ઉજવણી નિમિતે તા.૨૫ને ગુરૂવારના રોજ રાજકોટ પાસેના કાળીપાટ ગામે એક સાથે ૧૮ દિકરીઓના સમૂહજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું અદકેરૂ આયોજન કરવામાં આવ્યુ છે.

ભુપતભાઈ બોદર, રામજીભાઈ બોદર તથા જગદીશભાઈ બોદરે વધુમાં જણાવ્યુ છે કે અમારા માતુશ્રી દુધીબેન જશમતભાઈ બોદરની પ્રેરણાથી આ ટ્રસ્ટની સ્થાપના સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રકલ્પો કરવા માટે જ કરવામાં આવી છે.

શ્રીમતી શોભનાબેન બોદર તથા ભુપતભાઈ બોદરનો યુવાન પુત્ર જેમીન આગામી તા.૨૫ને ગુરૂવારના રોજ તેની બાલ્યાવસ્થાની ૧૭ વસંત પૂર્ણ કરી યુવાનીના ૧૮માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે ત્યારે તેમના જન્મદિવસની ઉજવણીને જીવન પર્યંત યાદગાર બનાવવા સમૂહલગ્નનું આયોજન રાજકોટ શહેરના ભાગોળે ભાવનગર હાઈવે ઉપર આવેલ મહાદેવ જીન કાળીપાટ ગામે કરવામાં આવ્યુ છે.

આ સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવમાં ૧૮ કન્યાઓને શ્રીમતી દુધીબેન જશમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા કરીયાવરમાં બાવનથી વધુ નાની - મોટી ચીજવસ્તુઓ હર્ષથી આપી કન્યાદાન કરી વિદાય આપવામાં આવશે. જેમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટી, સોનાનો નાંકનો દાણો, ચાંદીના સાંકળા, ચાંદીની ગાય, ચાંદીનો તુલસી કયારો સહિતની ઘર સંસારની તમામ જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવશે.

જેમીનના જન્મદિવસની સાથોસાથ પુત્ર શિવમ કે જે આગામી તા.૨૭મીના અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા જવાનો હોય બોદર પરિવારમાં બમણી ખુશીનો માહોલ છે ત્યારે આ પ્રસંગે સમાજને પણ બેવડી ભેટ આપવા માટે સમૂહ લગ્નોત્સવમાં માંગલિક પ્રસંગે બોદર પરિવાર દ્વારા આશરે ૨૫ લાખથી વધુના ખર્ચે આઈસીયુ જેવી અદ્યતન સુવિધા ધરાવતી ઈમરજન્સી સારવારની સુવિધાથી સજ્જ ''ટ્રોમા એમ્બ્યુલન્સ'' સમાજને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. જેનો લાભ રાજકોટ શહેરની આજુબાજુના ૩૦ કિ.મી.ના વિસ્તારમાં આર્થિક રીતે નબળા ગરીબ પરિવારના લોકો ઈમરજન્સી સમયે વિનામૂલ્યે લાભ લે તેવા આશયથી આ પ્રસંગે સમાજને અર્પણ કરાશે. આ પ્રસંગે કાળીપાટ ગામે શિવમ - જેમીન પેટ્રોલીયમ (સીએનજી) પંપ તથા હોટલ શિવમ - જેમીનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

તા.૨૫ને સવારે ૫ વાગ્યે જાનનું આગમન થશે. આ સમગ્ર પ્રસંગમાં ચાર હજારથી વધુ લોકો લાભ લેવાના છે. બહારગામથી આવતા લોકો માટે રહેવા - જમવાની વ્યવસ્થા તેમજ તમામ લોકો માટે સવારનો નાસ્તો અને ભાવતા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્ન પ્રસંગને દીપાવવા લગ્ન ગીત ગાવા માટે હિન્દી અને ગુજરાતી ફિલ્મોના ગાયિકા સંગીતાબેન લાબડીયાના ગ્રુપને નિમંત્રિત કરાયુ છે. આ પ્રસંગે લોક સાહિત્યકાર સુખદેવભાઈ ધામેલીયા પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

શ્રીમતી દુધીબેન જશમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું ઉદ્દઘાટન રાજયના અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ભારત સરકારના નેશનલ લો કમિશનના સભ્ય શ્રી અભયભાઈ ભારદ્વાજ ખાસ ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સાંધ્ય દૈનિક ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ આ પ્રસંગે નવદંપતિઓને આર્શીવાદ પાઠવ્યા છે. મોહનભાઈ કુંડારીયા, મહિલા અગ્રણી શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, ખોડલધામના પ્રમુખ પરેશભાઈ ગજેરા તેમજ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક અમદાવાદના અજયભાઈ પટેલ તેમજ સમગ્ર પ્રસંગની શોભા એવા પ્રેરણાધામ જૂનાગઢના મહંત લાલજીબાપુ, કાળીપાટ સ્થિત તાત્કાલીક હનુમાન મંદિરના મહંત શ્રીરામચરણદાસજી બાપુ, મોણપર હનુમાનજી મહારાજ - કાળુબાપુ, કાળીપાટના મહંત શ્રી પાલા ભગત, બેડલાના રામજી મંદિરના મહંત શ્રી મનુબાપુ, નવા ખારચીયાના કરૂણાનિધાન આશ્રમના સાધ્વી શ્રી જયશ્રીદાસ માતાજી વિશેષ ઉપસ્થિત રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભુપતભાઈ બોદર વ્યવસાયે જમીન - મકાનના ધંધાર્થી છે. ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ સક્રિય સેવા બજાવી ચૂકયા છે. આવા ભુપતભાઈ બોદર પરિવારના આંગણે શુભ અવસર આવ્યો છે ત્યારે રામજીભાઈ બોદર, શ્રીમતી નિર્મળાબેન બોદર, પરીષા બોદર, જય બોદર, જગદીશભાઈ બોદર, સંગીતાબુેન બોદર, પ્રિયાંશી બોદર, હિત બોદર તેમજ જયશ્રીબેન જયંતિભાઈ ઠુમ્મર સહિતના તમામ પરીવારજનોમાં ઉમંગનો અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભુપતભાઈ બોદર (મો.૯૮૨૫૦ ૪૬૭૫૯), જગદીશભાઈ બોદરની આગેવાની હેઠળ ભાવેશભાઈ પોપટ, વિજયભાઈ દુધાત્રા, પ્રવિણભાઈ કીયાડા, સી. ટી. પટેલ, નિલેશ ખુંટ, રવિભાઈ બોદર, હરેશભાઈ બોદર, જીતુભાઈ બોદર, રાજુભાઈ કીકાણી, વલ્લભભાઈ પટેલ, નિરવ ઠુમ્મર, દિવ્યેશ મોલીયા, સંદિપ ઢાંકેચા, સુરેશભાઈ વસોયા, મુકેશભાઈ દોશી, સુનિલભાઈ વોરા સહિતના કાર્યકરો સેવા આપી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:54 pm IST)