Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

લાલપરીના કિશન કાળીએ ૧ લાખની સામે ૧.૭૦ લાખ વ્યાજ ભર્યુ છતાં ૧૨ લાખનો માલ પડાવી લઇ ધમકી

ચાંદી કામ કરતાં કોળી યુવાન કિશને આપેલા કોરા ચેકમાં ૭ લાખની રકમ ભરી બાબુ ઉર્ફ વસંત અકબરીએ બેંકમાં વટાવવા નાંખ્યોઃ ખબર પડતાં સ્ટોપ પેમેન્ટ કરાવ્યું: આજીડેમ પોલીસે મનીલેન્ડ એકટનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૩: વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવતાં પોલીસે ગુનો નોંધ્યો છે. લાલપરી તળાવ પાસે મફતીયાપરામાં રહેતાં અને ચાંદી કામની મજૂરી કરતાં કિશન દેવશીભાઇ રાતોજા (ઉ.૨૧) નામના કોળી યુવાને વ્યાજે લીધેલા ૧ લાખની સામે ૬ ટકા લેખે રૂ. ૧ લાખ ૭૦ હજાર ચુકવી દીધા હોવા છતાં પટેલ શખ્સે તેની પાસેથી વધુ વ્યાજ માંગી તનો કાસ્ટીંગતો માલ બનાવવાનો ૧૨.૧૦ લાખનો સામાન બળજબરીથી પડાવી લીધાનું એફઆઇઆરમાં જણાવાયું છે.

આજીડેમ પોલીસે લાલપરીમાં રહેતાં કિશન રાતોજાની ફરિયાદ પરથી બાબુ ઉર્ફ વસંત જીવરાજભાઇ અકબરી સામે આઇપીસી ૩૮૪, ૫૦૬ (૨), મનીલેન્ડ એકટ ૫, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. કિશને જણાવ્યું છે કે તે અગાઉ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરિયા શેરી નં. ૫માં ડી.યુ. ટેકનોમેક નામે કારખાનુ ધરાવતો હતો. હાલ ચાંદી કામની મજૂરી કરે છે. પોતાને ધંધા માટે પૈસાની જરૂર પડતાં બાબુ ઉર્ફ વસંત અકબરી પાસેથી રૂ. ૧ લાખ ૬ ટકા વ્યાજેથી લીધા હતાં. તે વખતે તેણે સિકયુરીટી પેટે ચેક માંગતા પોતાની સહીવાળા બે ચેક તેને આપ્યા હતાં.

વ્યાજે લીધેલી આ રકમ સામે ૧૪ મહિનામાં જ બાબુને રૂ. ૧ લાખ ૭૦ હજાર આપી દીધા હતાં. જો કે ત્યારબાદ બાબુએ આ તો ખાલી વ્યાજ થયું હજી બીજા એક લાખ આપવાના તેમ કહી કડક ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકી આપી હતી અને પોતાના અગાઉના ભાડાના કારખાનામાંથી કાસ્ટીંગ વાલ્વ બનાવવાનો કાચો માલ ૨૨૦૦ કિલો તથા તૈયાર વાલ્વ ૧૬૦૦ કિલો મળી કુલ રૂ. ૧૨ લાખ ૧૦ હજારનો માલ બળજબરીથી તે ભરી ગયો હતો.

આ ઉપરાંત પોતે જે કોરા ચેક આપ્યા હતાં તેમાંથી એક ચેકમાં બાબુએ ૭ લાખની રકમ ભરી બેંકમાં વટાવવા નાંખતાં પોતાને ખબર પડતાં સ્ટોપ પેમેન્ટ કરાવી તેની સામે કોર્ટમાં કેસ કર્યો હતો. આજીડેમ પોલીસ મથકના પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં હેડકોન્સ. જે. પી. નિમાવતે તપાસ શરૂ કરી છે. (૧૪.૧૦)

(12:40 pm IST)