Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

પડધરી પોલીસમાં નોંધાયેલ ગુના સંબંધે પાસાનો હુકમ રદ કરતી હાઇકોર્ટ

રાજકોટ,તા.૨૨ : પડધરીના અવધેશ દેસાણી વિરૂધ્‍ધ થયેલ પાસાનો હુકમ હાઇકોર્ટે રદ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, આ કામમાં આરોપી અવધેશ શૈલેષભાઇ ઉર્ફે કાળુભાઇ દેસાણી વિરૂધ્‍ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલ હોય જેથી પોલીસ દ્વારા પાસાની દરખાસ્‍ત મુકતા તા. ૩૦/૯/૨૦૨૨ના રોજ રાજકોટના મહે. કલેકટરશ્રી દ્વારા પાસાનો હુકમ થયેલ હતો. જેથી આરોપીની પડધરી પોલીસ દ્વારા ધરપકડ  કરવામાં આવેલ અને હુકમની બજવણી કરવામાં આવેલ હતી અને અરજદાર આરોપીને અમદાવાદ ખાતે સાબરમતી જેલમાં મોકલવામાં આવેલ હતા.

આ પાસાના હુકમને રદ કરવા માટે અરજદારે હાઇકોર્ટમાં સ્‍પેશીયલ સિવિલ એપ્‍લીકેશન દાખલ કરેલ હતી. જેમાં સામાવાળને નોટીસ ઇસ્‍યુ થયેલ હતી. અને ત્‍યારબાદ અરજી દલીલ પર આવતા અરજદાર તરફે થયેલ દલીલો તથા અરજદાર તરફે રજુ થયેલ સુપ્રિમ કોર્ટનું જજમેન્‍ટ ધ્‍યાને લઇ હાઇકોર્ટના જસ્‍ટીસ શ્રી એચ.એસ.વોરા તથા જસ્‍ટીસ શ્રી રાજેન્‍દ્ર એમ.સરીને અરજદાર આરોપી વિરૂધ્‍ધ થયેલ રાજકોટ કલેકટરશ્રીનો પાસાનો હુકમ રદ કરેલ હતો. અને અરજદારને જેલ મુકત કરવાનો હુકમ થયેલ હતો.

આ કામમાં ઉપરોકત અરજદાર/આરોપી અવધેશ શૈલેષભાઇ ઉર્ફ કાળુભાઇ દેસાણી વતી રાજકોટના યુવા એડવોકેટ જીતેન્‍દ્રસિંહ પરમાર તથા ધ્રુવીનભાઇ ભુપતાણી, ચિરાગભાઇ મેતા, વિજયભાઇ જોશી તથા એસ.એમ.ડાભી, ભાવિક એન. મેતા રોકાયા હતા.

(4:26 pm IST)