Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રીઢો ગુનેગાર માતાના પ્રેમીનો કાંટો કાઢે એ પહેલા થોરાળા પોલીસે બે પિસ્‍તોલ-કાર્ટીસ સાથે દબોચ્‍યો

ચૂંટણી સંદર્ભે કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે પોલીસના સખ્‍ત પેટ્રોલીંગ દરમિયાન કાર્યવાહી : અગાઉ મારામારી, દારૂ, લૂંટ, ફરજમાં રૂકાવટ સહિતના ગુનામાં સંડોવણી : પીએસઆઇ જી. એસ. ગઢવીની સચોટ બાતમીઃ પીઆઇ ડો. એલ. કે. જેઠવા અને ટીમે થોરાળામાંથી અવેશ ઓડીયાને પકડયો : અવેશ જેલમાં હતો ત્‍યારે એમપીના પંડિત સાથે પરીચય થયો'તોઃ પંડિત પેરોલ જમ્‍પમાં હતો ત્‍યારે ગ્‍વાલીયરના ભીંડી ગામેથી હથીયારો લાવી આપ્‍યાનું રટણ

રાજકોટ તા. ૨૨: શહેરના નવા થોરાળા શેરી નં. ૧માં સરસ્‍વતિ શીશુ મંદિરની બાજુમાં રહેતાં અને અગાઉ ઘણા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા અવેશ અયુબભાઇ ઓડીયા પાસે ગેરકાયદે હથીયાર, કાર્ટીસ હોવાની ચોક્કસ બાતમી પીએસઆઇ જી. એસ. ગઢવીને મળતાં ઘરમાં દરોડો પાડી અવેશને દબોચી લેવાયો હતો. તેને ગાદલા નીચે છુપાવી રાખેલી બે પિસ્‍તોલ અને સાત કાર્ટીઝ મળી આવતાં એક લાખની પિસ્‍તોલ અને ત્રણ જીવતા તથા ચાર મીસફાયર થયેલા કાર્ટીસ કબ્‍જે કર્યા હતાં.

પીઆઇ ડો. એલ. કે. જેઠવાના જણાવ્‍યા મુજબ અવેશ વિરૂધ્‍ધ અગાઉ થોરાળામાં જ મારામારી, દારૂ, લૂંટ, ફરજમાં રૂકાવટ, હદપાર ભંગના મળી ૬ ગુના નોંધાઇ ચુક્‍યા છે. અવેશ અગાઉ જેલમાં હતો ત્‍યારે ત્‍યારે તેનો પરિચય મધ્‍યપ્રદેશના પંડિત નામના શખ્‍સ સાથે થતાં બંને વચ્‍ચે મિત્રતા બંધાઇ હતી. દરમિયાન પંડિત પેરોલ જમ્‍પ કરીને અવેશને મળતાં અવેશે પોતાને હથીયારની જરૂર છે તેમ જણાવતાં પંડિત એમપીના ગ્‍વાલિયર નજીકના ભીંડી ગામે ગયો હતો અને ત્‍યાંથી બે પિસ્‍તોલ તથા કાર્ટીસ લાવ્‍યો હતો. અવેશ ૧૪ કે ૧૫ વર્ષનો હતો ત્‍યારેથી તેની માતાને સલિમ નામના એક શખ્‍સ સાથે પ્રેમસંબંધ બંધાયો હોઇ અવેશને આ ગમતું ન હોઇ તે સતત માતાના પ્રેમીનો કાંટો કાઢી નાખવાના ઇરાદા સાથે ફરતો હતો. આ કારણે જ તેણે પંડિત મારફત હથીયાર મંગાવ્‍યા હતાં. પરંતુ તે કોઇ ગંભીર ઘટનાને અંજામ આપે એ પહેલા દબોચી લેવાયો છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયાની સુચના અને રાહબરી હેઠળ પીઆઇ ડો. એલ. કે. જેઠવા, પીએસઆઇ જી. એસ. ગઢવી, હેડકોન્‍સ. શૈલેષભાઇ ભીંસડીયા, વિમલભાઇ ધાણજા, કોન્‍સ. ધીરૂભાઇ અઘેરા, નરેશભાઇ ચાવડા સહિતે આ કામગીરી કરી હતી. વિશેષ પુછતાછ માટે અવેશના રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવશે.

(3:12 pm IST)