Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ઠાઠમાઠથી રહેતા નેતાઓ દ્વારા પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ : ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ૨૨ : જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી અને જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, ‘‘સરદાર સાહેબનું નામ લેવાનો કોંગ્રેસને કોઇ અધિકાર નથી'' તેવું નિવેદન આપવાનો કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહને કોઇ અધિકાર જ નથી. આઝાદ ભારતની શરૂઆત વખતે સંજોગોને ધ્‍યાને લઇને જે કાંઇ બન્‍યું હોય તેને યાદ કરીને સરદાર સાહેબના નામે ગુમરાહ કરવાની કોઇ જરૂરત નથી.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં કહ્યું કે, ભાજપે લાલકૃષ્‍ણ અડવાણી મુરલી મનોહર જોશી કે અન્‍ય સિનીયર આગેવાનોની અવગણના કરીને તેના કાર્યોની નોંધ પણ લેવાતી નથી.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્‍યું કે, સરદાર વલ્લભભાઇ પટેલનું સ્‍ટેચ્‍યુ બનાવવામાં આવ્‍યું તેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. સરકારનું આ કામ ગણનાપાત્ર છે. સરદાર વલ્લભભાઇ પટેલ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. મૃત્‍યુ સમયે તેમની પાસે રૂા. ૩૦૦ બેલેન્‍સ હતું ત્‍યારે અત્‍યારના આપણા નેતાઓ ઠાઠમાઠથી રહે છે અને કાર્યક્રમો પાછળ પ્રજાના લાખો રૂપિયા વેડફાય છે. સરદાર વલ્લભભાઇ પટેલના જીવનની રહેણીકરણી જેમ વર્તવાનું હોય તો તેઓએ સ્‍ટેચ્‍યુના નામે ગૌરવ ન લેવું જોઇએ.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં કહ્યું કે, અમદાવાદ એરપોર્ટ ઉપર અદાણી એરપોર્ટ અને મોટેરા સ્‍ટેડિયમનમાં નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ બોલાય છે જે સરદાર વલ્લભભાઇ પટેલનું અપમાન છે.

(11:57 am IST)