Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

વ્‍યાજખોરોની ધમકીથી ઝેર પી લેનારા સોની દંપતિ-પુત્રમાંથી પુત્રએ દમ તોડયોઃ એક આરોપીની ધરપકડ

યુનિવર્સિટી પોલીસે ચાર શખ્‍સો સામે મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યોઃ વેપારીના પુત્રનું મોત નિપજતાં કલમ ૩૦૬નો ઉમેરો : પકડાયેલા આરોપી કેવડાવાડીના ધવલ મુંધવાની વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડની તજવીજઃ મૃતદેહ નહિ સ્‍વીકારવાનો નિર્ણય થતાં ઉચ્‍ચ અધિકારી પહોંચ્‍યાઃ કડક કાર્યવાહીની ખાત્રી મળતાં મૃતદેહ સ્‍વીકાર્યો : મિલાપનગરના સોની પરિવારમાં કલ્‍પાંતઃ પોલીસે સંજયરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, મહેબૂબશા અને ધવલ મુંધવા સામે ગુનો નોંધ્‍યો

તસ્‍વીરમાં ધવલના મૃત્‍યુ બાદ સોની પરિવારજનોએ મૃતદેહ નહિ સ્‍વીકારવાનો નિર્ણય કરતાં એસીપી ભાર્ગવ પંડયા, પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ બી. વી. ઝાલા, પીએસઆઇ ડી. આર. રત્‍નુ સહિતે એક આરોપી પકડાઇ ગયાની અને બીજાની શોધખોળ થઇ રહ્યાની વિગતો પરિવારજનોને જણાવી કડક કાર્યવાહીની ખાત્રી આપતાં મૃતદેહ સ્‍વીકારાયો હતો તે જોઇ શકાય છે. ઉપરની તસ્‍વીર ધવલ સારવારમાં હતો ત્‍યારની અને નીચેની તસ્‍વીરમાં તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૧: શહે૨ના યુનિવર્સિટી રોડ પરના મિલાપનગરમાં રહેતા સોની વેપારીએ પત્‍નિ અને પુત્ર સાથે ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં યુનિવર્સિટી પોલીસે વેપારીના પુત્રની ફરિયાદ પરથી ચાર વ્‍યાજખોરો સામે ગુનો નોંધ્‍યો હતો અને એક આરોપીને પકડી લીધો હતો. બીજી તરફ સારવારમાં રહેલા દંપતિ-પુત્રમાંથી પુત્રએ દમ તોડી દેતાં સોની પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. આરોપીઓ પકડાઇ ન જાય ત્‍યાં સુધી મૃતદેહ નહિ સ્‍વીકારવાનો સોની પરિવારે નિર્ણય કરતાં ઉચ્‍ચ અધિકારીઓ પોસ્‍ટ મોર્ટમ રૂમ ખાતે પહોંચ્‍યા હતાં. પોલીસે આરોપીઓને ઝડપી લઇ કડક કાર્યવાહીની ખાત્રી આપતાં મૃતદેહ સ્‍વીકારી લેવાયો હતો. ઝડપાયેલા એક આરોપીની વિસ્‍તૃત પુછતાછ શરૂ કરવામાં આવશે.

યુનિવર્સિટી રોડ મિલાપનગર-૨માં રહેતા કીર્તિભાઇ હરકિશનભાઇ ધોળકિયા નામના સોની વેપારીએ પત્‍નિ માધુરીબેન અને પુત્ર ધવલ સાથે શુક્રવારની મોડી રાતે ઝેરી દવા પી લીધી હતી. શનિવારે કીર્તિભાઇ દુકાને નહિ આવતા તેમના મોટાભાઇ ઘરે આવી તપાસ કરતા ત્રણેયને ઝેરી દવા પીધેલી હાલતમાં મળતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પોલીસે કીર્તિભાઇના પુત્ર  ધવલ (ઉ.વ.૨૪)ની પાસેથી વિગતો જાણી તેની ફરિયાદ પરથી ચાર આરોપીઓ સંજયરાજસિંહ મહેન્‍દ્રસિંહ ઝાલા, ધવલ પપ્‍પુ મુંધવા, યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબશા સામે મનીલેન્‍ડ એક્‍ટ, આઇપીસી ૩૮૬, ૫૦૬(૨)ની કલમ હેઠળ ગુનો નોંધ્‍યો હતો. ધવલનું મૃત્‍યુ નિપજતાં કલમ ૩૦૬નો ઉમેરો કરવામાં આવ્‍યો છે.

 ધવલ ધોળકીયાએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે પોતે પરિણીત છે અને હાલ પત્‍નિ અમરેલી પિયર ગઇ છે. પોતે અને પિતા ઝેરોક્‍સની દુકાન ચલાવે છે. શુક્રવારે રાતે પિતાએ વાત કરી કે, આપણે વ્‍યાજે લીધેલા નાણાંની વ્‍યાજખોરો પઠાણી ઉઘરાણી કરી અમારી માલિકીની ઝેરોક્‍સની દુકાન લખાવી લેવા સતત ફોન પર ધમકી આપે છે, જેથી હવે મરવા સિવાય કોઇ રસ્‍તો નથી. જે વાતથી પોતે અને મમ્‍મી સહમત થતા પિતા કીર્તિભાઇએ ઝેરી દવાની બોટલ કાઢી હતી. જે ઝેરી દવા પાણીમાં ભેળવી પી લીધી હોવાનું જણાવ્‍યું હતું.

ધવલે વધુમાં જણાવ્‍યું હતું કે ધંધાના કામે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ ઝાલા પાસેથી રૂ.૧૦ લાખ, સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂ.૫૦ હજાર અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબશા પાસેથી રૂ.૮ લાખ લીધા હતા. જેનું સમયસર વ્‍યાજ સાથેની રકમ ચૂકવી છતાં ચારેય સતત પિતાને પઠાણી ઉઘરાણી કરતા કંટાળીને પગલું ભર્યાનું ધવલે પોલીસને જણાવ્‍યું છે. જો કે અન્‍ય કયા કયા વ્‍યાજખોર પાસેથી પિતાએ નાણાં લીધા છે તે પોતાને ખબર નથી. પરંતુ તેમના મોબાઇલની કોલ ડિટેઇલમાં નાણાંની ઉઘરાણી કરી ધમકી દેનાર વ્‍યાજખોરોના નંબર મળી શકે તેમ હોવાનું જણાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ સારવાર દરમિયાન રવિવારે સાંજે ધવલે દમ તોડી દેતાં કલ્‍પાંત સર્જાયો હતો. આરોપીઓ ન પકડાય ત્‍યાં સુધી મૃતદેહ નહિ સ્‍વકારીએ તેવું સોની પરિવારના સભયોએ જણાવતાં એસીપી ભાર્ગવ પંડયા,  પીઆઇ એ.બી. જાડેજા અને પીએસઆઇ બી.વી. ઝાલા, પીએસઆઇ ડી.આર. રત્‍નુ, ઇકબાલભાઇ મોરવાડીયા, સિધ્‍ધરાજસિંહ જાડેજા સહિતે પહોંચી એક આરોપી ઝડપાઇ ગયાની અને બીજાની શોધખોળ થઇ રહી હોવાનું જણાવી કડક કાર્યવાહી થશે જ તેવી ખાત્રી આપતાં મૃતદેહ સ્‍વીકારી લેવાયો હતો.પોલીસે એક આરોપી ધવલ સમીરભાઇ મુ઼ધવા (રહે. કેવડાવાડી-૩)ની ધરપકડ કરી લીધી છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી ભાર્ગવ પંડયાની રાહબરીમાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ બી. વી. ઝાલા, હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મહિપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ જે. ખેર, કોન્‍સ. બલભદ્રસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ સહિતે આરોપીને પકડી લઇ વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડની તજવીજ હાથ ધરી છે. મરવા માટે મજબુર કર્યાની કલમ ૩૦૬નો ઉમેરો કરી તપાસ યથાવત રાખવામાં આવી છે.

(11:53 am IST)