Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

પીએમ મોદીને સૌરાષ્‍ટ્રમાં હજુ વિજયભાઇ રૂપાણી પર વિશ્વાસ : સ્‍ટેજ પર ખૂલીને વાત કરતાં દેખાયા

સોમનાથમાં ગુફતેગુ કર્યા બાદ પીએમ મોદીએ જામકંડોરણા અને રાજકોટમાં રૂપાણીને પોતાની નજીક બોલાવી વાતચીત કરી

રાજકોટ તા. ૨૧ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્‍ચે વડાપ્રધાન મોદી સોમનાથ પહોંચ્‍યા છે. જોકે અહી વડાપ્રધાન મોદી અને વિજયભાઈ રૂપાણી સ્‍ટેજ પર ખૂલીને વાત કરતાં દેખાતા રાજકીય વિશ્‍લેષકો અનેક અનુમાન લગાવી રહ્યા છે. જોકે આ કઈ નવું નથી કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને વિજયભાઈ રૂપાણી વચ્‍ચે આ વાર્તાલાપ થયો હોય. આ પહેલા પણ વડાપ્રધાન મોદીએ જામકંડોરણા અને રાજકોટમાં વિજયભાઈ રૂપાણીને પોતાની નજીક બોલાવી વાતચીત કરી હતી. આના પરથી એવી ચર્ચા ઊભી થઈ છે કે, પીએમ મોદીને સૌરાષ્ટ્રમાં હજુ વિજયભાઈરૂપાણી ઉપર વિશ્વાસ છે.

ચૂંટણી પ્રચાર અર્થે ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાને આજે સોમનાથ મહાદેવના દર્શન કરી વેરાવળમાં સભા સંબોધી હતી. આ સભામાં પીએમમોદીની બાજુમાં સૌરાષ્ટ્ર ભાજપના દિગ્‍ગજ નેતા અને પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીને સ્‍થાન મળ્‍યું હતું. જોકે આ દરમ્‍યાન વડાપ્રધાન અને વિજયભાઈ રૂપાણી કોઈ વાતને લઈ સ્‍ટેજ પર ગુફતેગૂ કરતાં દેખાયા હતા. જોકે હવે પીએમ મોદીની બોડી લેંગ્‍વેજથી રાજકીય વિશ્‍લેષકોએ રૂપાણીને પીએમની નિકટ ગણાવ્‍યા છે.

વિગતો મુજબ ગત ૧૧ ઓક્‍ટોબરે જામકંડોરણામાં સભા હતી ત્‍યારે વડાપ્રધાન મોદીએ પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈરૂપાણીને સ્‍ટેજ પર પોતાની નજીક બોલાવ્‍યા હતા. જયારે બુધવારે ફરી રાજકોટની જાહેર સભામાં આવા દૃશ્‍યો જોવા મળ્‍યા. રાજકોટમાં પણ પીએમ મોદીએ ફરી એકવાર રૂપાણીને સ્‍ટેજ પર નજીક બોલાવ્‍યા અને ગૂફતેગો કરી હતી.

ગત તા.૧૧ ઓક્‍ટોબરના રોજ જામકંડોરણા ખાતે પીએમ મોદીએ જંગી સભાનું સંબોધન કર્યું હતું. પીએમના આગમન પૂર્વે પાટીલ સ્‍ટેજ પર આવ્‍યા તો બધા તેમની સાથે ચર્ચા કરવા પહોંચી ગયા પણ રૂપાણી તેમની જગ્‍યાએ બેઠા રહ્યા હતા. આ દૃશ્‍ય જોઇ બંને વચ્‍ચે દૂરી હોવાનું એક તબક્કે લોકોને લાગ્‍યું હતું. બાદમાં વડાપ્રધાન આવ્‍યા તો તેમના અભિવાદન માટે પણ વિજયભાઈᅠ રૂપાણી પોતાની જગ્‍યાએ જ ઊભા રહ્યા હતા. વડાપ્રધાને સ્‍ટેજ પર લોકોનું અભિવાદન ઝીલ્‍યું હતું અને બાદમાં સી.આર.પાટીલે ભાષણ આપ્‍યું હતું. પાટીલે ભાષણ ચાલુ કર્યું તે જ સમયે વડાપ્રધાન મોદીએ વિજયભાઈᅠ રૂપાણીને ઈશારો કરી પોતાની પાસે બોલાવી અને તેમની સાથે ટૂંકી વાત કરી હતી.

(10:23 am IST)