Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના વડાળી ગામની શાળા ગૌરવરૂપઃ 6માંથી 3 શિક્ષકોને ગુજરાત સરકાર દ્વારા 3 એવોર્ડ અપાયા છેઃ પ્રાથમિક શાળા નમુનેદાર શાળા તરીકે જાણીતી

3 વર્ષ સુધી તાલુકાથી લઇને રાજ્‍યકક્ષા સુધીના એવોર્ડ શિક્ષક દંપત્તિએ મેળવ્‍યા છે

રાજકોટ: કહેવાય છે કે શિક્ષક કયારેય સાધારણ નથી હોતો, તેના ખોળામાં પ્રલય અને નિર્માણ આકાર લે છે. રાજકોટ જિલ્લાની એક શાળા છે કે જેના શિક્ષકો આવાજ અસામન્ય છે અને તેઓને સરકાર દ્વારા સતત 3 વર્ષથી એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વડાળી ગામની વડાળી સરકારી પ્રાથમિક શાળા એક નમૂનેદાર શાળા છે, તેજ રીતે અહીંના શિક્ષકો પણ કંઈક ખાસ છે. વડાળી પ્રાથમિક શાળા તો એક સામાન્ય શાળા જેવી જ શાળા છે. અહીં 6 શિક્ષકો ફરજ બજાવે છે, પ્રથમ દર્ષ્ટિએ સામાન્ય લાગતા આ શિક્ષકો કંઈક ખાસ છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા આ 6 શિક્ષકોમાંથી 3 શિક્ષકોને તો એવોર્ડ આપવામાં આવ્યો છે.

જેમાં શાળાના પ્રિન્સિપાલ મનીષભાઈ જાવીયા સાથે અહીં ફરજ બજાવતા શિક્ષક દંપતી પ્રકાશભાઈ નિરંજની અને રંજનબેન અગ્રાવતને રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. રંજનબેન અને તેના પતિ પ્રકાશભાઈને સતત એવોર્ડ મળતા આવ્યા છે. જેમાં 2019 થી શરૂ કરીને 2021 સુધી સતત 3 વર્ષ માટે એવોર્ડ મળેલા છે. 2019 માં રંજનબેનને તાલુકા કક્ષાનો બેસ્ટ શિક્ષકનો એવોર્ડ અને ત્યારબાદ 2020 માં જિલ્લા કક્ષાનો અને હાલ 2021 માં રાજ્ય કક્ષાનો એવોર્ડ મળી ચુક્યો છે. જયારે રંજનબેનના પતિ પ્રકાશભાઈ નિરંજનીને પણ સતત 3 વર્ષ 2017 થી લઈને 2019 સુધી તાલુકા કક્ષાથી લઈને રાજ્ય કક્ષાનો બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળી ચુક્યા છે. સતત ચેલનમાં 3 વર્ષ સુધી તાલુકાથી લઈને રાજ્ય કક્ષા સુધીના એવોર્ડ મેળવનાર રાજ્યનું આ એક માત્ર દંપંતી છે. તેની કામગીરી પણ ખુબજ વિશિષ્ટ રહી છે. તેઓએ કોરોના કાળમાં શાળા બંધ હતી ત્યારથી લઈને આજ દિવસ સુધી ખુબજ સારી કામગીરી કરીને શાળાને નમૂનેદાર બનાવેલ છે.

વડાળી પ્રાથમિક શાળાને જે નમૂનેદાર બનાવેલ છે તેવા રંજનબેન અગ્રાવત અને તેના પતિ પ્રકાશભાઈ નિરંજની વડાળી શાળાના ખાસ છે. પ્રકાશભાઈ એક શિક્ષક સાથે સાથે શિક્ષણ જગતમાં કંઈક નવું નવું કરવા માટે તત્પર હોય છે. તેઓએ કોરોના કાળ દરમિયાન વિધાર્થીઓને ઘરે ઘરે જઈને શિક્ષણ આપવા સાથે શિક્ષણને લગતા ઇનોવેશનમાં સતત ભાગ લેતા રહે છે. આ વર્ષે પણ ભારત સરકારના એક ટોય ફેરમાં તેઓએ પોતાની એક ખાસ ઓનલાઇન ટોય પઝલ મૂકી હતી. જેનું નામ હતું માઈન્ડ પાવર મેથ્સ પઝલ. આ કૃતિ સાથે તેઓએ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ ગુંજતું કર્યું હતું અને જેની નોંધ દેશ અને વિદેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIM લઈને પ્રકાશભાઈની આ કૃતિને IIM દ્વારા બહાર પાડેલ ગણિતની એક બુકમાં સ્થાન પણ આપેલ છે.

ભાયાવદરથી 15 કિમિ દૂર આવેલ વડાળી ગામની વડાળી પ્રાથમિક શાળા એ ખાસ તો છે. આ શાળાના વધુ એક એવોર્ડેડ શિક્ષક એવા રંજનબેન અગ્રાવત છે તેઓ સતત 3 વર્ષથી સરકાર દ્વારા એવોર્ડ મેળવી રહ્યાં છે. તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકથી શરૂ કરીને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવી ચુક્યા છે. તેઓની કામગીરી અને વિધાર્થીઓને શિક્ષણ આપવાની રીત પણ ખાસ છે. રસીલાબેને કોરોના કાળમાં પણ વિધાર્થીઓને કંઈક નવું આપવું એવો જીવન મંત્ર સાથે વિધાર્થીઓને તેઓએ જ્ઞાન સાથે ગમ્મ્ત મળે તે માટે તેઓએ વિવિધ રમકડાં બનાવીને આપ્યા હતા અને તેને ઓનલાઇન પણ મૂક્યા હતા. જેમાં એક ખાસ પ્રકારની રમત પણ બનાવી હતી ને જેના દ્વારા વિદ્યાર્થી રમતા રમતા અભ્યાસ કરી શકે. વિધાર્થીઓને અભ્યાસમાં ખાસ નવું નવું આપવાને લઈને રાજ્ય કક્ષામાં તેઓને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવી ચુક્યા છે અને ગાંધીનગરમાં તેઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

માત્ર 2 હજારની વસ્તી ધરાવતા ઉપલેટાના આ વડાળી ગામના ખેડૂત પુત્રો અને નાગરિકોને તો તેની શાળામાં 3 - 3 શિક્ષકોને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક હોય તો શિક્ષણ માટે બીજું શું જોઈએ ? તેઓ તો પોતાના સંતાનોને અહીં અભ્યાસ કરાવીને નસીબદાર માને છે. સરકારની દરેક શાળાઓ અને સરકારી શિક્ષકોએ વડાળી ગામની  શાળા અને શિક્ષકો પાસેથી પ્રેરણા લે તો હાલ જે ખાનગી શાળામાં શિક્ષણ મળે છે તે કોઈ પણ ગામ કે શહેરમાં મળી શકે અને દરેક બાળકનો વિકાસ થઇ શકે.

(5:21 pm IST)