Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

માયમની સોલ્યુશન નામની કંપની બનાવી ૭૬ કરોડની છેતરપીંડીના ગુન્હામાં પકડાયેલ બે મહિલા આરોપી જામીન પર

રાજકોટ તા. રર : માયમની સોલ્યુશન નામની કંપની બનાવી છોતેર કરોડ પંચાવન લાખની છેતરપીંડી કરી ઓળવી જવાના ગુન્હામાં પકડાયેલ બે મહિલા આરોપીનો જામીન ઉપર છુટકારો હાઇકોર્ટે ફરમાવેલ છે.

ભાવનગરમાં રહેતા હસમુખભાઇ મેઘજીભાઇ વિરડીયાએ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં માયમની સોલ્યુશનના ભાગીદારો ઉપરાંત તપાસમાં ખુલે તેના વિરૂધ્ધએ મતલબની ફરીયાદ નોંધાવેલ કે તેઓએ સને-ર૦ર૦ માં તેઓએ તેઓના મીત્ર મારફત માયમની સોલ્યુશન નામની કંપનીમાં જુદી જુદી રીતે અંદાજે રૂ. ૯.૦પ, રપ,૦૦૦ નું રોકાણ કરેલ હતું. આ માયમની સોલ્યુશન નામની કંપની સ્ટોકમાં ખરીદ વેચાણ, બેંક નીફટી ઓપરેશન, સેલીંગ, ગોલ્ડ, ખરીદ વેચાણ, સ્થાવર મીલ્કત-લે-વેચ વિગેરે જાતનું કામકાજ કરતી હતી અને કંપનીના હોદેદારો દ્વારા ફરીયાદીને વિશ્વાસમાં લઇ ઉપરોકત રકમનું રોકાણ કરાવેલ હતું અને રોકાણ પરત મળી જવાનો ભરોસો અને વિશ્વાસ અપાવેલ હતો.

ત્યારબાદ કંપનીના ભાગીદારો પૈકી ઇન્દ્રજીતસિંહ ઉર્ફે બન્ટીભાઇ સુરપાલસિંહ ગોહીલનું તા.૧/૧/ર૧ ના રોજ અવસાન થયેલ ત્યારબાદ માયમની સોલ્યુશન નામની કંપનીની ઓફીસ બંધ થઇ ગયેલ અને બાકી લેણી રકમ બાબતે કોઇએ સ્પષ્ટ જવાબ ન આપતા ફરીયાદીએ માયમની સોલ્યુશન નામની કંપનીના હોદ્દેદારો વિરૂધ્ધ તેઓ ઉપરાંત તેઓના સગાઓના કુલ રૂ. ૭૬, પપ,પ૬,૦૦૦ પુરા ઓળવી જવા અંગેની ફરીયાદ આપેલ હતી. જેમાં ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૦૯, ૪ર૦,પ૦૬(ર), ૧૧૪ તેમજ જી.પી.આઇ.ડી.એકટ ૩ મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી.

ઉપરોકત ગુન્હામાં આરોપી તૃપ્તીબા ઇન્દ્રજીતસિંહ ગોહીલ તથા પ્રવિણાબા સુરપાલસિંહ ગોહીલએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરતા તેમાં આરોપીના વકીલ દ્વારા એમતલબની રજુઆત કરેલ હતી કે તેઓ ફકત માયમની સોલ્યુશન નામની કંપનીના ભાગીદારના પત્ની તથા માતા છે આ સિવાય તેઓને કંપનીના કોઇ વ્યવહારો વિશે જાણકારી નથી કે તેઓને માયમની સોલ્યુશન નામની કંપની સાથે લાગતુ વળગતું નથી કે તેઓ કંપનીના હોદ્દેદારો નથી તેમજ તેઓ દ્વારા કોઇ ફાયનાન્સીયલ છેતરપીંડી કરવામાં આવેલ નથી કે તેઓએ ઉપરોકત માયમની સોલ્યુશન નામની કંપનીની રકમમાંથી કોઇપણ જાતની મીલ્કત ખરીદ કરેલ નથી તેમજ માયમની સોલ્યુશન નામની કંપનીની કોઇ રકમ તેઓએ અંગત ઉપયોગ માટે વાપરેલ નથી અને ખોટી ફરીયાદ આપી ફરીયાદી આરોપીને ખોટી રીતે સંડોવી દીધેલ છે.અને આરોપીનો કોઇ ગુન્હાહીત ભુતકાળ નથી તથા આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય રીતે પોલીસ તપાસના કાગળોમાં કોઇ પુરાવો મળી આવતો નથી તેવી ધારદાર રજુઆતો કરવામાં આવેલ હતી.

ઉપરોકત સંજોગોમાં હાઇકોર્ટ દ્વારા બચાવપક્ષની રજુઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકિય પરિસ્થિતી ધ્યાને લઇ અરજદાર આરોપીઓને રૂ.૧૦,૦૦૦, ૧૦,૦૦૦ ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ગુજરાત હાઇકોર્ટમાં વિરાટભાઇ પોપટ તથા રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, કિરીટ બી. નકુમ, હેમાશું, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દિપ પી.વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, પ્રદ્યુમનસિંહ જાડેજા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(4:58 pm IST)