Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વોર્ડ નં.૩ માં નવા ભેળવાયેલ વિસ્તારની સોસાયટીઓ પાણી-લાઇટ-ગટરની સુવિધાથી વંચીત

અનેક રજુઆતો છતા હજુ સુધી આ વિસ્તારમાં મ.ન.પા.ના અધિકારીઓ-પદાધિકારીઓ ફરકયા પણ નથીઃ લતાવાસીઓમાં રોષ

રાજકોટ, તા. રર :  શહેરની હદમાં મ.ન.પા.નાં કાર્યક્ષેત્રમાં આવતી વોર્ડ નં. ૩ માં આવેલી ૧પ થી વધુ સોસાયટીઓમાં હજુ સુધી પાણી, રસ્તા, ગટર, લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી અપાતી જેના કારણે લતાવાસીઓમાં રોષ ફેલાયો છે.

આ અંગે સોસાયટીનાં રહેવાસીઓનાં જણાવાયા મુજબ વોર્ડ નંબર -૩માં આવતા વિસ્તારમાં આવતી સોસાયટી જેવી કે શ્રી રામપાર્ક, શ્રી રેસિડેન્સી, માધવ વાટીકા, સુંદરમ સોસાયટી તેમજ અન્ય ઘણી સોસાયટીના રહેવાસીઓ હજુ પાયાની સુવિધાઓથી વંચિત છે. આ વિસ્તારના રહેવાસીઓને પાણી, રસ્તા, લાઇટ, ભુગર્ભ ગટર સાથે જોડાણ વગેરે જેવી પાયાની સુવિધાઓ હજુ મળેલ નથી. જેના કારણે રહેવાસીઓ ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અગાઉ પણ સરપંચ, ગ્રામ પંચાયત વગેરે જગ્યાએ ઘણી વખત રજુઆત કરેલ છે. પણ છતાં કોઇ ઉકેલ નથી.

ગત વર્ષ માધાપર ગામ રાજકોટ વિસ્તારમાં ભળી ગયા બાદ આ વિસ્તારના રહેવાશીઓએ કોર્પોરેટર તેમજ કોર્પોરેશનમાં પણ આ સમસ્યાઓ બાબતે રજુઆત કરેલ હતી. પરંતુ હજુ સુધી સમસ્યાઓ જેમની તેમ જ છે. તેમજ આજ દિન સુધી કોઇ અધિકારી કે જન પ્રતિનિધિ વિસ્તારની મુલાકાત સુધ્ધા લેવા આવેલ નથી. તેમ લતાવાસીઓએ રોષભેર જણાવ્યું હતું.  અને વહેલી તકે આ વિસ્તારોમાં પાણી-રસ્તા-લાઇટ-ગટરની પ્રાથમિક સુવિધાઓ આપવા ઉગ્ર માંગ ઉઠાવી હતી.

(4:56 pm IST)