Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ગઢકામાં અમૂલને ચો.મી.ના પર૦ લેખે ૧૦૦ એકર જમીન અપાશે

જંત્રીના ભાવો ફાઇનલ કરાયાઃ અમુલની પણ સંમતિઃ સીટી પ્રાંત-ર ચરણીસિંહ દ્વારા કલેકટરને દરખાસ્તઃ કલેકટર હવે વેલ્યુએશન કરાવી સરકારમાં મોકલશે... : આ અગાઉ આણંદપર-નવાગામની ૧૦૦ એકર જમીનનો ભાવ સરકારે ૩૪૦ કરોડ આંકતા અમૂલે હાથ ઉંચા કરી દીધા હતા...

રાજકોટ તા. રરઃ રાજકોટ તાલુકાના ગઢકામાં અમૂલનો જાઇન્ટ પ્લાન્ટ ફાઇનલ થાય તેવા સંજોગો મજબૂત બન્યા છે, એશીયાની નંબર વન ગુજરાત કો. ઓપ. મીલ્કત મોર્કટીંગ ફેડરેશન લીમીટેડ આણંદ (અમૂલ) ડેરી દ્વારા રાજકોટ તાલુકામાં જંગી વિશાળ બીજો પ્લાન્ટ સ્થાપવા કલેકટર તંત્ર પાસે જમીન માંગી છે, આ અગાઉ અમૂલે આણંદપર-નવાગામ ખાતે જમીન માંગી હતી, સરકારે આપવા તૈયારી દર્શાવી પરંતુ પ્રતિ ૧ ચો.મી.નો ભાવ ૬૭૦૦ નકકી કરતા અમૂલે ૩૪૦ કરોડ ભરવાના આવતા કંપનીએ હાથ ઉંચા કરી દીધા હતા. આ પછી અમૂલે ગઢકા-સરકારી ખરાબા સર્વે નં.૪૭૭ પૈકી-૪ ઉપર નજર દોડાવી ત્યાં૧૦૦ એકર જમીન ફાઇનલ કરી તાલુકા મામલતદાર સમક્ષ જમીનની માંગણી કરાઇ હતી, આ પછી આ મામલો સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલ પાસે પહોંચ્યો હતો અને તેમણે જંત્રીના ભાવ ઔદ્યોગિક હેતુ ગણી જંત્રીનો ભાવ પ્રતિ ચો.મી.ના રૂ. પર૦ લેખે ગણી અમુલને જમીન દેવાની રાજકોટ કલેકટર સમક્ષ દરખાસ્ત કરી દીધી છે.

હવે જમીન અંગેનો બોલ કલેકટર સમક્ષ છે, અમૂલને જમીન આપવાની દરખાસ્ત પહેલા રહેણાંકનો ભાવ પ્રતિ ચો.મી. ૪૦૦ તો વાણીજયક હેતુ માટે રૂ. ૬૦૦નો નીકળ્યો હતો એ પછી એ બંને વચ્ચેનો ભાવ પ્રતિ ચો.મી. રૂ. પર૦નો ભાવ ફાઇનલ થયો છે, અમૂલે પણ આ ભાવ લેખે જમીન સ્વીકારવા અંગે સંમતિ આપ્યાનું અધીકારી સુત્રો ઉમેરી રહ્યા છે, તે ઉપરાંત ૧ ટકો પ્રોસેસ ફી પણ કંપની ભરવા તૈયાર છે, હવે કલેકટર વેલ્યુએશન કરશે, આ માટે DLPC ની મીટીંગ મળશે, જેમાં ભાવો ફાઇનલ થયા બાદ રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા સરકારમાં દરખાસ્ત થશે, તેમ સુત્રો ઉમેરી રહ્યા છે.

(4:38 pm IST)