Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સવાણી ગ્રુપ દ્વારા ૩૦૦ કન્યાઓનો લગ્નોત્સવ

૪ અને ૫ ડિસેમ્બરે સુરતમાં આયોજન : નાત - જાત - ધર્મના ભેદ વગર શરણાઇ ગુંજશે : દુઃખી કન્યાના જીવનમાં સંસાર સુખ ખીલશે

સેવાક્ષેત્રે અનેક વ્યકિતત્વ ધરાવતા પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઇ સવાણી તાજેતરમાં 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ કાઠિયાવાડી પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અગ્રણીઓ પુરૂષોત્તમભાઇ પીપળિયા, શિવલાલભાઇ બારસિયા, ચેતનભાઇ કમાણી, કેશવજીભાઇ પરમાર, વિપુલભાઇ તેરૈયા, રમેશભાઇ ગોજીરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૨ : સામાજિક સેવા ક્ષેત્રે સવાણી ગ્રુપ સુરતમાં ફરી ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. આગામી ડિસેમ્બર મહિનામાં ૩૦૦ દીકરીઓનો અતિ ભવ્ય લગ્નોત્સવ આયોજિત થયો છે. પી.પી.સવાણી પરિવારના મહેશભાઇ સવાણી, રમેશભાઇ સવાણી, રાજુભાઇ સવાણી અને તેની ટીમ ઇતિહાસ આલેખવા સજ્જ થઇ ગઇ છે.

પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઇ સવાણી 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આગામી ૪ અને ૫ ડિસેમ્બરે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, મોટા વરાછા, અબ્રામા રોડ, સુરત ખાતે 'ચૂંદડી મહિયરની' નામક વિશિષ્ટ લગ્નોત્સવ આયોજિત થશે, જેમાં ૩૦૦ દીકરીઓ સંસારમાં કદમ માંડશે.

મહેશભાઇએ કહ્યું હતું કે, પી.પી.સવાણી ગ્રુપ છેલ્લા ૧૪ વર્ષથી નાત - જાત - ધર્મ - પ્રાંતના ભેદ વગર પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓનું કન્યાદાન કરીને પિતાની હૂંફ પૂરી પાડવામાં આવે છે. આ લગ્નોત્સવમાં હિન્દુ - મુસ્લિમ - શીખ - ઇસાઇ સહિતના ધર્મોની કન્યાઓના લગ્નો તેમની પરંપરાગત પધ્ધતિથી કરાવવામાં આવે છે.

અનોખા લગ્નોત્સવનું પ્રેરક આયોજન થયું છે. મહેશભાઇએ કહ્યું હતું કે, તમામ ૩૦૦ દીકરીઓનો મહેંદી પ્રસંગ ગોપીન રીવર વિલ્લે, મોટા વરાછા - સુરત ખાતે તા. ૨ના સવારે ૮ વાગ્યે યોજાશે. લગ્નના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. દુલ્હન શણગાર, જાન આગમન, હસ્ત મેળાપ, દીકરીઓનું પૂજન, ભવ્ય ભોજન સમારોહ તથા કન્યા વિદાય સુધીના પ્રસંગો માટે નક્કર આયોજનો થયા છે. આ પ્રસંગે 'પવિત્ર વિવાહ' નામક પુસ્તકનું વિમોચન કરવામાં આવશે અને એક ગીત પણ રીલીઝ થશે.

આ લગ્નોત્સવની કંકોતરીમાં દરેક ૩૦૦ યુગલોના ફોટા પ્રકાશિત કરાયા છે. વ્યવસ્થાના ભાગરૂપે દરેક યુગલને વિશિષ્ટ નંબરો ફાળવવામાં આવ્યા છે. કંકોતરીમાં સ્ટેજ વ્યવસ્થાથી માંડીને મંડપ અંગેની માહિતી નકશા સાથે આપવામાં આવી છે. લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેનાર મહેમાનો માટે વિવિધ કેટેગરીના પાસ રિલીઝ કરાયા છે. જરા પણ અવ્યવસ્થા ન થાય અને દરેક વ્યકિત લગ્નોત્સવનો પૂરતો આનંદ માણી શકે તેવું અતિ ભવ્ય આયોજન કરાયું છે.

મહેશભાઇએ જણાવ્યું હતું કે, દરેક યુગલ દીઠ ૧૦૦ વ્યકિતને લગ્નોત્સવમાં લાવવાનું આમંત્રણ આપવામાં આવે છે. દીકરીઓને લગ્નમાં પિતાની ઉણપ ન વર્તાય તે દૃષ્ટિકોણથી આયોજન કરવામાં આવે છે.

મહેશભાઇ વિશિષ્ટ વ્યકિતત્વ ધરાવે છે. પોતે એન્જીનિયરીંગના અભ્યાસ બાદ હીરા ઉદ્યોગથી માંડીને રિયલ એસ્ટેટમાં ખૂબ કમાયા છે. આજે પણ વતનની શાળાને સહાયરૂપ થાય છે.

સરળતા, સંતોષ, સ્મિત, સારપને સેવા એનું પંચામૃત એટલે મહેશભાઇનું વ્યકિતત્વ. ફોન પર પણ એમના અવાજનો ઉમળકો ભીંજવી દે. મળીને છૂટા પડે પછી ય એમનો હસતો ચહેરો આપણી આંખોની આસપાસ મલકયા કરે. પોઝિટિવિટીની રિયાલિટી એટલે મહેશ સવાણી. મેં એમના જ આ કાર્યક્રમમાં ગત વર્ષે કહેલું કે મહેશભાઇએ જેટલી દીકરીઓના લગ્ન - નિકાહ (હા, આમાં મુસ્લિમ દીકરીઓ પણ હોય છે) કરાવ્યા છે, ને દર વર્ષે જે રીતે કરાવી રહ્યા છે. એ જોતાં આ દીકરીઓનો પરિવાર વિસ્તરશે ત્યારે આખું એક સવાણીનગર ગામ વસાવી શકશે !

આખો પરિવાર સુખ્યાત સવાણી સ્કૂલ્સથી તો વિખ્યાત જ. બાપુજી તરીકે ઓળખાતા એમના સમર્થ પિતા વલ્લભભાઇ સવાણીએ તો હાર્ટ ઇન્સ્ટિટયૂટથી ઘણા સામાન્ય માણસોના દિલની અસામાન્ય સારવાર કરી છે અને દીકરી - જમાઇના દિલને જોડવાનું સેતુરૂપ કામ મહેશભાઇ કરી રહ્યા છે. સુરતની આ જ તો લાક્ષણિકતા છે. અહીં પોલિશ થતા ડાયમંડ ભલે બેશકિંમતી ગણાય, ખરા અમૂલ્ય તો આ માનવરત્નોનો ઝળહળાટ છે.

(3:51 pm IST)