Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કોરોના મહામારીમાં દોઢ વર્ષથી બંધ રહ્યા બાદ ક્રમશઃ હવે અનલોક બાદ

ધો. ૧ થી ૧૨ પ્રત્યક્ષ શિક્ષણ કાર્યનો પ્રારંભ : છાત્રોમાં ઉત્સાહ

સરકારી - ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રથમ દિવસે પાંખી હાજરી : ખાનગી શાળાઓ સંમતિપત્ર બાદ ગુરૂવારથી ધો. ૧ થી ૫ ની શાળા શરૂ કરશે : શૈક્ષણિક સંસ્થાઓમાં છાત્રોનો કલરવ : શાળાઓમાં કોરોનાની માર્ગદર્શિકાનું કડક અમલ કરાવવા સૂચના : શાળાઓમાં ઓફલાઇન - ઓનલાઇન બંને વર્ગો ચાલુ રહેશે

દોઢ વર્ષ બાદ છાત્રો શાળાએ પહોંચ્યા : સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ધો. ૧ થી ૧૨માં શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે શાળાઓમાં પાંખી હાજરી જોવા મળી હતી. વિદ્યાર્થીઓ માસ્ક સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગ ધ્યાને લઇ શિક્ષણ કાર્યનો પ્રારંભ કર્યો હતો તે સમયની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરિયા) 

રાજકોટ તા. ૨૨ : કોરોના મહામારીમાં સૌથી વધુ પ્રભાવિત શિક્ષણજગત થયું હતું. છેલ્લા દોઢ - પોણા બે વર્ષથી બંધ શિક્ષણ કાર્ય આજથી ફરી સંપૂર્ણ અનલોક થયું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી તમામ બોર્ડના ધો. ૧ થી ૧૨માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે.

પ્રથમ દિવસે ધો. ૧ થી ૫માં પાંખી હાજરી પરંતુ ધો. ૬ થી ૧૨માં ૮૦ થી ૯૦ ટકા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આજ સવારથી બીજા સત્રના પ્રારંભથી જ રાજમાર્ગો પર વિદ્યાર્થીઓના ચલહ પહલ બાદ શૈક્ષણિક સંકુલો પણ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠયા હતા.

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ગઇકાલે સુરતમાં ધો. ૧ થી ૫ના વર્ગો શાળામાં શરૂ કરવાની જાહેરાત કરી છે. ૨૦ માસથી બંધ ધો. ૧ થી ૫ના વર્ગો આજથી શરૂ થયા છે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની હાજરી નોંધપાત્ર બની હતી તો ખાનગી શાળાઓના સંચાલકોએ વાલીઓના સંમતિપત્ર આજથી ભરાવાના શરૂ કર્યા છે અને શાળાઓમાં સફાઇ અને સેનિટાઇઝ કર્યા બાદ ગુરૂવારથી રાબેતા મુજબ પ્રત્યક્ષ શિક્ષણકાર્યનો પ્રારંભ થશે.

શિક્ષણ વિભાગે ધો. ૧ થી ૫ના વર્ગો માટે કોરોના મહામારી માટે નિયત થયેલી માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાની સૂચના આપી છે. વાલીઓની સંમતિ સાથે પ્રત્યક્ષ શિક્ષણ માટે શાળાઓમાં વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે. શાળાઓમાં ઓફલાઇન - ઓનલાઇન વર્ગો ચલાવવાના રહેશે. વિદ્યાર્થીઓએ શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. પ્રાથિમક શાળાઓમાં સમૂહ પ્રાર્થના, રમત ગમત પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમો કરવાની મનાઇ ફરમાવી છે. આ માટે શિક્ષણ વિભાગ સતત નિરીક્ષણ કરતું રહેશે.

રાજ્યમાં ધો. ૧ થી ૫માં કુલ ૫૩,૫૨,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં ૧ નવેમ્બરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થયો હતો. ૨૧ દિવસનું દિવાળી વેકેશન ૨૧ નવેમ્બરના રોજ પૂર્ણ થયું છે. જેથી હવે ૨૨ નવેમ્બરથી રાજ્યની તમામ સ્કૂલોમાં ફરીથી રાબેતા મુજબ શિક્ષણ શરૂ થયેલ. દિવાળી વેકેશન પહેલા રાજ્યની ધોરણ ૬ થી ૧૨ની સ્કૂલોમાં જ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયુ હતું. જો કે હવે આજે સોમવારથી રાજ્યની તમામ ધોરણ ૧થી ૧૨ની સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ થયુ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા એકેડેમિક કેલેન્ડર અનુસાર બીજા શૈક્ષણિક સત્રમાં ધોરણ ૯ થી ૧૨ની પ્રિલીમ પરીક્ષા ૨૭ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધોરણ ૯ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતી પ્રખરતા શોધની કસોટી ૭ ફેબ્રુઆરીના રોજ લેવામાં આયોજન કરાયુ છે. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા તથા પ્રાયોગીક પરીક્ષા ૯ ફેબ્રુઆરીથી ૧૧  ફેબ્રુઆરી દરમિયાન લેવાશે. ધોરણ ૧૨ સાયન્સની પ્રાયોગીક પરીક્ષા ૧૪ ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૪ માર્ચથી ૩૦ માર્ચ દરમિયાન લેવામાં આવનાર છે. ધોરણ ૯ થી ૧૧ની શાળાકીય વાર્ષિક પરીક્ષા ૧૧ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. ધોરણ ૯ અને ૧૧ની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. (૨૧.૧૨)

ધો. ૧ થી ૫માં પ્રથમ દિવસે પાંખી હાજરી : ખાનગી શાળામાં તો ગુરૂવારથી શિક્ષણકાર્ય

રાજકોટ : આજથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧ થી ૧૨માં પ્રત્યક્ષ શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. ગઈકાલે અચાનક શિક્ષણમંત્રીની જાહેરાત બાદ ધો.૧ થી ૫માં ગ્રામ્ય કક્ષા તેમજ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. જયારે ખાનગી શાળાઓના મંડળે પ્રથમ વાલીઓના સંમતિપત્ર, સ્કુલ બસની વ્યવસ્થા, સેનેટાઈઝર અને સફાઈ સહિત બે દિવસમાં પૂર્ણ કર્યા બાદ ગુરૂવારથી શિક્ષણકાર્ય કેટલીક શાળાઓ શરૂ કરશે.

(2:40 pm IST)