Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

અખંડ હરિનામ સંકીર્તનના ૧૩૦૦૦ દિવસના વિજય મંત્ર વિજયોત્સવના સમાપન અર્થે કાલે વિશેષ પૂજન મહાઆરતી

અશોક ભાયાણી અને મહેશ વાગડીયા સમુહ ધુન કરાવશે : રવિવારે ૧૩ કુંડી મહાવિષ્ણુ યાગ

રાજકોટ તા. ૨૨ : 'શ્રી રામ જય રામ જય જય રામ' અખંડ વિજય મંત્રને ૧૩૦૦૦ દિવસ નિમિતે યોજાયેલ વિજયોત્સવના સમાપન પ્રસંગે વિશેષ પૂજન, આરતી અને ૧૩ કુડી મહાવિષ્ણુયાગનું આયોજન કરાયુ છે.

આ અંગે આયોજક આગેવાનોએ 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે શ્રી રામ જય રામ જય જય રામ વિજયમંત્રને અખંડ સંકીર્તન તરીકે ધી ગીનીશ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવનાર સદ્દગુરૂદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પ્રેરણા અને અહૈતુક કૃપાથી આજે ભારતભરમાં સેંકડો જગ્યાએ વિજય મંત્રનું નામ સંકીર્તન ચાલી રહેલ છે. રાજકોટમાં ૭ સેન્ટરમાં ચોવીસ કલાક અખંડ સંકીર્તન ચાલી રહ્યુ છે.

રાજકોટ શહેરમાં ચાલી રહેલ અખંડ સંકીર્તનના ૧૩૦૦૦ દિવસનો વિજયમંત્ર વિજયોત્સવ આનંદ ઉલ્લાસથી ઉજવાઇ રહ્યો છે. તેના સમાપનરૂપે કાલે તા. ૨૩ ના રાત્રે ૧૦ થી ૧ અશોકભાઇ ભાયાણી તથા મહેશભાઇ વાગડીયા સમુહમાં સંકીર્તન ધુન, રાસ ગરબા રજુ કરશે. શ્રી રામ નામ મહારાજ તથા શ્રી સદ્દગુરૂદેવનું પૂજન, અર્ચન અને અભિષેક કરાશે. મહાઆરતી થશે.

જયારે તા. ૨૪  ના રવિવારે ૧૩ કુંડી મહાવિષ્ણુ યાગનું આયોજન કરાયુ છે .સવારે ૭.૪૫ થી ૧૨.૩૦ સુધી આ મહાવિષ્ણુયાગ ચાલશે. જેમાં ૧૩ યુગલો યજમાન તરીકેનો લાભ લઇ શકશે. યજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રી શ્રી હરીશભાઇ ભોગાયતા સેવા આપશે.

કાલાવડ રોડ પરના સંકીર્તન મંદિરે આયોજીત આ કાર્યક્રમોમાં ધર્મપ્રેમીજનોએ ઉપસ્થિત રહેવા પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત શ્રી હરિનામ સંકીર્તન મંડળના મેનેજીંગ ટ્રસ્ટી ગોવિંદભાઇ ભાતેલીયા, ટ્રસ્ટી હરૂભાઇ નથવાણી, હસુભાઇ ભગદેવ, રાજુભાઇ દાવડા, હર્ષદભાઇ ગોહેલ, દિનેશભાઇ રાયચુરા, અનિલભાઇ ભાયાણી, ચંદુભાઇ પરચાણીએ અનુરોધ કરેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા શાસ્ત્રી હરીશભાઇ ભોગાયતા, નિલેષભાઇ જોબનપુત્રા, હર્ષદભાઇ રૂઘાણી, ગીરીશભાઇ ટાંક, મહેશભાઇ વાગડીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:58 pm IST)