Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

શિક્ષણ વ્યવસ્થા પરિવર્તન ઝંખે છે

વર્તમાન શિક્ષણ વ્યવસ્થાનું માળખું સમૂળગું પરિવર્તન માંગે છે. અત્યારનું શિક્ષણ વિદ્યાર્થી વર્ગ અને વાલીગણ માટે બોજ બની ગયું હોય તેમ લાગે છે. અત્યારનું શિક્ષણ બેકારોની એક ફોજ ઉભી કરી રહ્યું છે. વિદ્યાર્થીઓમાં રહેલ આંતરિક શકિતઓ અને બૌધિકશકિત (To draw out) બહાર લાવવાને બદલે આજનું શિક્ષણ બહારની માહિતિ અને વિગતો વિદ્યાર્થીઓનાં મગજમાં ઠાંસી ઠાંસીને ભરી દે છે. જેથી વિદ્યાર્થીઓની બુધ્ધિ અને ક્ષમતાનો વિકાસ થવાને બદલે વિદ્યાર્થીઓનું મગજ એક કઠપુતળી જેવું બની જાય છે. એક યંત્ર જેવું બની જાય છે. શિક્ષણ વિદ્યાર્થીઓની આંતરીક શકિતઓ બહાર લાવે તેવું હોવું જોઇએ, વ્યવસાયલક્ષી અને શારીરિક અને બૌધિક શકિતઓ બહાર લાવે એવું અને કુદરતી તથા ભૌતિક સંપદાનો વિશાળ પ્રમાણમાં ઉપયોગ થઇ શકે તેવું હોવું જોઇએ. જયારે આજનું શિક્ષણ કોમર્શિયલ અને વ્યવસાયીક બની ગયું હોય, શાળા સંચાલકોમાં શિક્ષણની ભાવના કરતા ધન ઉપાર્જિત કરવાની ભાવના બળવતર બનતી જાય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આર્થિક, માનસિક, અને બૌધિક રીતે બોજ સમાન બની ગયું છે. ખરેખર તો ભણતર ભાર વગરનું હોવું જોઇએ એના બદલે અત્યારનું ભણતર વિદ્યાર્થીઓ માટે ભારૂપ બની ગયું છે. નાના નાના વિદ્યાર્થીઓ પોતાના દફતરમાં આઠથી દશ કિલો વજન ઉંચકીને શાળાએ જાય છે. ત્યાંથી ત્રીજા ચોથા માળે આટલું વજન ઉંચકીને કલાસરૂમમાં પહોંચ છે!! ઉપરાંત શાળાઓ દ્વારા અપાતા લેશન તથા ટયુશન કલાસ દ્વારા અપાતા લેશનનો માનસિક ભાર પણ નાના બાળકો માટે અસહ્ય હોય છે. શાળાઓએ પાઠય પુસ્તકો શાળાઓમાં જ રાખવાની વ્યવસ્થા કરવી જોઇએ અથવા પીરીયડ પધ્ધતિ અમલમાં લાવવી જોઇએ. વર્ગખંડની ચાર દિવાલોને બદલે વિસ્તરતી દુનિયાનું વિશાળ જ્ઞાન મળે તેવું અને શારીરિક કામ, બૌધ્ધિક કામ, બૌધ્ધિક ક્ષમતાનું જેમા સમન્વય થાય તેવું જ્ઞાન સાથે વ્યવસાયની તકો મળે તેવું શિક્ષણ હોવું જોઇએ.

આજનું શિક્ષણ મોંઘુ થઇ ગયું છે. પેટે પાટા બાંધીને પણ વાલીઓએ નાછુટકે પોતાનાં બાળકોને ખાનગી શાળામાં ભણાવવા પડે છે. કારણ કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સારૃં ન હોય તેવી સામાન્ય લોકોમાં છાપ છે. તે છાપ સુધારવા માટે સરકારે સરકારી શાળઓ અને ગ્રાંટેડ શાળાઓમાં અપાતા શિક્ષણનું ધોરણ સુધરે તેવા પ્રામાણિક પ્રયાસો કરવા જોઇએ. વ્યવસાયની અને નોકરીની ઉત્તમ તકો પુરી પાડે તેવું તથા બાળકો કે યુવાનોને અભ્યાસ પછી અર્થ ઉપાર્જનની તકો પુરી પાડે તેવું શિક્ષણ હોવું જોઇએ. સરકારે સમાજ સેવીઓએ તથા લાગતા વળગતા શિક્ષણશાસ્ત્રીઓએ આ પ્રશ્ન અંગે ગંભીરતા પૂર્વક વિચારવું જ જોઇએ.

એડવોકેટ હિંમતભાઇ લાબડિયા

પ્રમુખ, રાજકોટ શહેર જીલ્લા વાલી મહામંડળ

(3:57 pm IST)