Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

લગ્ન પ્રસંગમાં મૃત્યુની ચોથી ઘટનાઃ જુનાગઢથી રાજકોટ લગ્નમાં આવેલા વણિક મહિલાનું મોત

મવડી પ્લોટ જયંત કે. જી. સોસાયટીમાં મનિષાબેન સંઘાણી બહેનની દિકરીના લગ્નમાં આવ્યા'તાઃ માંડવાના પ્રસંગમાં બેભાન થયા બાદ દમ તોડ્યોઃ પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૨૨: લગ્ન પ્રસંગમાં મૃત્યુથી સતત ચોથી ઘટના બની છે. જેમાં જુનાગઢથી રાજકોટ મવડી પ્લોટ વિસ્તારમાં બહેનની દિકરીના લગ્નમાં આવેલા વણિક મહિલાનું આજે માંડવાના પ્રસંગમાં હૃદય બેસી જતાં મોત નિપજતાં પરિવારમાં લગ્નની ખુશીની જગ્યાએ શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ જુનાગઢ બસ સ્ટેશન પાસે પારર વિલામાં રહેતાં મનિષાબેન રમેશભાઇ સંઘાણી (ઉ.૫૦) નામના વણિક મહિલા મવડી પ્લોટ જયંત કે. જી. સોસાયટીમાં સીટી પ્લેસ એપાર્ટમેન્ટમાં રહેતાં પોતાના બહેન હીનાબેન નટરાજભાઇ દોશીની દિકરી દિપાલીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા રાજકોટ આવ્યા હતાં. આજે માંડવાનો પ્રસંગ હોઇ તે વખતે મનિષાબેન બેઠા બેઠા અચાનક ઢળી પડતાં બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધાનું તબિબે જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી.

મૃત્યુ પામનારના પતિ જુનાગઢમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. અત્રે નોંધનીય છે કે પરમ દિવસે મેંદરડામાં ડીજેમાં સ્પીકર પડતાં રાજકોટના ગીતાંજલી સોસાયટીના બાળકનું મોત થયું હતું. આ ઉપરાંત ગોંડલથી પુનિતનગરમાં લગ્ન પ્રસંગમાં આવેલા બ્રાહ્મણ યુવાનનું દાંડીયા રાસ રમ્યા બાદ હૃદય બેસી જતાં મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ગાંધીગ્રામમાં ભત્રીજાના લગ્નમાં ગોતીડો વધાવતી વખતે કુંભાર મહિલાનું પણ હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. ત્યાં આજે આ ચોથો બનાવ બન્યો છે.

(3:52 pm IST)