Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મહેકમ વિભાગમાં પૂરો રેકોર્ડ છે, જેને જોવો હોય તે જોઈ શકે છે : ડો.કમલેશ જોષીપુરાની હણહણાટી

પૂર્વ મંજૂરી સાથે રજા રિપોર્ટ વગર કોઈ જ ગેરહાજરી નથી : નિયમ પાલન અને પ્રમાણિકતા ખૂબ મોટી મૂડી છે : જોષીપુરા

રાજકોટ, તા. ૨૨ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ભાજપના વરિષ્ઠ આગેવાન કાયદાવિદ્દ ડો.કમલેશ જોષીપુરાએ બાયોમેટ્રીક હાજરી સંદર્ભે ખુલાસો સાથે ખુલ્લો પડકાર ફેંકયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદા ભવનના પ્રોફેસર ડો. કમલેશ જોષીપુરાએ હાજરી સંદર્ભે પ્રકાશિત અહેવાલ સંદર્ભે ખુલ્લો પડકાર ફેંકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહેકમ વિભાગ (ટીચીંગ)નો રેકોર્ડ જોઈ જવા જણાવેલ છે.

કમલેશ જોષીપુરાએ એક યાદીમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે સંશોધન, કોન્ફરન્સ, સેમીનાર વગેરે માટે ડયુટીલીવ તથા સતાવાર સરકારી જવાબદારીઓ માટે ઓન ડયુટીલીવ તથા મળવાપાત્ર રજાઓ લીધેલી છે. જેનો તારીખવાઈઝ રેકોર્ડ છે. રજા ઉપર જતા પહેલા જ રીપોર્ટ મૂકી રજા લીધેલ છે. મહેકમ વિભાગની સાથે મારી પાસે પણ પૂરી વિગત છે.

કમલેશ જોષીપુરાએ જણાવ્યુ છે કે જે - તે ભવનના હેડની રજા કુલપતિ સુધી મંજૂરી માટે જાય છે અને અન્ય સ્ટાફ (શૈક્ષણિક)ની રજા એચઓડીની સહી સાથેનો રેકોર્ડ મહેકમ વિભાગમાં જાય છે. મહેકમ વિભાગમાં પૂરી વિગત ઉપલબ્ધ હોય છે. કદાચ કોઈ રજા રીપોર્ટ કોઈનો પણ બાકી હોય તો એચઓડી દ્વારા જ માંગી લેવામાં આવેલ છે. એચઓડીની સહી સાથે મારા કિસ્સામાં રેકોર્ડ ઉપલબ્ધ છે.

કમલેશ જોષીપુરાએ વધુમાં જણાવ્યુ છે કે બાયોમેટ્રીક હાજરીમાં માત્ર અને માત્ર હાજર કે ગેરહાજર જ દર્શાવાય છે. જાહેર રજાઓ કે લીધેલી રજાઓ દર્શાવાતી નથી જે વાસ્તવિકતા છે. નિયમપાલન અને પ્રમાણિકતાની ખૂબ મોટી મૂડી છે. મળવાપાત્ર રજા એ પ્રત્યેક પ્રાધ્યાપકનો અધિકાર છે.

(3:31 pm IST)