Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ઉદયભાઇ આગે બઢો હમ આપ કે સાથ હૈ...

કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારનો ખુદ સ્ટેન્ડીંગ ચેરમેને સ્વીકાર કર્યો ત્યારે કોંગી આગેવાનો પુરાવા આપવા તૈયાર

અમૃતમ યોજનાનો કડદો પા શેરામાં પહેલી પૂણી છે. હજુ કન્ઝરવન્સી, રોડ રસ્તા, ટાઉન પ્લાનીંગ વિભાગમાં તપાસ જરૂરીઃ પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, પ્રદિપ ત્રિવેદીની સ્ટે. ચેરમેનને અપીલ

રાજકોટ તા. રરઃ મ્યુ. કોર્પોરેશનનાં અમૃત યોજના હેઠળનાં ડ્રેનેજ કામમાં ૬૩ લાખનો કડદો થયાનું બહાર આવ્યા બાદ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડે આ અંગે તપાસની કાર્યવાહી શરૂ કરવા મ્યુ. કમિશનરને જાણ કરી છે ત્યારે આ બાબતને કોંગી આગેવાનોએ બિરદાવી અને હજુ પણ કોર્પોરેશનનાં અનેક વિભાગોમાં ભ્રષ્ટાચારની બદી હોય તેની તપાસ કરાવવા અપીલ કરી આ અંગેનાં પુરાવા આપવા તૈયારી બતાવી છે.

કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા, મહેશ રાજપુત, પ્રદીપ ત્રિવેદીએ આજે સંયુકત નિવેદનમાં જણાવ્યું છે કે ભૂગર્ભ પાઇપ લાઇનમાં મ્યુ. કોર્પોરેશનના અધીકારીઓ દ્વારા થતા ભ્રષ્ટાચાર બાબત સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન દ્વારા તપાસના આદેશ અપાયા છે. અમોએ ''પ્રેસ-કોન્ફરન્સ'' કરી આ બાબતની અગાઉ વિગતો જાહેરમાં આપી છે તેનો રદીયો આપનાર અધીકારીઓએ ''થુકયું ચાટવા'' વારો આવ્યો છે.

કોંગ્રેસ આગેવાનોએ આજે એક નિવેદન દ્વારા શ્રી ઉદયભાઇને ફરી અપીલ કરતાં જણાવ્યું છે કે, કોર્પોરેશન ભ્રષ્ટાચારથી બદબદે છે. ઉદયભાઇ અમૃતમ યોજનાનું પ્રકરણ પા-શેરાની પહેલી પૂણી છે. હજુ કન્ઝરવન્સી વિભાગ, રોડ રસ્તા વિભાગ, જગ્યા રોકાણ વિભાગ, ટાઉન પ્લાનીંગ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદે છે.

ઉદયભાઇ જો ખરેખર ભ્રષ્ટાચાર નાબુદ કરવા માંગતા હોય તો અમો પૂરાવા આપવા તૈયાર છીએ. કલમ ર૬૦ નીચે કેટલી નોટીસ અપાઇ? નોટીસ હવે ''પત્ર'' કેમ બની ગઇ? કલમ ર૬ર ની કેટલી નોટીસ માંડવાળ થઇ? અને શું કામ થઇ? આવાસ યોજનામાં કેટલો ભ્રષ્ટાચાર છે? આ દરેક બાબત તપાસવા અમારી માંગણી છે.

ડો. વસાવડા, રાજપુત, ત્રીવેદીએ જણાવ્યું છે કે ઉદયભાઇ કાનગડ આ બાબતો ગંભીરતાથી લે અને માત્ર દેખાવ પૂરતા એકાદ બે કિસ્સા પર તપાસ મૂકી વાત પૂરી ન કરે.'' તે જરૂરી છે.

(3:29 pm IST)