Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

આ વખતની મેરેથોનમાં ભારતીય હશે તે જ ઈનામને પાત્ર : રોટરી મીડટાઉન

૧૫મી ડિસેમ્બરે સાયકલોફોનનું પણ આયોજન :ભારતીય દોડવીરો માટે ૧૦ લાખના ઈનામોઃ જેમાં પુરુષો અને સ્ત્રીઓની અલગ અલગ ઉમરની કેટેગરી મુજબ ૭૮ ઇનામો આ વખતે વિદેશના એક પણ ખેલાડીને રોકડ ઈનામથી નહી અપાયઃ અત્યાર સુધી વિદેશી ખેલાડીઓ જ બાજી મારી જતાં હોય તે સિલસિલાનો અંત લવાશેઃ રજિસ્ટ્રેશન ચાલુ

રાજકોટ : રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષે આયોજિત થતી મેરેથોનનું આયોજન આ વર્ષે રોટરી કલબ ઓફ મીડટાઉન દ્વારા ૨૯ ડિસેમ્બરે સવન રાજકોટ મેરેથોનના નામથી કરવામાં આવ્યું છે. આ આયોજનની ખાસ વાત એ છે કે મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરોમાં જે દોડવીર ભારતીય હશે તે જ ઈનામને પાત્ર ગણાશે.આ વખતની મેરેથોનમાં દોડવીરો માટે ૧૦ લાખ રૂપિયાના ઈનામ રાખવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ કેટેગરી રાખવામાં આવી છે દરેક કેટેગરીમાં પુરૂષો અને સ્ત્રીઓને અલગ અલગ ઉમર ની કેટેગરીમાં (જેમાં ૧૪ વર્ષ થી લઇ ને સિનિયર સિટીઝનો) માટે ૭૮ પ્રથમ દ્વિતીય અને તૃતિય ઇનામો આપવામાં આવશે આ વખતે રાજકોટીયનોને પણ ઇનામો આપવામાં આવશે. દર વર્ષે આયોજિત થતી મેરેથોનમાં વિદેશી ખેલાડીઓ બાજી મારી જતાં હોય ભારતીયો માટે નિરાશા વ્યાપી જવા પામતી હતી જે સિલસિલાને રોટરી કલબે ખતમ કરી આવકારદાયક નિર્ણય લીધો છે. આ મેરેથોનમાં જે વિદેશી ખેલાડી ભાગ લેશે તેમને ભાગ લેવા દેવામાં આવશે પરંતુ ઈનામ એનાયત કરવામાં નહી આવે.

સવન ઉપરાંત રોલેકસ અને કેઆઈએ શિવમના સહયોગથી રોટરી કલબ ઓફ મીડટાઉન-રાજકોટ દ્વારા યાદગાર આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેરેથોનમાં રાજકોટના તેમજ ભારતના જ સ્ટાર દોડવીરો પ્રોત્સાહિત થાય તેવો નિર્ણય લેવાયો છે. આયોજકો દ્વારા અન્ય દેશોમાંથી આવતાં દોડવીરો માટે કોઈ જ ઈનામો રાખ્યા નથી. મેરેથોનમાં વિવિધ કેટેગરી હેઠળ ૧૦ લાખ રૂપિયાના ઈનામો રાખવામાં આવ્યા છે.

રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનનો મુખ્ય હેતુ લોકોમાં દોડ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આયોજકોએ દેશના તમામ દોડવીરોને રાજકોટમાં યોજાનારી આ મેરેથોનમાં ભાગ લેવા આમંત્રીત કર્યા છે. રજિસ્ટ્રેશન કરાવનાર દરેક સ્પર્ધક માટે ૫ કિલોમીટરની દોડના રૂ.૨૦૦, ૧૦ કિ.મી.ના રૂ.૪૯૦ અને હાફ મેરેથોનની રૂ.૮૦૦ ફી રાખવામાં આવી છે. મેરેથોનમાં રજિસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તા. ૭ ડિસેમ્બર રાખવામાં આવી છે.

મેરેથોન ઉપરાંત રોટરી કલબ દ્વારા ૧૫ ડિસેમ્બરે સાઈકલોફનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૫ કિ.મી. ના રૂ. ૨૫૦ અને ૫૦ કિ.મી.ના રૂ. ૪૦૦ રાખવામાં આવેલ છે રજિસ્ટ્રેશનની અંતિમ તા. ૩૦ નવેમ્બર રાખવામાં આવી છે.

બન્ને આયોજન માટે મહાનગરપાલિકા, જિલ્લા કલેકટર, શહેર પોલીસ, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશન, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીનો સહયોગ મળી રહ્યો છે.

આયોજનને સફળ બનાવવા માટે પ્રોજેકટ ચેરમેન દિવ્યેશ અદ્યેરા, કલબ પ્રેસિડેન્ટ જિજ્ઞેશ અમૃતિયા,ઙ્ગ કો-ચેરમેન દીપક મહેતા, સેક્રેટરી વિશાલ અંબાસણાઙ્ગ સાયકલોફન ને સફળ બનાવવા પ્રતીક સોનેજી, ભાવિન ડેદકીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

રાજકોટ માટે પણ અલગ ઈનામ

રાજકોટના આંગણે યાદગાર મેરેથોન યોજાઈ રહી ત્યારે રાજકોટવાસીઓને રાજી કરવામાં ન આવે તેવું બની શકે ? આ વાતને ધ્યાનમાં રાખી રોટરી કલબ દ્વારા રાજકોટના દોડવીરો માટે પણ અલગથી ઈનામ રાખવામાં આવ્યા છે. મેલ અને ફિમેલ કેટેગરીમાં ૧૮થી ૩૫, ૩૫થી ૪૫, ૪૫થી ૬૦ અને ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનમાં પ્રથમ ત્રણ ક્રમે આવનારા દોડવીરોને ઈનામ આપવામાં આવશે.

(11:43 am IST)