Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સુકો - ભીનો કચરો અલગ રાખી તંત્રની તિજોરી છલકાવો : બંછાનીધિ પાની

કચરાનું વર્ગીકરણ કરવાથી મ્યુ. કોર્પોરેશનને કરોડોની આવક થશે : સુકા કચરાના ભંગારમાંથી નાણા ઉપજશે : અધિકારીઓ - પદાધિકારીઓએ ગાર્બેજ કલેકશન સેન્ટરની મુલાકાત લઇ કચરાના વર્ગીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા અપીલ કરી : રૈયાધાર ખાતે ગાર્બેજ કલેકશન પ્લાન્ટની મુલાકાતે પદાધિકારીઓ - અધિકારીઓ

મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરની સ્વચ્છતા માટે અનેકવિધ પગલાઓ લઇ રહેલ છે.સ્વચ્છતાની સાથો સાથ ડોર ટુ ડોર થતા કચરો બે ભાગમાં મળે તે માટે એટલે કે, સુકો અને ભીનો કચરો મેળવવાની કાર્યવાહી ગતિમાં છે. શહેરમાંથી એકઠો થતા કચરો જુદા જુદા ગાર્બેજ કલેકશન ખાતે એકઠો કરવામાં આવે છે. રૈયાધાર ખાતે સુકા કચરા માટેના ગાર્બેજ કલેકશન તથા ફૂડ વેસ્ટમાંથી પાંચ ટન સુધીનો ખાતર બનાવવા પ્લાન્ટની મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ડ્રેનેજ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, પર્યાવરણ અધિકારી તુવર, જીંજાળા, વિગેરે ઉપસ્થિત રહેલ. શહેરના ફૂડ વેસ્ટમાંથી એજન્સી દ્વારા ખાતર બનાવવામાં આવે છે. તે અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.

રાજકોટ તા. ૨૨ : મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા જાગૃત કરવા માટે હાલ સમગ્ર શહેરમાં જબરદસ્ત જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. જેમાં શહેરના તમામ વોર્ડમાં મહાનગરપાલિકા દ્વારા ૧૧૦૦ થી વધુ કર્મચારીઓને ફિલ્ડમાં ઉતારવામાં આવ્યા છે અને તેઓ ઘેર ઘેર જઈને લોકોને સમજાવી રહ્યા છે. મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ સુકો અને ભીનો કચરો જુદો જુદો રાખવાથી રાજકોટ શહેરને અને મહાનગરપાલિકાને થઇ રહેલા ફાયદાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. દરમ્યાન આજરોજ મ્યુનિ. કમિશનરશ્રીએ શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઇ ટીપર વાન દ્વારા થઇ રહેલી કચરા એકત્રીકરણની કામગીરી નિહાળી હતી. તેમજ ટીપર વાનમાં કચરો ઠાલવવા આવતા લોકોને પણ સુકો અને ભીનો કચરો અલગ અલગ જ આપવા સમજાવ્યા હતા.

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, અગાઉ જાણકારીના અભાવે લોકો પોતપોતાના ઘરમાં એક જ કચરા ટોપલીમાં સુકો અને ભીનો કચરો રાખતા હતાં, જેના પરિણામે પ્રદૂષણ અને ચેપ જેવી સમસ્યા થતી હતી. ઉપરાંત કચરાના નિકાલની જવાબદારી સંભાળતી મહાનગરપાલિકાને આ કચરાના નિકાલ માટે ખુબ મોટી કવાયત કરવી પડતી હતી. જે તે વિસ્તારમાંથી એકત્ર થતા કચરાનો યોગ્ય સ્થળે નિકાલ કરવા માટે એક મોટું ઓપરેશન હાથ ધરવાની તંત્રને ફરજ પડતી હતી. જોકે સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવો એ માત્ર નાગરિકોને જ નહી પરંતુ રાજકોટ મહાનગરપાલિકા અને સમગ્ર શહેરના હિતમાં છે.

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં કહ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી એકઠો કરવામાં આવતા કચરાના નિકાલની પ્રક્રિયામાં કરોડો રૂપિયાની માતબર રકમ ખર્ચવામાં આવે છે. જો નાગરિકો સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખે તો તેનો નિકાલ કરવામાં મહાનગરપાલિકાને આશરે ૩૦ ટકા જેવી રકમની બચત થઇ શકે છે. આ રકમમાંથી શહેરમાં આવશ્યક એવા અન્ય વિવિધ વિકાસ કાર્યો હાથ ધરી શકાય અને લોકોને વધુ ને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય.

મ્યુનિ. કમિશનરશ્રી વધુમાં કહે છે કે, અગાઉ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી એકત્ર કરવામાં આવતા તમામ કચરાનો નિકાલ છેક નાકરાવાડી ખાતેની સાઈટમાં કરવામાં આવી રહયો હતો, પરંતુ જયારથી સુકો અને ભીનો કચરો અલગ અલગ થવા માંડ્યો છે ત્યારથી ઘણો કચરો શહેરના ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનનાં એમ.આર.એફ. સેન્ટર અને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતેથી જ થવા લાગ્યો છે. જેના પરિણામ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકાને થતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ બચત થવા લાગી છે.

કમિશનરશ્રી એમ પણ કહ્યું હતું કે, રાજકોટ શહેરને સાફસુથરૂ અને સુંદર રાખવા મહાનગરપાલિકા અને નાગરિકો સંયુકતપણે જવાબદારી નિભાવે તે હવેના સમયની પ્રબળ માંગ છે. એક હાથે તાળી નથી પડતી એમ સ્વચ્છતાની બાબતમાં સૌ કોઈએ પણ જાગૃત રહેવાની આવશ્યકતા છે. લોકો તંત્રને સહયોગ પ્રદાન કરે તેવી અપીલ મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવી છે.

(4:18 pm IST)