Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

કુવાડવા રોડ પર કોર્પોરેશનની આવાસ યોજનામાં પ્રદુષિત લાલ પાણીથી લાભાર્થીઓ ત્રસ્તઃ ફલેટ છોડી ભાડે રહેવા લાગ્યા

કેમીકલવાળા લાલ પાણીથી લોકોને ચામડીનાં રોગ થવા લાગ્યાઃ શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવા મ્યુ. કમિશ્નરને રહેવાસીઓ દ્વારા રજૂઆતઃ કોર્પોરેશનની ભકત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપની સમસ્યાઓ ઉકેલવા કોંગી કોર્પોરેટર રેખાબેન ઠાકરશીભાઈ ગજેરાની ઉગ્રમાંગ

રાજકોટ, તા. ૨૨ :. શહેરના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ આવેલ કોર્પોરેશનની ભકત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપ (આવાસ યોજના)માં હજુ સુધી લોકોને પીવાના પાણી માટે નળ કનેકશન નથી અપાયા. હાલમાં આવાસ યોજનાના બોર ઉપર લોકો નભી રહ્યા છે પરંતુ આ બોરમાં આસપાસના કારખાનાનું કેમીકલવાળુ લાલ પાણી ભળી જતા આ પ્રદુષિત પાણીથી લોકોને ચામડીના રોગ થવા લાગતા ત્રાહીમામ પોકારી ઉઠેલા લાભાર્થીઓએ તેઓને મળેલા ફલેટ છોડી અન્ય સ્થળે ભાડાના મકાનમાં રહેવાની જવાની ફરજ પડી છે. આથી આ સમસ્યા ઉકેલવા વોર્ડ નં. ૪ ના કોંગ્રેસના કોર્પોરેટર રેખાબેન ગજેરાએ લતાવાસીઓને સાથે રાખી મ્યુ. કમિશ્નરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

આ આવેદનપત્રમાં રહેવાસીઓએ રજૂઆત કરી છે કે, ભકત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપ કે જે ૩ મહિના પહેલા મુખ્યમંત્રીશ્રી દ્વારા ભવ્ય લોકાર્પણ થયેલ. જેમાં અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પીવાના પાણી જેવી જીવન જરૂરીયાતનો પણ યોગ્ય ઉકેલ થયેલ નથી. નળ કનેકશન આપવા માટેની બાંહેધરી આપવા છતા આજદિન સુધી નળ કનેકશન અમોને મળેલ નથી.

ઉપરોકત ટાઉનશીપમાં ૬૫ પરિવારો વસવાટ કરે છે. જેને પીવાનું પાણી મળતુ ન હોવાથી દશેક પરિવારો અહીંથી પુનઃ ભાડાના મકાનમાં જતા રહેલ છે. બોર દ્વારા વિતરણ થતું પાણી કેમિકલયુકત લાલ કલરવાળુ છે, જે પીવાલાયક નથી. આ પાણીના ઉપયોગથી ચામડીના તથા અન્ય રોગ થવાની સમસ્યા છે.

ટાઉનશીપમાં ઈલેકટ્રીસીટી પાવર વોલ્ટેજ પુરો ના મળવાને કારણે અવારનવાર લીફટ તથા ઈલેકટ્રીક ઉપકરણો બંધ થઈ જાય છે.

ભૂગર્ભ ગટર ભરાય જવાને કારણે વારંવાર કુંડીઓ ઉભરાય છે. જેને લીધે ગંદકી ફેલાય અને રોગચાળો ફેલાવાનો ભય છે.

હાલ બોર દ્વારા થતા પાણીનું વિતરણ બંધ છે, જેને લીધે વાપરવાનું પાણી મળતુ નથી.

આ ઉપરાંત ફાયરસેફટીના ટેંકમાં લીકેજની સમસ્યા છે. જેને લીધે છતમાંથી પાણી ટપકવાની તકલીફ છે જેના કારણે મોટી દુર્ઘટના સર્જાય અને જાનહાની થવાની સંભાવના છે.

ટાઉનશીપના પ્લાનમાં સિકયુરીટીની ઓફિસનો ઉલ્લેખ છે, છતાં પણ ટાઉનશીપમાં કયાંય એવી વ્યવસ્થા નથી.

અધિકારી શ્રી ઉપરોકત તમામ સમસ્યાઓને ધ્યાને લઈને તેનુ યોગ્ય નિરાકરણ વહેલી તકે કરાવી આપવા માંગ ઉઠાવાઈ છે.

(4:17 pm IST)