Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

કોઠારીયા રોડ હુડકો બસ સ્ટોપ પાસે ગઢવી શખ્સોની ગૂંડાગીરીઃ દૂકાનો બંધ કરાવીઃ પટેલ વેપારી ભૂપતભાઇ પર હીચકારો હુમલો

ત્રણેક દિવસથી નશો કરી ખેલ કરતાં શખ્સો વિરૂધ્ધ અગાઉ પણ રજૂઆત કરાઇ હતીઃ વેપારીઓ, લત્તાવાસીઓ રાત્રે રજૂઆત કરવા પોલીસ કમિશ્નરના બંગલે પહોંચ્યાઃ ભયલુ ગઢવી, કાળુ ગઢવી, સૂરજ ગઢવી અને અજાણ્યા શખ્સને શોધતી ભકિતનગર પોલીસ : હુમલાખોર પૈકીનો એક અગાઉ વાહન સળગાવવામાં સંડોવાયો'તો

હીચકારા હુમલામાં ઘાયલ થયેલા પટેલ વેપારી ભુપતભાઇ વાગડીયા લોહીલુહાણ જોઇ શકાય છે. ઘટના બાદ વેપારીઓ, લત્તાવાસીઓ મોટી સંખ્યામાં પોલીસ કમિશ્નરના બંગલે દોડી ગયા હતાં. જ્યાં ડીસીપી રવિકુમાર સૈની સમક્ષ રજૂઆત કરી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૨: કોઠારીયા રોડ પર હુડકો બસ સ્ટોપ પાસે રાત્રીના ચારેક શખ્સોએ નશો કરેલી હાલતમાં હોય એ રીતે દૂકાન પાસે ગાળાગાળી કરી વેપારીઓ પર કારણ વગર રોફ જમાવી દૂકાનો બંધ કરો...તેવા બૂમ બરાડા પાડી એક પટેલ વેપારીને 'સામુ કેમ જોવે છે?' કહી ગાળો દઇ લોખંડના પાઇપ, ધોકા, ફટકારી તેમજ મેડિકલ સ્ટોરના બોર્ડથી અને ટિફીનથી પણ માર મારી લોહીલુહાણ કરી નાંખતા હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. જેના પર હુમલો થયો તે વેપારી સહિતના બીજા વેપારીઓ અને વિસ્તારમાં હુમલાખોરો ત્રણ દિવસથી ખેલ કરતાં હોવાની ફરિયાદ સાથે રાત્રીના વેપારીઓ અને લત્તાવાસીઓ રજૂઆત કરવા પોલીસ કમિશ્નરના બંગલે પહોંચી ગયા હતાં. જો કે ડીસીપી રવિકુમાર સૈનીએ તેઓની રજૂઆત સાંભળી હતી. ભકિતનગર પોલીસે ગુનો દાખલ કરી ગૂંડાગીરી આચરી ભાગી ગયેલા શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે.

જાણવા મળ્યા મુજબ અટીકા લાલ પાર્ક-૨માં રહેતાં અને કોઠારીયા રોડ હુડકો બસ સ્ટોપ પાસે પી. પટેલ સેલ્સ એજન્સી નામે પાન-બીડીનો હોલસેલ ધંધો કરતાં ભુપતભાઇ ગોબરભાઇ વાગડીયા (ઉ.૪૮) નામના પટેલ વેપારી પર સાંજે આઠેક વાગ્યે તેઓ તેમની દૂકાને હતાં ત્યારે ભયલુ ગઢવી, કાળુ ગઢવી, સૂરજ ગઢવી અને એક અજાણ્યા શખ્સે લોખંડના પાઇપ, ધોકા અને મેડિકલ સ્ટોરના બોર્ડ તથા ટિફીનથી હુમલો કરી માથામાં તથા શરીરે ગંભીર ઇજા કરતાં તેઓ લોહીલુહાણ થઇ જતાં સિવિલમાં અને ત્યાંથી ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પોલીસે ભુપતભાઇની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે આઇપીસી ૩૨૬, ૫૦૬ (૨), ૫૦૪, ૩૨૩, ૧૧૪, જીપીએકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. ભુપતભાઇના કહેવા મુજબ પોતે સાંજે દૂકાનમાં બેઠા હતાં ત્યારે ભયલુ ગઢવી, કાળુ ગઢવી, સૂરજ ગઢવી અને એક અજાણ્યો શખ્સ દૂકાન પાસે રોડ પર ઉભા રહી ગાળો બોલતાં હોઇ ભુપતભાઇ તેની સામે જોતાં ભયલુ અને કાળુ તેની દૂકાને ગયા હતાં અને 'સામુ કેમ જોયું? હાલ દૂકાન બંધ કર' કહી હાકલા-પડકારા કરી ગૂંડાગીરી શરૂ કરી હતી. ભુપતભાઇએ દૂકાન બંધ કરવાની ના પાડતાં આ બંને તથા બીજા બે શખ્સોએ મળી ગાળો દઇ મારી નાંખવાની ધમકી દઇ હીચકારો હુમલો કરી દીધો હતો. 

બનાવને પગલે બીજા વેપારીઓ, આસપાસના રહેવાસીઓ અને બીજા લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. વેપારીઓએ રોષ સાથે જણાવ્યું હતું કે ત્રણેક દિવસથી આ શખ્સો દારૂ તથા બીજા માદક પદાર્થનો નશો કરી ગમે તે વેપારીને કારણવગર ગાળો ભાંડે છે અને હેરાન કરે છે. કોઇ કંઇ કહે તો હુમલો કરી દે છે. બે દિવસ પહેલા પણ માથાકુટ કરતાં પોલીસ બોલાવાઇ હતી પણ ત્યારે આ બધા ભાગી ગયા હતાં. બુધવારે સાંજે ફરીથી ખેલ આદર્યા હતાં અને આ વખતે નિર્દોષ વેપારી પર હીચકારો હુમલો કર્યો હતો.

આ રોષને સો જેટલા વેપારીઓ, લત્તાવાસીઓ રાત્રે પોલીસ કમિશ્નરના બંગલે રજૂઆત કરવા દોડી ગયા હતાં. પરંતુ તેમની રજૂઆત ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈનીએ સાંભળી હતી અને તાકીદે કડક કાર્યવાહી થશે તેમ જણાવી ભકિતનગર પોલીસને સુચના આપી હતી. પી.આઇ. વી. કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, પી.એસ.આઇ. ડી. એન. વાંઝા અને ડી. સ્ટાફની ટીમે આરોપીનોએ ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. હુમલાખોરો પૈકીનો એક શખ્સ અગાઉ વાહનો સળગાવવામાં પણ સંડોવાઇ ચુકયાનું વેપારીઓમાં ચર્ચાતું હતું.

(3:00 pm IST)