Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

શનિવારે અડધા રાજકોટમાં પાણી વિતરણ બંધ

આજી ફિલ્ટર પ્લાન્ટ ખાતે નર્મદા પાઈપ લાઈનમાં પાણીનો જથ્થો માપવાના ફલોમીટર મુકવા માટે તથા વાલ્વ બદલવા માટે વિતરણ બંધ રાખવાની જાહેરાતઃ વોર્ડ નં. ૮ (અડધો), ૧૧ (અડધો), ૧૨ (આખો), ૧૩ (અડધો), ૧૮ (આખો), ૧૭ (અડધો), ૧૬ (અડધો), ૬ (અડધો), ૧૫ (અડધો), ૪ (અડધો) અને ૫ (અડધો) વગેરેમાં ૨૪મીએ પાણી વિતરણ નહીં થાય

રાજકોટ, તા. ૨૨ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા આગામી શનિવારે અડધા રાજકોટમાં ઓચિંતો પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. પાણી માપવાનું ફલોમીટર લગાવવા તેમજ વાલ્વ બદલવાના કામ માટે આ પાણીકાપ આપવામાં આવ્યાની સત્તાવાર જાહેરાત વોટર વર્કસ વિભાગે કરી છે. શહેરના કોઠારીયા રોડ, દુધની ડેરી, કોઠારીયા ગામ, નારાયણનગર, મવડી, ગ્રીનલેન્ડ ચોકડી વગેરે વિસ્તારોમાં આવેલ કુલ ૧૧ વોર્ડમાં આ પાણીકાપ અપાયાનું જાહેર થયુ છે.

આ અંગે વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીની યાદીમાં જણાવાયા મુજબ આગામી તા. ૨૪ નવેમ્બરને શનિવારે સ્કાડા અંતર્ગત હડાળાથી આજી ફિલ્ટર પ્લાન્ટ સુધી આવતી નર્મદા યોજનાની પાઈપ લાઈનમાં આજી પમ્પીંગ સ્ટેશન ખાતે ૧૨૦૦ એમ.એમ. વ્યાસના ફલોમીટર મુકવાનું તથા આ કલેકશન ઉપર બટરફલાય વાલ્વ બદલવા માટે અને આજી પમ્પીંગ પર ૧૦૦ એમ.એમ. વ્યાસની પાઈપ લાઈન પર ફલોમીટર ફીટ કરવા સહિતની ટેકનીકલ કામગીરી કરવા માટે ૨૪ કલાક માટે પાણી વિતરણ બંધ રાખવાની ફરજ પડી છે.

જે વિસ્તારમાં શનિવારે પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે તેમા મવડી પમ્પીંગ સ્ટેશન હેઠળના વોર્ડ નં. ૮ (અડધો), ૧૧ (અડધો), ૧૨ (આખો), ૧૩ (અડધો) વગેરેમાં પાણી નહીં મળે. તેવી જ રીતે વિનોદનગર પમ્પીંગ સ્ટેશન હેઠળના વોર્ડ નં. ૧૮ (આખો) અને ૧૭ (અડધો)માં પાણી નહી મળે તથા કોઠારીયા પમ્પીંગ સ્ટેશનના વોર્ડ નં. ૧૬ (અડધો)માં પાણી વિતરણ બંધ રહેશે. જ્યારે દૂધની ડેરી પાણીના ટાંકા હેઠળના વોર્ડ નં. ૬(અડધો) અને ૧૫(અડધો)માં પાણી નહી મળે તથા ગ્રીન લેન્ડ ચોકડી પમ્પીંગ સ્ટેશનના વોર્ડ નં. ૪ (અડધો), ૫ (અડધો)માં પાણી વિતરણ બંધ રહેશે. તેવી જ રીતે સ્વાતિ પાણીનો ટાંકો, કોઠારીયા ગામ પાણીનો ટાંકો અને નારાયણનગર પાણીના ટાંકા વિસ્તારમાં પણ પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.

(2:53 pm IST)