Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

'સપ્ત સંગીતિ ૨૦૨૧' : વર્ચ્યુઅલ મ્યુઝિક કોન્સર્ટમા રવિવારે બનારસ ઘરાનાના રજત પ્રસન્નાનું બાંસુરીવાદન

આ પ્રિમિયર શો માં તેમની સાથે તબલા સંગત કરશે મુંબઇના યુવા કલાકાર તેજોવૃષ જોશી

રાજકોટ તા. ૨૨ : સપ્ત સંગીતિ ૨૦૨૧ વર્ચ્યુઅલ મ્યુઝિક કોન્સર્ટમાં દિલ્હીના યુવા કલાકાર અને બનારસ ઘરાનાના રજત પ્રસન્નાનું મનમોહક બાંસુરીવાદન માણવા મળશે.

તા. ૨૪ ના રવિવારે રાત્રે ૯ કલાકે સોશીયલ મીડિયાના માધ્યમથી પ્રસ્તુત થનાર આ પ્રિમિયર શોમાં રજત પ્રસન્ના સાથે તબલા સંગત કરશે મુંબઈના યુવા કલાકાર તેજોવૃષ જોષી.

સાત સુરોમાં વણાયેલા, સાત મહિના ચાલનાર ગાયન અને વાદનના કાર્યક્રમ 'સપ્ત સંગીતિ ૨૦૨૧ વર્ચ્યુઅલ મ્યુઝિક કોન્સર્ટ'નાં માધ્યમથી હિદુસ્તાની શાસ્ત્રીય સંગીતને સમર્પિત યુવા કલા સાધકોને મંચ પુરૂ પાડવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ કોન્સર્ટના આગામી કાર્યક્રમમાં તા. ૨૪ ના રવિવારના રાત્રે ૯ કલાકે સપ્ત સંગીતિના ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અને યુ-ટયુબ ચેનલના માધ્યમથી, દિલ્હીના યુવા કલાકાર અને બનારસ ઘરાનાના રજત પ્રસન્નાના બાસુંરીવાદનનો પ્રિમિયર શો પ્રસારીત થશે.

શ્રી રજત પ્રસન્નાનો ઉછેર બનારસ ઘરાનાના પરંપરાગત સંગીતને વરેલા દિલ્હીના સંગીતકારોના પરિવારમાં થયો છે. શ્રી રજતજીએ તેમના દાદા પં. રધુનાથ પ્રસન્ના અને પિતા શ્રી રવિશંકર પ્રસન્નાની છત્રછાયામાં ફકત છ વર્ષની ઉંમરમાં બાસુરીવાદનની તાલીમનો પ્રારંભ કર્યો હતો અને ૧૧ વર્ષની ઉંમરમાં પ્રથમ મંચ પ્રદર્શન કર્યુ હતું. તેઓ યુવા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે નિર્ધારીત સી.સી.આર.ટી.ની સ્કોલરશીપ ધરાવે છે અને દુરદર્શન તથા ઓલ ઈન્ડિયા રેડીયોના 'એ' ગ્રેડના કલાકાર છે. તેમના બાસુંરીવાદનમાં સુરોનું લાવણ્ય, અભિવ્યકિતની શુધ્ધ્તા, પરંપરાગત સંગીત અને નવીનતાનું મિશ્રણ અને સુરોનું ઉંડાણ જોવા મળે છે.

તેમણે જાણીતા આલ્બમ 'ધરોહર-' ઉપરાંત ઘણા મ્યુઝીક આલ્બમમાં પોતાના વેણુવાદનથી લોકચાહના મેળવી છે. તેમણે દેશ- વિદેશમાં અનેક સ્થળોએ પોતાની કલાનો પરિચય આપ્યો છે, જેમાં દિલ્હી, ભોપાલ, જલંધર, મુંબઈ, મૈસોર અને બેંગલોર તથા વિદેશની ધરતી ઉપર યુ.એસ.એ, સ્પેન, પોર્ટુગલ,બ્રાઝીલ, ઇજીપ્ત, ફ્રાંસ, સાઉથ આફ્રિકા, પોલેન્ડ, સ્વિટ્ઝલેન્ડ જેવા સ્થળો ઉપર વેણુવાદનથી ભારતિય શાસ્ત્રીય સંગીતની ગરીમાનો પરિચય આપ્યો છે. તેમણે દેશના અનેક નામાંકિત કોન્સર્ટસમાં ભાગ લઈ ઘણી પ્રસંશા મેળવી છે. તેમણે સ્પેનિશ બાંસુરીવાદક જુલિયન અલવિરા સાથે પણ એક પ્રોજેકટમાં કામ કર્યું છે.

આ કાર્યક્રમમાં તેમની સાથે સંગત કરનાર મુંબઈના યુવા કલાકાર તેજોવૃષ જોષી પણ સંગીત સાથે સંકળાયેલા પરિવારમાંથી જ આવે છે. તેમના સંગીતકાર પિતા શ્રી સુનિલ જોષી અને માતા શ્રીમતી શાલમલી જોષી કે જેઓ જયપુર અત્રોલી ઘરાનાના જાણીતા કલાકાર છે. તેઓ છેલ્લા ૧૩ વર્ષથી તબલા વાદનમાં સારી પ્રતિભા ધરાવે છે. તેમણે તબલાવાદનની તાલીમ ફરુખાબાદ ઘરાનાના ઉસ્તાદ અહમદજાન તિરખવા ખાન સાહેબના પુરોગામી સ્વ. પં. બાપુસાહેબ પટવર્ધન પાસેથી મેળવી છે.

આગામી રવિવારે તા. ૨૪ ના રાત્રે ૯ કલાકે શ્રી રજત પ્રસન્નાનું મધુર બાંસુરીવાદન સપ્ત સંગીતિના સોશીયલ મીડિયાના માધ્યમથી ઘરે બેઠા માણી શકાશે. આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(4:02 pm IST)