Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

મનપાની જુ.કલાર્કની પરીક્ષામાં ભલામણોનો ધોધ : ઉમેદવારોના કચેરીમાં આંટાફેરા

પદાધિકારીઓ, કોર્પોરેટરો, રાજકીય આગેવાનો, અધિકારીઓ - કર્મચારીઓને લોકોનો એક જ પ્રશ્ન પરીક્ષામાં કાંઇ થાશે ? : તંત્રવાહકોનો એક જ જવાબ 'મેરીટ'ના આધારે જ પસંદગી થશે

રાજકોટ તા. ૨૨ : મનપા દ્વારા જુ.કલાર્કની પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ કેટલાક ઉમેદવારોના આંટાફેરા તંત્રની કચેરીઓમાં શરૂ થયા છે. પદાધિકારીઓ - કર્મચારીઓને ભલામણનો ધોધ થઇ રહ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયક કલાર્કની ૧૨૨ જગ્યા ભરવા માટે તા. ૨૪ના રોજ રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, ગાંધીનગર, જામનગર અને જુનાગઢ સહિતના ૬ શહેરોમાં ૮૨ પરીક્ષા કેન્દ્રો, ૧૬૨૪ રૂમમાં લેખિત પરીક્ષા યોજાનાર છે.

મહાનગરપાલિકા દ્વારા જુનિયર કલાર્ક સંવર્ગની કુલ ૧૨૨ જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવ્યા બાદ સમગ્ર રાજ્યમાંથી હજારોની સંખ્યામાં આવેદનપત્રો પ્રાપ્ત થયા હતા. જે પૈકી ૪૫,૩૯૭ ઉમેદવારોની અરજી માન્ય રહેતા તેઓ માટે રાજ્યના કુલ ૬ શહેરો માટે પરીક્ષા કેન્દ્રો ગોઠવવાનું આયોજન કરવામાં આવેલ છે.

મનપામાં જુનિયર કલાર્કની ૧૨૨ જગ્યા ભરવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે કોર્પોરેશન કચેરીમાં ઉમેદવારોના આંટાફેરા શરૂ થયા છે. સગા-સંબંધી, અળખીતા લોકો પદાધિકારીઓ, રાજકીય આગેવાનો, કોર્પોરેટર તથા અધિકારીઓ - કર્મચારીઓનો સંપર્ક કરી એક જ પ્રશ્ન કરી રહ્યા છે પરીક્ષામાં કાંઇ થાશે ? ત્યારે તંત્રવાહકો એક જ જવાબ આપી રહ્યા છે. મેરીટના આધારે પસંદગી થશે.

અત્રે નોંધનીય છે કે મનપામાં ૨૦૧૮ બાદ આ મોટી સંખ્યામાં ભરતી થઇ રહી છે. ૨૦૧૮માં ૭૫ જુ.કલાર્કની ખાલી જગ્યા ભરવામાં આવી હતી.

(4:02 pm IST)