Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

નવા ભળેલા માધાપર - ઘંટેશ્વર - નાના મૌવા - મુંજકામાં આવેલા મનપાના ૩૬૦ પ્લોટોમાં ૭૦% ગેરકાયદે દબાણો

રૂડા વખતની ટી.પી. સ્કીમોના અનામત પ્લોટમાં દબાણો છે : ટાઉન પ્લાનીંગ વિભાગના સર્વેમાં બહાર આવી વિગતો

રાજકોટ તા. ૨૨ : મ.ન.પા.ની હદમાં ભેળવાયેલા માધાપર - ઘંટેશ્વર - મુંજકા - મોટા મવા - મનહરપુર સહિતના પાંચ ગામોના ટી.પી. સ્કીમના ૩૬૦ જેટલા પ્લોટ આવેલા છે. જે હવે મ.ન.પા.એ હસ્તગત કર્યા છે પરંતુ આ પ્લોટોમાં ૭૦ ટકા પ્લોટ એવા છે કે જ્યાં વર્ષોથી ગેરકાયદે દબાણો ઉભા છે.

આ અંગે મ.ન.પા.ની ટાઉન પ્લાનીંગ શાખાએ સર્વે શરૂ કરાવ્યો છે. આ સર્વે દરમિયાન ઉપરોકત ગામોમાં રૂડા વખતની ટી.પી. સ્કીમોના અનામત પ્લોટમાં દબાણો ખડકાયેલા હોવાનું ખુલવા પામ્યું છે.

કુલ ૧૨ જેટલી ટી.પી. સ્કીમોના ૩૬૦ જેટલા અનામત પ્લોટ છે જે બગીચો, હાઉસીંગ, આવાસ, સાર્વજનિક હેતુ, કોમર્શિયલ વેચાણ, આવાસ યોજના વગેરે જેવા હેતુના છે.

આ પ્લોટોની વર્તમાન સ્થિતિ અંગે ટાઉન પ્લાનીંગ શાખાએ સર્વે શરૂ કરતા તંત્ર ચોંકી ઉઠયું હતું. કેમકે મોટાભાગના પ્લોટમાં નાના-મોટા દબાણો જોવા મળ્યા છે. ૭૦ ટકા જેટલું દબાણ હોવાનો અંદાજ તંત્ર માંડી રહ્યું છે.

જેમાં કેટલાક દબાણો રૂડા વખતથી વર્ષો જુના હોવાથી હવે આવા દબાણયુકત પ્લોટનું શું કરવું તે બાબતનું આયોજન તંત્રએ વિચારવું પડશે.

(3:13 pm IST)