Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

કુવાડવાના બેડલામાં રીસામણે આવેલી પરિણીતા હર્ષાનો ઝેરી દવા પી આપઘાત

ચોટીલા પંથકમાં રહેતા પતિ - સાસરીયાઓ તેડવા ન આવતા પગલુ ભર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૨ : કુવાડવાના ચાચડીયા ગામે માવતરના ઘરે રિસામણે આવેલી પરિણીતાએ બેડલા ગામ પાસે વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ચાચડીયા ગામે માવતરના ઘરે દસ દિવસથી રિસામણે આવેલી હર્ષા જેસીંગભાઇ જાદવ (ઉ.૨૮) ગઇકાલે બેડલા ગામ પાસે પિતાએ ભાગમાં રાખેલ હકાભાઇ પટેલની વાડીએ હતી ત્યારે કોઇ ઝેરી દવા પી લેતા બેભાન થઇ જતા તેને સારવાર માટે કુવાડવા હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકના હેડ કોન્સ. યોગેન્દ્રભાઇ ચૌહાણ સહિતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.

મૃતક હર્ષા બે ભાઇ અને એક બહેનમાં મોટી હતી તેના એક વર્ષ પહેલા ચોટીલાના લખસુખીયા ગામે રહેતા જેસીંગ જાદવ સાથે લગ્ન થયા હતા. પતિ સાથે મનમેળ ન આવતા તે છેલ્લા દસેક દિવસથી માવતરના ઘરે રિસામણે આવી હતી. સાસરીયાઓ તેને તેડવા ન આવતા હોઇ, તેથી તેણીએ આ પગલુ ભર્યુ હોવાનું પરિણીતાના પરિવારજનોએ જણાવ્યું છે.

(2:57 pm IST)