Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

પતિ-સાસુ માવતરને ફોન કરવા દેતા નહીં અને મારકૂટ કરતા પરિણીતાએ આપઘાત કર્યો'તો

નિવેદીતાનગરમાં પરમદીવસે શીનાબેને ગળાફાંસો ખાઇ લીધો હતો : પતિ જેકી અને સાસુ મીનાબેન સામે ગુનો

રાજકોટ,તા. ૨૨ : રૈયા ટેલીફોન એકસચેન્જ પાછળ નિવેદીતાનગરમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસુ માવતરને ફોન કરવા દેતા નહી અને મારકૂટ કરી ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાનું બહાર આવતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રાજસ્થાનના બારા પ્રતાપચોકમાં રહેતા મીનાબેન પ્રમોદભાઇ નૈનવા (ઉવ.૫૨)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં રૈયા ટેલીફોન એકસચેન્જ પાછળ નિવેદીતાનગરમાં રહેતા જેકી વિજયભાઇ કુકડીયા અને મીનાબેન વિજયભાઇ કુકડીયાના નામ આપ્યા છે. મીનાબેને ફરિફાદમાં જણાવ્યું છે કે, પોતે રાજસ્થાના બારા ગામમાં એમ.એમ.બી. સ્વીટનો વેપાર કરે છે. પોતાના પતિ પ્રમોદભાઇ નૈનવાનું ૨૦૨૦માં કોરોનાની બીમારી સબબ મૃત્યુ થયું હતું. પોતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. મોટી દીકરી પરણીત છે તે હાલ કેનેડા રહે છે અને નાની દીકરી શીનાના ગત તા. ૨૫/૯/૨૦૧૭ના રોજ રાજકોટ રૈયા ટેલીફોન એકસચેન્જ પાછળ નિવોદીતાનગર શેરી નં. ૧માં રહેતા જેકી વિજયભાઇ કુકડીયા સાથે થયા હતા પરમદિવસે પોતે ઘરે હતા તે વખતે પોતાના પુત્ર યશે ઘરે આવીને કહેલ કે 'હું દુકાને હતો ત્યારે જીજાજીનો ફોન આવેલ મારી પત્ની શીનાએ ગળાફાંસો ખાઇ લીધો છે. તમે આવો' તેમ વાત કરતા પોતે જમાઇને મોબાઇલમાં વીડીયો કોલ કરતા પુત્રી શીના જમીન પર પડેલ જોવા મળી હતી. બાદ તાકીદે પોતે સગાસંબંધીને વાત કરતા તમામ રાજકોટ આવ્યા હતા. અને પુત્રી શીનાની અંતિમ વિધિ કર્યા બાદ પોતે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે આવ્યા હતા. મૃતક શીના લગ્ન બાદ નવેક માસ પહેલા પતિ અને પુત્રી સાથે પોતાના ઘરે આટો મારવા આવ્યા હતા ત્યારે શીનાએ પોતાને વાત કરી હતી કે 'હું જ્યારે તમને ફોન કરવાનું કહુ તો મને ફોન પણ કરવા નથી દેતા અને મારકૂટ કરતા હતા અને પતિ જેકી સાસુ મીનાબેનના કહેવાથી મને જેમ તેમ બોલી શારીરીક માનસીક ત્રાસ આપે છે. હું રાજસ્થાન આવવાનું કહુ તો પણ મને મારા સાસુ અને પતિ આવવા ન દેતા અને મને સાસુ કામ બાબતે મેણાટોણા મારી માનસીક પરેશાન કરે છે. અને પતિ અવારનવાર સાસુનું ઉપરાણું લઇને મેણાટોણા મારી શારિરીક માનસીક ત્રાસ આપે છે.'તેમ વાત કરી હતી. આથી પુત્ર શીના પતિ અને સાસુના ત્રાસના કારણે મરવા માટે મજબુર થઇ હતી. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ડી.વી.બાલાસરાએ તપાસ હાથ ધરી છે.

(2:57 pm IST)