Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

પી.પી.પંડયા પુરાતત્વક્ષેત્રના ઋષી હતાઃ પૂ.માધવ પ્રિયદાસજી

છારોડી ગુરૂકુલ ખાતે શતાબ્દી વંદના- પુરાતત્વ મહાનરત્ન પી.પી.પંડયાના પુસ્તકનું વિમોચન : તેઓ તેમના અમુલ્ય સંશોધન કાર્યોથી હંમેશા યાદ રહેશે,સ્વ.પી.પી. પંડયાના સંશોધનોએ આપણી પેઢીઓને પ્રાચીન સંસ્કૃતિ અંગે જાણકારી આપતું કાર્ય કર્યુ છે : ધાર્મીક પુરૂષો, પુરાતત્વવિદો, ઈતિહાસવિદો, કેળવણી- કલા- સાંસ્કૃતિક ચિંતકો પત્રકારો, સાહિત્યકારો, સ્વજનોના વિદ્વતાપૂર્ણ લખાણોનો સમાવેશ : પુસ્તક પી.પી.પંડયા અમુલ્ય કાર્યોને સજીવન કરનાર શ્રી કિરીટભાઈ ગણાત્રાને આદર સાથે અર્પણ : વિવિધ ક્ષેત્રના વિદ્વાનોના લખાણો સાથે પુસ્તક પુરાતત્વ વિષયે સંદર્ભ ગ્રંથ બનશે : સૌરાષ્ટ્રમાં સંશોધનો ચાલુ રાખવા મળેલ સલાહથી કેન્દ્રના પુરાતત્વવિભાગમાં થયેલ પસંદગીનો અસ્વીકાર કર્યો : પ્રાગૈતિહાસીક, આદ્યઐતિહાસીક, ઐતિહાસીક સમયના ૨૦૦ ઉપરાંત સંશોધનો પી.પી.પંડયાએ કર્યા છે

રાજકોટ,તા.૨૨: શતાબ્દી વંદના- પુરાતત્વ મહારત્ન શ્રી પી.પી.પંડયાના પુસ્તકનું અમદાવાદ છારોડી ગુરૂકુલ ખાતે પ.પૂ.માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમા ંસૌથી વધુ પ્રાચીન સંસ્કૃતિના સ્થળો શોધનાર વતન પરસ્ત પુરાતત્વવિદ પી.પી.પંડયાએ એમ.એ.માં પુરાતત્વ વિષયનો પધ્ધતિસરનો અભ્યાસ અમદાવાદની ભો.જે.વિદ્યાભવન(મુંબઈ યુનિવર્સિટી)માં કર્યો જેમા પુરાતત્વના પેપર્સમાં સમગ્ર યુનીવર્સિટીમાં પ્રથમ આવ્યા.

આ પહેલા ૧૯૪૧ની સાલમાં આખો દેશ મહાત્મા ગાંધીજીની આઝાદીની લડતથી આંદોલીત હતો. યુવાનો અભ્યાસ છોડી આ લડતમાં જોડાયા હતા.  ત્યારે પી.પી.પંડયાએ રાજકોટની કોલેજનો અભ્યાસ છોડીને ગાંધીજીના આશીર્વાદથી મુંબઈ મલાડમાં રાજસ્થાનના સંત શ્રીનાથજીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ અહિંસક વ્યાયામ સંઘ આશ્રમમાં જોડાયા જયાં સઘન તાલીમ લીધી ત્યાર બાદ ત્યા જ રાજય પુરાતત્વ ખાતાના વડા બનતા રાત દિવસ મહેનત કરી આશરે ર૧૦૦ કી.મી.નો પગપાળા પ્રવાસ કરી તેમનો સર્વે કરી ઉત્ખનન કાર્ય શરુ કર્યા.

માર્ચ ૧૯પ૮માં ભારત સરકારના પુરાતત્વ ખતામાં આસી. સુપ્રીન્ટેન્ડન્ટની મહત્વના ઉચ્ચ પદ પર ઉચ્ચ પગાર સાથે યુ.પી.એસ.સી  દ્વારા આ તેજસ્વી પુરાતત્વવિદની પસંદગી થયેલ. તે સમયે પશ્ચીમના પુરાતત્વવિદોનો મત હતો કે સૌરાષ્ટ્રમાં પ્રાચીન સંસ્કૃતિનું અસ્તીત્વ નથી. ત્યારે પી.પી.પંડયાએ અનેક સંશોધનો ઘ્વારા સૌરાષ્ટ્ર પ્રાચીન સંસ્કૃતિથી ભરેલો વિસ્તાર છે તે સાબીત કર્યુ અને રાષ્ટ્રના પુરાતત્વીય ઈતિહાસમાં સૌરાષ્ટ્રને મહત્વનું સ્થાન અપાવ્યુ તેથી વિશ્વપ્રસિધ્ધ પુરાતત્વવિદ અને વિભાગના સલાહકાર ડો.એચ.ડી.સાંકળીયા તથા રાજયના નાણામંત્રીશ્રી જીવરાજ મહેતાએ સલાહ આપી કે સૌરાષ્ટ્રમાં સંશોધન કાર્ય ચાલુ રાખવુ જોઈએ. રાષ્ટ્રીય કક્ષાએ જશો તો તમને સૌરાષ્ટ્રમાંજ ફરજ સોપાય તેવુ નકકી ના હોય તો અહી શરૂ કરેલ કાર્યનું શું થશે ? આથી વતન પરસ્ત, નખશીખ સંશોધક  પી.પી.પંડયાએ ઉચ્ચપદ કે ઉચ્ચ પગારનો લોભ ના રાખી સૌરાષ્ટ્રમાંજ કાર્ય ચાલુ રાખવા રાષ્ટ્રીયકક્ષાના હોદાનો અસ્વીકાર કર્યો.

પુરાતત્વક્ષેત્રે સંશોધનના ફકત ૭ વર્ષમાંજ પુરાતત્વવિદ પી.પી.પંડયાએ પ્રાગૈતિહાસીક, આદ્યઐતિહાસીક અને ઐતિહાસીક સમયના ર૦૦૦ ઉપરાંત સંશોધનો કર્યા, જે ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ ર્ઈન્ડીયન આકર્યોલોજી –  એ રિવ્યુ ર્ નું દિલ્હીમાં પ્રસિઘ્ધ થયેલ છે. પુરાતત્વને વરેલો છું અને પુરાતત્વક્ષેત્રે કાર્ય કરતા સહીદ થવું છે આવી ઉચ્છા જામનગર જીલ્લાના  લાખાબાવળ ખાતેના ઉત્ખનન સ્થળ પરથી રાજયના શિક્ષણ અને પુરાતત્વ વિભાગના મીનીસ્ટરને  સંશોધન અંગે માહિતી આપતા પત્રમા જણાવેલ હતુ, અને તેમ જ થયું આ તેજસ્વી પુરાતત્વવિદે સતત કાર્યરત રહી ફકત  ઓગણચાલીસ (૩૯) વર્ષના આયુષ્યમાંજ આ દુનિયામાંથી વિદાય લીધી.

સમાજ અને સરકાર દ્વારા ભુલાવી દેવાયેલ આ પ્રખર પુરાતત્વવિદના મહાન સંશોધન કાર્યોની નોંધ લઈ શિક્ષણ અને આધ્યાત્મિક ક્ષેત્રે વિશ્વપ્રસિધ્ધ સંસ્થા શ્રી સ્વામી નારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ કનઅ. સંસ્થા અમદાવાદના અઘ્યક્ષ પૂ. સ્વામી માઘવપ્રિયદાસજીએ પી.પી.પંડયાને મરણોત્તર પુરાતત્વ મહારત્ન એવોર્ડ આપી પી.પી.પંડયાના અમુલ્ય કાર્યોને જગત સમક્ષ ઓનલાઈન આંતરરાષ્ટ્રીય સત્સંગ સભા દ્વારા જાહેર કર્યુ.

એવોર્ડ જાહેર થતા રાજય અને રાજય બહારથી મહાનુભાવો, વિધ્વાનોએ અભિનંદન પાઠવ્યા જે અનુસંધાને શતાબ્દી વર્ષ હોય વિવિધ ક્ષેત્રના વિઘ્વાનો, મહાનુભાવોના પી.પી.પંડયાના અમુલ્ય પ્રદાન અંગે વિચારો વ્યકત કરતુ શતાબ્દી વંદના પુરાતત્વ મહારત્ન શ્રી પી.પી.પંડયા પુસ્તક પ્રસિધ્ધ કરવાનું પંડયા પરીવારે નકિક કર્યુ જેને અવિરત આશીર્વાદ પ્રાપ્ત થયા.

પુસ્તકમાં ગુજરાતના જાહેરજીવનના મોભીઓએ  પી.પી.પંડયાના કાર્યોને વધાવી શુભેચ્છા પાઠવી છે. જુદા જુદા વિભાગમાં ધાર્મીક પુરુષો, પુરાતત્વિદો, ઈતિહાસવિદો ત્રણ ઉચ્ચ હોદા પર રહી ચુકેલ સીનીયર આઈ.એ.એસ અધિકારીઓ પણ છે. કેળવણી–કળા–સાંસ્કૃતિક ચિંતકો, પત્રકારો, સાહિત્યકારો, સ્વજનોએ વિઘ્વતાર્પૂણ લખાણોમાં  પુરાતત્વવિદને તેના કાર્યો ને અને તેના મહત્વને નોંધેલ છે. જેમા પદ્મવિભુષણ મેળવેલ બે પુરાતત્વવિદો છે, રાજય પુરાતત્વ વિભાગના બે પૂર્વ નિયામક છે, ત્રણ યુનિવર્સીટીના વાઈસ ચાન્સલેર છે એક પ્રો. વાઈસ ચાન્સેલર છે, પદ્મશ્રી પ્રાપ્ત કરેલ સાહિત્યકારો પણ છે. પ્રળ્ર શિક્ષણવિદો પણ છે.

ઉલ્લ્ેખનીય છે કે પી.પી.પંડયાના પુરાતત્વીય સંશોધનો એટલા મહત્વપૂર્ણ છે કે આજના ૬પ જુદા જુદા ક્ષેત્રના વિઘ્વાનોએ તેને ભરપૂર આદર આપી પ્રસંશા કરેલ છે.

ભુલાઈ ગયેલ કે ભુલવામાં આવેલ પ્રખર પુરાતત્વવિદ શ્રી પી.પી.પંડયાના અવિશ્મરણીય સંશોધન કાર્યને યાદ કરી આ મહાન પુરાતત્વવિદની યાદ દુનિયા સમક્ષ ફરી જીવંત કરવાનુ બીડુ તેમના પુત્રોએ શ્રી જયાબહેન ફાઉન્ડેશન દ્વારા ઉપાડયુ અને તેમના સંશોધનોની જાળવણી માટે દરેક સ્તરે રજુઆતો કરી તેને ફરી પ્રકાશમાં લાવવાનુ કાર્ય થયું. પુરાતત્વને  પી.પી.પંડયાના સંશોધનોને, સૌરાષ્ટ્રમાં રહેલ પ્રાચીન વિરાસતની લોકો સુધી પુરી માહિતી આપવા અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ આ માટે અમુલ્ય સાથ, સહકાર, બળ પુરુ પાડી આ અભિયાનને સફળ બનાવ્યું. આ અમુલ્ય સહકાર બદલ પંડયા પરિવારે શ્રી કિરીટભાઈ ગણાત્રા પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા  શતાબ્દી વંદના–પુરાતત્વ મહારત્ન શ્રી પી.પી.પંડયા પુસ્તક તેમને અર્પણ કરી ઋણ સ્વીકાર કરેલ છે.

શરદપુર્ણીમાના પાવન દિવસે વિશ્વભરમાં આદરભર્યુ સ્થાન ઘરાવતા પુ.સ્વામી માઘવપ્રિયદાસજીના આશીર્વાદ સાથે તેમના હસ્તે એસ.જી.વી.પી. ગુરુકુળ, છારોડી અમદાવાદ ખાતે શતાબ્દી વંદના –પુરાતત્વ મહારત્ન શ્રી પી.પી.પંડયાના પુસ્તકનું વિમોચન શરદોત્સવ દરમ્યાન કરવામાં આવ્યું પુ. સ્વામીએ આશીર્વચન આપતા  પ્રસન્નતા સાથે પુરાતત્વવિદ પી.પી.પંડયાને પુરાતત્વક્ષેત્રના ઋષી ગણાવી જણાવેલ કે તેઓ તેમના અમુલ્ય સંશોધન કાર્યોથી હંમેશા યાદ રહેશે. આ પુરાતત્વવિદે પ્રાચીન સંસ્કૃતિના પુરાવા આપવા જેવુ અત્યંત જરૂરી કાર્ય કરેલ છે. પી.પી.પંડયાના સંશોધનોએ આપણી પેઢીઓને પ્રાચીન સંસ્કૃતિ અંગે જાણકારી આપતુ કાર્ય કર્યુ છે. આજે તેમના પર લખાયેલ પુસ્તકનું વિમોચન કરતા આનંદ અનુભવું છું.

નોંધનીય છે કે ૧૯પ૦ થી ૧૯૭૩ સુધીના સમયના ૩૧ વિદ્વાનોએ અને ર૦ર૦–ર૧ના ૬પ વિદ્વાનોએ પોતાના પી.પી.પંડયાના સંશોધન કાર્યો અંગેના વિચારો વ્યકત કરી  પુસ્તક વિમોચન નાં કાર્યક્રમ સમયે એસ.જી.વી.પી.ના  પટાંગણમાં દેશ વિદેશથી આવેલ મહાનુભાવોની હાજરી હતી. ઉપરાંત પંડયા પરીવારના શ્રી મનીષભાઈ પંડયા, શ્રી હિતેશભાઈ પંડયા, શ્રી પરેશ પંડયા, શ્રી હિમાશું પંડયા, શ્રી યજ્ઞદત્ત પંડયા એ ઉપસ્થીત રહી આભાર ની લાગણી વ્યકત કરેલ હતી.

આ પુસ્તક મેળવવા તેમજ વધુ માહિતી માટે શ્રી પરેશ પંડયા (શ્રી જયાબહેન ફાઉન્ડેશન -રાજકોટ, મો.૯૪૨૯૫ ૭૧૬૬૩) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:54 pm IST)