Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

મહિલા કોલેજ અન્ડરબ્રીજમાં બાઇક સ્લીપ થઇ જતાં વિધવા માતાના આધાર એન્જિનીયર પુત્ર દેવેન્દ્રસિંહનો જીવ ગયો

લોખંડની ગ્રીલમાંથી નીકળતા પાણીને કારણે ભીના થયેલા રસ્તાને કારણે અકસ્માત નડ્યો : રાજનગરમાં રહેતાં ગુર્જર રાજપૂત ડાભી પરિવારમાં કલ્પાંતઃ મિત્રો સાથે કિસાનપરા ચોકમાં નાસ્તો કરવા જતી વખતે બનાવઃ ૨૪ વર્ષના દેવેન્દ્રસિંહનું મૃત્યુ, બાઇક પર સાથે બેઠેલા મિત્રને ઇજાઃ બીજા બે મિત્રો અન્ય બાઇક પર હતાં

રાજકોટ તા. ૨૨: કાલાવડ રોડ ગોૈરવ પથ પર મહિલા કોલેજ અન્ડર બ્રિજમાં અવાર-નવાર વાહનો સ્લીપ થઇ જવાના બનાવ બનતા રહે છે. આવા બનાવમાં ઘણીવાર વાહન ચાલકોને ગંભીર ઇજા પહોંચે છે તો ઘણીવાર જીવ પણ ગુમાવે છે. અન્ડર બ્રિજમાં લોખંડની ગ્રીલ નીચેથી હાલમાં વરસાદ ન હોવા છતાં પાણી સતત નીકળતું હોઇ આ કારણે રસ્તા ભીના થઇ જવાને કારણે વાહન ચાલકોને સતત લપસી જવાના ભય વચ્ચે પસાર થવું પડે છે. દરમિયાન રાત્રીના નાના મવા રોડ રાજનગરના એન્જિનીયર યુવાનનું આ કારણે બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થવાથી મોત નિપજતાં કલ્પાંત સર્જાયો છે. પિતા વિહોણો આ યુવાન વિધવા માતાનો આધારસ્તંભ હતો અને બે બહેનોનો એકનો એક ભાઇ હતો.

બનાવની જાણવા મળેલી વિગતો મુજબ કાલાવડ રોડ સંકલ્પ સિધ્ધ હનુમાનજી મંદિરથી મહારાણી લક્ષ્મીબાઇની પ્રતિમા તરફ જતાં રોડ પર ક્રાઇમ બ્રાંચની ઓફિસ પાસે વળાંકમાં રાતે બાઇક સ્લીપ થઇ જતાં ચાલક રાજનગર ચોકમાં રહેતાં દેવેન્દ્રસિંહ ભુપતસિંહ ડાભી (ગુર્જર રાજપૂત) (ઉ.વ.૨૪) તથા પાછળ બેઠેલા મિત્ર હર્ષદ રાવરાણી (ઉ.વ.૨૩)ને ઇજાઓ થઇ હતી. હર્ષને નજીવી ઇજા થઇ હોઇ પ્રાથમિક સારવાર લીધી હતી. જ્યારે દેવેન્દ્રસિંહને માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટૂંકી સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારજનો, મિત્રોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ પોલીસ ચોકીના હેડકોન્સ. આર. એસ. સાંબડ અને જયમિન પટેલે બનાવ અંગે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના હેડકોન્સ. મુકેશભાઇ ચરમટા અને દેવાંગભાઇએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર દેવેન્દ્રસિંહ ડાભીના મિત્ર રોહિત ગોહેલે જણાવ્યું હતું કે દેવેન્દ્રસિંહ બે બહેનના એકના એક નાના ભાઇ હતાં. તે મિકેનીકલ એન્જીનીયર હતાં અને મવડી રોડ પર કંપનીમાં નોકરી કરતાં હતાં. તેના પિતા હયાત નથી. માતા સરોજબેન ડાભી સિલાઇ કામ કરી ગુજરાન ચલાવે છે. દેવેન્દ્રસિંહ વિધવા માતાના એકના એક આધારસ્તંભ હતાં. રોહિતે વધુમાં કહ્યું હતું કે રાત્રીના અગિયારેક વાગ્યે હું તથા મિત્ર હિતેન ભટ્ટી એક બાઇક પર અને મિત્ર દેવેન્દ્રસિંહ તથા હર્ષદ રાવરાણી બીજા બાઇક પર એમ બે બાઇક પર ચાર મિત્રો ઘરેથી કિસાનપરા ચોકમાં નાસ્તો કરવા જવા માટે નીકળ્યા હતાં.

મહિલા કોલેજ અન્ડર બ્રિજમાંથી મહારાણી લક્ષ્મીબાઇની પ્રતિમા તરફના રસ્તે ડીસીબીની ઓફિસ પાસે વળાંક લેતાં જ દેવેન્દ્રસિંહનું વાહન સ્લીપ થઇ ગયું હતું. અન્ડર બ્રિજમાં લોખંડની જાળીમાંથી સતત પાણી નીકળતું હોવાથી રસ્તા ભીના થઇ ગયા હતાં. આ કારણે દેવેન્દ્રસિંહના વાહનના ટાયરો ભીના થઇ ગયા હોઇ વળાંકમાં તેનું વાહન સ્લીપ થઇ ગયું હતું. તેને ગંભીર ઇજા થઇ હતી અને બીજા મિત્ર હર્ષદને સામાન્ય ઇજા થઇ હતી.

આ બનાવથી ડાભી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. નોંધનીય છે કે અગાઉ પણ મહિલા કોલેજ અન્ડર બ્રિજમાં વાહનો સ્લીપ થઇ જવાની ઘટનાઓ બની છે. હાલમાં વરસાદ ન હોવા છતાં અહિ પાણી લીકેજ થઇને લોખંડની ગ્રીલમાંથી નીકળ્યા કરે છે અને આ કારણે રસ્તા સતત ભીના રહે છે. વાહન ચાલકોએ અહિ ખાસ તકેદારી રાખી બને ત્યાં સુધી ધીમી સ્પીડથી પસાર થવું જરૂરી છે. ભીના રસ્તાને કારણે જ દેવેન્દ્રસિંહનું વાહન સ્લીપ થઇ જતાં તેમણે જીવ ગુમાવ્યાનું તેમના મિત્રોએ કહ્યું હતું. પોલીસે હાલ આ બનાવમાં આકસ્મીક મૃત્યુની નોંધી કરી વિશેષ તપાસ યથાવત રાખી છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(12:35 pm IST)