Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

૪ કરોડના ફૂલેકામાં ધનંજય ફાયનાન્સના ડિરેકટર વલ્લભ પાંભરે ઇટાળામાં ઝેરી પીધું: સુરતમાં ૭૨ રોકાણકારોની અરજી

ગુનો દાખલ થયા બાદ તાલુકા પોલીસ તપાસ માટે ઘરે પહોંચતા ઉલ્ટીઓ થવા માંડતાં હોસ્પિટલમાં ખસેડાયો : રાજકોટ તાલુકા પોલીસે ગઇકાલે વલ્લભ, તેના પુત્ર ઘનશ્યામ, પુત્રવધૂ અસ્મીતા સામે ગુનો દાખલ કર્યો હતોઃ પોતાને અને પુત્રને ઠગાઇમાં ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યાનું લોધીકા પોલીસ સમક્ષ રટણ કર્યુ

રાજકોટ તા. ૨૨: શહેરના નાના મવા રોડ પર સાકેત પાર્ક રાજ રેસીડેન્સી સામે ધનંજય ફાયનાન્સ લી. નામે પેઢી ખોલી રોકાણકારોને ઉંચુ વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવી ૧૭ જેટલા રોકાણકારોના રૂ. ૪,૦૪,૯૫,૦૦૦ ચાંઉ કરી જવાના બનાવમાં તાલુકા પોલીસે ગઇકાલે જ લોધીકાના ઇટાળા પાંભર ગામે રહેતાં પેઢીના ડિરેકટર વલ્લભ લાલજીભાઇ પાંભર, તેના પુત્ર સુરત રહેતાં ઘનશ્યામ વલ્લભભાઇ પાંભર તથા પુત્રવધુ અસ્મીતા ઘનશ્યામ પાંભર સામે ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં તાલુકા પોલીસ ઇટાળા પાંભર ગામે તપાસ કરવા વલ્લભ પાંભરના ઘરે પહોંચી ત્યારે તે ઉલ્ટીઓ કરવા માંડતા અને ગભરામણ થતી હોવાનું કહેતાં તેને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ. તેણે ઝેરી પ્રવાહી પી લીધાનું તબિબને કહેતાં સારવાર શરૂ કરાઇ હતી. બીજી તરફ પોલીસ તપાસમાં એવી વિગતો પણ ખુલી છે કે સુરતમાં પણ આ પિતા-પુત્ર સામે ૭૨ જેટલા રોકાણકારોએ અરજી કરી છે.તાલુકા પોલીસે ગઇકાલે છેતરાયેલા પૈકીનારૈયા રોડ આલાપ ગ્રીન સીટી સામે નંદનવન પાર્ક-૨માં રહેતાં ખેડૂત જયંતિલાલ અમરશીભાઇ બોઘરા (પટેલ) (ઉ.૪૮)ની ફરિયાદ પરથી ધનંજય ફાયનાન્સના વલ્લભ પાંભર, તેના પુત્ર અને પુત્રવધૂ સામે આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦ (બી), ૧૧૪, ગુજરાત પ્રોટકશન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડિપોઝીટર એકટની કલમ ૩-૪ મુજબ સતર જેટલા રોકાણકારોને રોકાણ કરવા લલચાવી વધુ વળતરની લાલચ આપી બાદમાં કુલ ૪ કરોડ ૪ લાખ ૯૫ હજાર રૂપિયા ઓળવી જઇ વ્યાજ પણ નહિ આપી કાવત્રુ રચી ઠગાઇ કરવાનો ગુનો નોંધ્યો હતો.

તાલુકા પોલીસની ટીમે આ ગુનાની તપાસ કરવા ઇટાળા પાંભર ગામે વલ્લભ પાંભરના ઘરે પહોંચી ત્યારે તેણે ગભરામણ થતી હોવાનું કહી ઉલ્ટીઓ ચાલુ કરી દેતાં કંઇક પી લીધાનું જણાતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડતાં આ અંગે લોધીકા પોલીસ મથકના હેડકોન્સ. અજયભાઇએ તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. વલ્લભે પોતાને અને પુત્રને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યાનું રટણ કર્યુ હતું. સુરતમાં પણ વલ્લભ અને તેના પુત્ર વિરૂધ્ધ રોકાણકારોએ અરજી કર્યાનું લોધીકા પોલીસનું કહેવું છે.

(11:23 am IST)