Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

રાજકોટ જિલ્લામાં રસીકરણની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

રાજકોટ જિલ્લાના નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ગામોમાં સો ટકા કામગીરી બદલ આરોગ્ય સ્ટાફને બિરદાવાયા

રાજકોટ :રાજકોટ જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી સો ટકા સુધી લઇ જવા તેમજ ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કામદારોને રસીકરણ બાકી હોય તો ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના એસોસિએશન અને સંસ્થાઓની મદદ લઈને આ કામગીરી પૂર્ણ કરવા માટે આજે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરએ જે ગામમાં રસીકરણની સો ટકા કામગીરી થઇ છે એ ગામો હેઠળના 9 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તબીબી આરોગ્ય સ્ટાફને બિરદાવી બાકીના ગામોમાં પણ સો ટકા કામગીરી થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના કામદારો રસીથી બાકી હોય તો તમામને આવરી લેવા તેમજ જરૂર પડયે કેમ્પ કરીને પણ કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રીજીયોનલ મ્યુનિસિપલ કમિશનર અરુણ બરનવાલે પણ મ્યુનિસિપલ વિસ્તારમાં વોર્ડ વાઈઝ કામગીરી કરવા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ ગામ વાઇઝ બાકી રહેતા લોકોનો સર્વે કરીને સો ટકા કામગીરી કરવા અંગે જણાવ્યું હતું.
  આ બેઠકમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ અને પ્રતિનિધિઓ તેમજ આરોગ્ય સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:19 pm IST)