Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રસ્તાઓને ૨૦ વર્ષની સુરક્ષાનું આવરણ : મ.ન.પા. પ્રયોગ કરશે

ડામર રોડ પર સિમેન્ટ અને કેમીકલ મિશ્રીત વાઇટ ટોપીંગ ટેકનોલોજીનું આવરણ લગાડવાથી રસ્તાને ૨૦ વર્ષનું આયુષ્ય મળે છે : મુંબઇ અને પુનામાં આ ટેકનોલોજીથી રસ્તા બની ગયા છે : મ.ન.પા.ના સીટી ઇજનેર અભ્યાસ કરી આવ્યા : હવે ખાસ કમિટિ રચી મોડેલ રોડ બનાવવા વિચારણા : રસ્તા પરનું આવરણ પ્રતિ ચો.મી. ૧૦૦૦ના ખર્ચે થશે

રાજકોટ તા. ૨૧ : શહેરના રસ્તા પરના ખાડાઓથી પ્રત્યેક નાગરિક ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે મ.ન.પા. દ્વારા રસ્તાઓને ૨૦ વર્ષ સુધીનું આયુષ્ય આપતું ખાસ આવરણ લગાડી સુરક્ષિત કરવાની વિચારણા તંત્ર દ્વારા હાથ ધરાઇ છે.

આ બાબતે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઇ અને પુના જેવા શહેરોમાં રસ્તાના લાંબા આયુષ્ય માટે ખાસ પ્રકારની વાઇટ ટોપીંગ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. આ પધ્ધતિમાં ડામર રોડ ઉપર સિમેન્ટ અને ખાસ પ્રકારના કેમીકલનું મિશ્રણ કરીને તૈયાર કરાયેલ દ્રાવણની લેયર પાથરવામાં આવે છે.

આ લેયરને કારણે રસ્તા વરસાદમાં ધોવાતા નથી અને તેની સુરક્ષા મજબૂત બને છે. આ પધ્ધતિથી રોડ તૈયાર કરવા પાછળ પ્રતિ ચોરસ મીટર રૂ. ૧૦૦૦ જેટલો ખર્ચ થાય છે પરંતુ સામે રસ્તાને ૨૦ વર્ષ સુધી કોઇ મોટું નુકસાન થાય નહી એટલે સરવાળે આ ખર્ચ સસ્તો પડે તેમ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરોકત નવી ટેકનોલોજીવાળા રસ્તા બનાવવા માટેના અભ્યાસ માટે તાજેતરમાં જ મ.ન.પા.ના સીટી ઇજનેર વાય.કે.ગૌસ્વામી મુંબઇ અને પુનાની મુલાકાત લઇ આવ્યા છે. હવે આ બાબતે સીટી ઇજનેરની ખાસ કમિટિ બનાવી આ નવી ટેકનોલોજીવાળો મોડેલ રોડ બનાવવા બાબતે વિચારણા હાથ ધરવામાં આવનાર છે.

(3:39 pm IST)