Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સિવીલ હોસ્પીટલની મહિલા કર્મચારીઓ ફરી કલેકટર કચેરીએ ઉમટી પડીઃ કોન્ટ્રાકટરે કાઢી મુકયાની રાવ : પગાર પણ નથી આપ્યો

સોલંકી-નાકરાણી વિરૂધ્ધ સૂત્રોચ્ચારઃ ૧ર૦ મહિલા કર્મચારીઓ બેરોજગાર બની જતા હાયકારો : મહેસુલ મંત્રીની વીસી ચાલુ હતી ત્યારે ઉગ્ર સુત્રોચ્ચાર કરતા અધીકારીઓએ દોડવુ પડયું

સીવીલ હોસ્પીટલમાં કોન્ટ્રાકટ ઉપર કામ કરતી મહિલા કર્મચારીઓએ આજે વધુ એક વખત કલેકટરને આવેદન આપી રજુઆતો કરી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.ર૧ : સિવીલ હોસ્પીટલમાં કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરતા મહિલા કર્મચારીઓ આજે વધુ એક વખત કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા. કુલ ૧ર૦ જેટલા કર્મચારીઓ અપુરતા પગાર આર્થિક શારીરીક-માનસિક શોષણ સહિતના મુદે હડતાલ પર જતા આ લોકોને છુટા કરી દેવાતા અને નવી ભરતી કરી લેવાતા ભારે દેકારો મચી ગયો છે, આ મહિલાઓએ ''અકિલા''ને જણાવેલ કે અમને પગાર નથી આપતા અને નોકરી પર પણ નથી લેતા, કલેકટરને અનેક વખત રજુઆતો કરી છે, પરંતુ કોઇ ન્યાય મળ્યો નથી સિવીલ હોસ્પીટલના સંચાલકો જવાબ આપતા નથી.

આજે આ મહિલા કર્મચારીઓએ મહેસુલ મંત્રીની વીસી ચાલુ હતી ત્યારે જ કોન્ટ્રાકટર એમ. જે. સોલંકી અને ડી. જે. નાકરાણી હાય હાયના નારા લગાવતા અધિકારીઓ પણ દોડયા હતા, કલેકટરને રજૂઆત દરમિયાન ર૩ પ્રકારની કુલ મંજૂર થયેલ ૪ર૦ જગ્યામાંથી માત્ર પર - મંજૂર થયાની અને ૩૬૮ જગ્યા ખાલી પડી હોવાનું ઉમેરયું છે.

કલેકટર કચેરીએ મહાદલિત પરિસંઘ (રાષ્ટ્રીય) દ્વારા અપાયેલ આવેલ. જેમાં ઉમેરાયું હતું કે રાજકોટ સરકારી સિવિલ હોસ્પિટલની અંદર વર્ગ-૪-૩ ની ખાલી પડેલી સેટઅપની જગ્યાની ભરતી કરવા બાબત અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલ હોવા છતાં આજદિન સુધી ઉકેલ ન આવતા આપના દ્વારા વહેલી તકે કોન્ટ્રાકટમાં કામ કરતા કામદારોનું આર્થિક અને શારીરિક શોષણ થતું અટકાવવા વહેલી તકે ખાલી પડેલ સેટઅપની જગ્યાઓમાં ફીકસ પગારથી ભરતી કરવા નમ્ર વિનંતી છે.હાલ એમ. જે. સોલંકી તેમજ ડી. જે. નાકરાણી નામની એજન્સીના કોન્ટ્રાકટરો દ્વારા કામદારોને પુરતું પગારનું વેતન ન મળતું હોવાથી તેમજ તે લોકોને કોન્ટ્રાકટરો  દ્વારા ધાક-ધમકી આપી આર્થિક, શારીરિક, માનસિક શોષણ થતું અટકાવવા અને ધારાધોરણ મુજબ કામદારોને તેમનો પગાર વેતન મળવું જોઇએ તેમજ તેમની  લાગણીઓ અને માંગણીઓને ધ્યાનમાં લઇ કર્મચારીઓને કોઇપણ જાતની ધાક, ધમકી કે દબાણ કર્યા વગર વહેલી તકે કામે લેવામાં આવે તેવી નમ્ર વિનંતી છે. આવેદન દેવામાં જોસનાબેન સોલંકી, કિરણ વાઘેલા, મનોજ રીમાણીયા વિગેરે જોડાયા હતાં.

(3:38 pm IST)