Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

શાસક અને વહીવટી પાંખ વચ્ચે તડાફડી : પ્રદિપ ડવ આગ બબુલા

મનપામાં અધિકારીઓ પદાધિકારીઓને ગાંઠતા નથીઃ કામગીરીમાં ઠાગા ઠૈયા : કોરોના વેકસીનનાં ૧૦૦ કરોડ ડોઝની ઉજવણી બાબતે પણ મેયરને અંધારામાં રખાયાઃ લક્ષ્મીનગર અન્ડરબ્રીજનું કામ પૂર્ણ થવા બાબતે પણ મતભેદોઃ પાણી પુષ્કળ છે છતા રોજ બ રોજ મહીલાઓનાં ટોળા ફરિયાદો લઇને આવે છેઃ સીટી ઇજનેરોને કડક ભાષામાં તાકિદ કરવામાં આવી 'હવે ફરિયાદો મળવી ન જોઇએ'

રાજકોટ,તા. ૨૧ : મ.ન.પા.માં છેલ્લા એકાદ મહીનાથી પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવનાં અનેક કિસ્સાઓ બન્યા છે. પરંતુ આજે સમગ્ર દેશમાં કોરોના વેકસીનનાં ૧૦૦ કરોડ ડોઝની ઉજવણી થઇ રહી છે. ત્યારે આવા રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી બાબતે પણ પ્રથમ નાગરિક એવા મેયર ડો.પ્રદિપ ડવને વહીવટી પાંખે અંધારામાં રાખવાની ઘટના બનતો.આ બાબતે મેયર આગ બબુલા થયા હતા અને અધિકારીઓને આ બાબતે ટપાર્યા હતા.

આ બાબતે પદાધિકારી પાંખમાં ચર્ચાની વિગતો મુજબ આજે સમગ્ર દેશમાં કોરોના વેકસીનનાં ૧૦૦ ડોઝની ઉજવણીનાં કાર્યક્રમો થઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ મ.ન.પા.ના આરોગ્ય કેન્દ્રોમાં શણગાર, રંગોળી, શુસોભીત કરી અને કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. પરંતુ સંસ્થાના વડા અને પ્રથમ નાગરીક એવા ખુદ મેયર ડો.પ્રદિપ ડવ સવારે ૧૧ વાગ્યા સુધી આ કાર્યક્રમો બાબતે અજાણ હતા. જો કે મેયરશ્રી એ આ બાબતે મ્યુ. અધિકારીઓને ટપાર્યા હતા કે 'આવો રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ યોજાતો હોય ત્યારે પદાધિકારીઓને પણ તેમાં સહભાગી કરવા જોઇએ. અને આરોગ્ય કેન્દ્રની મુલાકાતે જઇને આરોગ્ય કર્મીઓને પ્રોત્સાહીત કરવા જોઇએ.' આથી આ બાબતે અધિકારીઓએ ભૂલ થયાનું સ્વીકારી લેતાં મામલો થાળે પડ્યો હતો અને પછીથી મેયરશ્રીને આરોગ્યકેન્દ્રની મુલાકાતે લઇ જવાયા હતા.

આજ પ્રકારે લક્ષ્મીનગર અન્ડરબ્રીજનું કામ પૂર્ણ થવાની તારીખ જાહેર કરવામાં પણ અધિકારી અને શાસન પાંખ વચ્ચે મતમતાંતર જોવા મળેલ કેમ કે મેયરશ્રીએ લક્ષ્મીનગર અન્ડરબ્રીજની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી અને ૧૭ ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવાની તાકદી તંત્રને કરી હતી. ત્યારે મ્યુ.કમિશ્નરશ્રીએ એવું જાહેર કર્યું હતું કે '૧૦ ડિસેમ્બર સુધીમાં બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાશે. એટલુ જ નહીં. શહેરનાં જળસ્ત્રોત આજી-ન્યારી-ભાદર ત્રણેય ડેેમ ઓવરફલો થયા છે. નર્મદાનીર પણ જોઇએ તેટલા મળે છે છતાં મ.ન.પા.ની કચેરીએ રોજબરોજ મહીલાઓના ટોળા પાણીની ફરીયાદો લઇને આવે છે. આ બાબતથી પણ મેયરશ્રી ઉકળી ઉઠ્યા હતા અને તાત્કાલીક તમામ સીટી ઇજનેરોને બોલાવીને તાકીદે કરી હતી કે 'પાણી નહી મળવાની લાઇન લીકેજ, ઓછો ફોર્સ, પાણી ચોરી જેવી ફરિયાદો ઉકેલી શકાય તેમ છે છતાં ૧૫-૧૫ દિવસ સુધી આવી ફરિયાદો ન ઉકેલાય તે તંત્ર માટે ક્ષોભજનક કહેવાય. કેમ કે પાણીના જથ્થાનો પ્રશ્ન હવે નથી તમામ ડેમ ઓવરફલો છે. જોઇએ તેટલુ પાણી મળે છે ત્યારે આવી નાની-મોટી ફરિયાદો ઉકેલ આવી શકે માટે હવે પાણીની ફરિયાદો લઇને બહેનોનાં ટોળા ન આવવા જોઇએ' તેવી કડક તાકિદ મેયરશ્રીએ ઇજનેરોને કર્યાનું જાણવા મળ્યુ છે.

(3:37 pm IST)