Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ખેડૂતોને સરકારે જાહેર કરેલ સહાય અપૂરતી છેઃ મગફળી, કપાસ, ડુંગળી, તલ, સોયાબીન..જમીનનું ભારે ધોવાણ

ખેતરો ધોવાઈ ગયા છે..જમીન પાક ઉગાડવા લાયક નથીઃ મુખ્યમંત્રી કિસાન સહાયમાંથી તાકિદે ચૂકવણુ કરો

ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમે ખેડૂતોને સહાય મુદ્દે જમીન, પાકના ધોવાણ અંગે સૂત્રોચ્ચાર સાથે કલેકટરને આવેદન પાઠવ્યુ હતુ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૧ :. ભારતીય કિસાન સંઘે આજે કલેકટર કચેરી ગજવી મુકી હતી. પ્રમુખ દિલીપ સખીયાની આગેવાની હેઠળને કલેકટરને આવેદન આપી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી સહાય ચૂકવવા બાબત તથા સરકારે કરેલી સહાય અપૂરતી છે. સૌરાષ્ટ્રના દરેક ખેડૂતને આનો લાભ મળવો જોઈએ તેવી રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, હાલ સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેર સહાય પેકેજ પ્રમાણમાં બહુ ઓછું છે. માત્ર થોડા જ ખેડૂતોને તેનોે લાભ મળે છે. સરેરાશ સૌરાષ્ટ્રના ખેડૂતોને ૩૩ ટકાથી વધારે નુકસાન થયેલ છે, તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી જ દરેક ખેડૂતને આનો લાભ મળવો જોઈએ.

આ વર્ષે ચોમાસા પાકની અંદર સૌરાષ્ટ્રના ખેડૂતોને કુદરતી આફતથી ઘણી બધી નુકસાનીનો સામનો કરવો પડયો છે. શરૂઆતમાં તોકેત વાવાઝોડુ પછી તો ઘણા બધા વિસ્તારમાં વાવણી પછી બીજો વરસાદ ન થવાને લીધે ઘણા ખેડૂતોને બીજી વખત વાવણી કરવી પડેલ હતી. તેમજ ૧-૮-૨૦૨૧થી ૩૧-૮-૨૦૨૧ સુધીમાં સૌરાષ્ટ્રના લગભગ દરેક તાલુકામાં વરસાદ થયેલ નથી. જે ૩૧ દિવસ કરતા વધારેનો સમયગાળો છે, તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના ૨૮ દિવસના નિયમ મુજબ ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ. તેમજ પાક પાકવાના સમયે અતિવૃષ્ટિથી ખેડૂતોને ભયંકર નુકસાન થયેલ છે. સરેરાશ સૌરાષ્ટ્રના ખેડૂતોને ૩૩ ટકાથી વધારે નુકસાન થયેલ છે. રાજ્યમાં અતિવૃષ્ટિના રૂપમાં વરસાદથી અકલ્પનીય ખેડૂતોને નુકસાની થયેલ છે. સૌરાષ્ટ્રના મુખ્ય પાકો જેમ કે મગફળી, કપાસ, ડુંગળી, તલ, સોયાબીન અને કઠોળ જેવા પાકોને ભયાનક નુકસાન થયેલ છે. જેવી કે ઉભા પાક બરબાદ થઈ ગયેલ છે, કપાસના પાકને ૫૦થી ૮૦ ટકા નુકસાન તેમજ મગફળીના પાકવાના સમયે વરસાદ થવાને લઈને મગફળીને પણ ખૂબ જ ભયંકર નુકસાન થયેલ છે. સાથે પશુપાલનના ચારાને પણ નુકસાન થયેલ છે. તો આ નુકસાનીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી સહાય ચૂકવવામાં એવી અમો માંગણી કરીએ છીએ.

સૌરાષ્ટ્રના અમુક તાલુકામાં ૨૪ કલાકની અંદર અતીથી અતી ભારે વરસાદ પડવાના હિસાબે જમીનમાં મોટાપાયે ધોવાણ થયેલ છે, બંધ પાળા તૂટીને મોટું નુકસાન થયેલ છે. તેમજ ખેતરના ધોેવાણ થઈ ગયેલ છે, જે જમીન પાક ઉગાડવા લાયક જમીન રહી નથી. તેમજ જમીનના ધોવાણની નુકસાનીનું વળતર તુરત જ ચૂકવાઈ એવી અમારી માંગણી છે.

(3:27 pm IST)