Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

શહેર પોલીસના ત્રણ કોરોના વોરીયર પોલીસ કર્મચારીઓને હૃદયાંજલિ પાઠવાઇઃ તેમના સ્વજનોનું સન્માન કરાયું

'પોલીસ સંભારણા દિવસ'નિમીતે રાજકોટ પોલીસે પાઠવી શહિદોને શ્રધ્ધાંજલિ

રાજકોટઃ આજે ૨૧મી ઓકટોબરના દિવસે પોલીસ સંભારણા દિવસ અંતર્ગત રાજકોટ શહેર પોલીસ હેડકવાર્ટરના મુખ્ય શહિદ સ્મારક ખાતે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા તમામા એસીપીશ્રીઓ, તમામ પીઆઇ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ શહિદોને યાદ કરી શ્રધ્ધાંજલિ આપી હતી. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ મહામારી ફેલાઇ તે વખતે જાહેર જનતાને કોરોના વાયરસ અંગે જાગૃત કરવા તથા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી પણ ખુબજ મહત્વની ફરજ બનાવવામાં આવી હતી. પોલીસે જાહેર જનતાની સુરક્ષા માટે પોતાની અને પરિવારજનોની ચિંતા કર્યા વગર નિષ્ઠાથી ફરજ બજાવી હતી. કોરોના કાળમાં રાજકોટ શહેર પોલીસ પરીવારના કોરોના વોરીયર એએસઆઇ સ્વ. શ્રી અમૃતભાઇ માયાભાઇ રાઠોડ, હેડ કોન્સ. સ્વ. શ્રી રણવીરસિંહ દિલીપપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. શ્રી પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલે પોતાની ફરજ ખુબ જ સારી રીતે બજાવી હતી. ખુબજ સરળ સ્વભાવના લાગણીશીલ વ્યકિતત્વ ધરાવતા તેમજ પોતાની ફરજ દરમ્યાન સહકર્મચારીઓ સાથે હંમેશા માટે હળીમળી રહેતાં આ ત્રણેય કર્મચારીઓ ચાલુ ફરજે કોરોનાથી સંક્રમિત થયા હતાં અને ત્રણેયનું દુઃખદ અવસાન થયું હતું. શહેર પોલીસ દ્વારા આજે ત્રણેય કર્મચારીઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ પોલીસ સ્ટેશનોમાં તેમની તસ્વીરો રાખી ફુલહાર સાથે શ્રધ્ધાંજલિ અપાઇ હતી. આજે સવારે હેડકવાર્ટર ખાતે શહિદ પોલીસ કર્મચારીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરની તસ્વીરોમાં શહેર પોલીસના ત્રણ કોરોના વોરીયર કર્મચારીઓના ફાઇલ ફોટો તથા તેમના સ્વજનોને દિલાસો પાઠવી રહેલા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ તથા શહિદ સ્મારક ખાતે અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શહિદોને પુષ્પાંજલિ અર્ણણ કરી રહેલા તમામ અધિકારીઓ, એસીપીશ્રીઓ, પીઆઇશ્રીઓ જોઇ શકાય છે.

શહિદ કોન્સ. ભરતભાઇ અશ્વિનભાઇ નેચડાનું વિરાણી હાઇસ્કૂલ ખાતે સ્મારક બનાવાયું હોઇ ત્યાં પણસલામી પરેડથી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમના સ્વજનોનું સન્માન કરાયું હતું.

નોંધનીય છે કે ૨૧ ઓકટોબર ૧૯૫૯ ના રોજ લદાખ ના હોટ સ્પ્રિંંગ ખાતે સીઆરપીએફના જવાનોની ચોકી ઉપર ચીન દ્વારા મોટી સંખ્યામાં ઘાત લગાવી હુમલો કરવામાં આવેલ જેમાં દેશ માટે બહાદુરી પુર્વક લડતા ભારતના ૧૦ સીઆરપીએફ જવાનો શહિદ થયા હતાં. તેમની બહાદુરીને યાદ કરી ભારતમાં ૨૧ ઓકટોબરના દિવસે પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવણી કરી શહિદ થયેલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓને યાદ કરી તેઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(11:40 am IST)