Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

હોસ્પિટલ ચોક બ્રિજ કામનો ધમધમાટઃ પિલર કામના શ્રીગણેશ

રાજકોટ શહેરમાં ટ્રાફીક સમસ્યા હળવી થાય તે માટે મંજુર થયેલા અન્ડર બ્રિજ અને ઓવર બ્રિજના પ્રોજેકટ અંતર્ગત રૈયા રોડ આમ્રપાલી ફાટકના અન્ડર બ્રિજનું કામ ગતિમાં છે. હવે સિવિલ હોસ્પિટલ ચોકના ટ્રાયેન્ગલ ફલાયઓવર બ્રિજનું કામ પણ હવે શરૂ થઇ ગયું છે. તેના ભાગ રૂપે સોૈ પ્રથમ કપાતમાં આવતી મિલ્કતોનું માર્કિંગની કામગીરી થઇ હતી. ૮૪.૭૧ કરોડના ખર્ચથી બની રહેલા આ ફલાય ઓવર બ્રિજના ૭૧ પિલર્સ પર ઉભો કરવામાં આવશે. આ કામ માટે આજથી પિલર કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે હોસ્પિટલ ચોકમાં કુલ પાંચ રસ્તાઓનો સંગમ થાય છે. જેના કારણે ભયંકર ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. જેનો કાયમી ઉકેલ લાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ મુખ્ય રસ્તાઓનો ટ્રાયેન્ગ્યુલર ફલાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ટ્રાયેન્ગલ ઓવર બ્રિજ ૭૧ પિલર્સ પર ઉભો કરવામાં આવશે. આ બ્રિજમાં સર્વિસ રોડની પહોળાઇ ૬ મિટર બંને તરફ, ફૂટપાથની પહોળાઇ બંને તરફ  ૦.૯૦ મિટર, જવાહર રોડ તરફ બ્રિજની લંબાઇ ૨૯૯ મિટર, કુવાડવા રોડ તરફ બ્રિજની લંબાઇ ૪૦૦ મિટર, જામનગર રોડ તરફ બ્રિજની લંબાઇ ૩૬૭ મિટરની રહેશે. આજે પિલર્સ કામનો પ્રારંભ કરવામાં આવ્યો તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:11 pm IST)