Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સમરસ હોસ્ટેલમાં સારવાર મેળવી ૨૨ થી ૩૮ વર્ષના ૧૨ યુવા દર્દી થયા કોરોનામુકત

કોરોનાને સામાન્ય તાવ-શરદી જેટલી હળવાશથી ન લેતાં: મીરાબેન બોૈવા

રાજકોટઃ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં કાર્યરત ફરજનિષ્ઠ આરોગ્યકર્મીઓની સઘન અને સમયસરની સારવારને પ્રતાપે વધુ ને વધુ દર્દીઓ કોરોનામુકત થઇ રહ્યા છે. જેના થકી રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્ર્મણ મહદઅંશે ઘટવા લાગ્યું છે. જયાં તાજેતરમાં સમરસ હોસ્ટેલખાતે ૨૨ થી ૩૮ વર્ષના ૧૨ યુવા દર્દીઓ આરોગ્યકર્મીઓની સંવેદનાસભર સારવાર થકી કોરોનામુકત બન્યા છે.

આ પૈકી મૂળ જૂનાગઢ ના વતની અને હાલ રાજકોટમાં UPSC ની તૈયારી કરતા ૨૨ વર્ષીય ભાવદીપભાઈ સોજીત્રા કહે છે કે,' સમરસનો સ્ટાફ ખુબ માયાળુ છે, બહાર જે હોસ્પિટલ માટે વાતો થાય છે તે માત્ર અફવા છે. રાજકોટમાં આટલા સારા ડોકટર, હોસ્પિટલ, સ્ટાફ કયાંય નહિ મળે, અડધી રાત્રે પણ ડોકટરને બોલાવીએ તો તુરંત હાજર થઇ જતા હતા.'

તો ૩૮ વર્ષીય ગૃહિણી મીરાંબેન બૌવા સમરસના સ્ટાફનો આભાર માનતા જણાવે છે કે, 'સમરસનો સ્ટાફ પરિવારથી વિશેષ અમારી કાળજી રાખતો હતો, નર્સ, ડોકટરોએ મારું ખુબ ધ્યાન રાખ્યું છે, આવો સ્ટાફ અને ડોકટરની ટીમ કે જેઓ મને ઓળખતા પણ નથી તેઓએ મારી ખુબ સારી સેવા કરી છે. હું તેમની દિલથી આભારી છું. અને હું સર્વેને વિનંતી કરીશ કે કોરોનાને સામાન્ય શરદી કે તાવ જેટલી હળવાશથી ન લેશો, આ શરદી તાવ અને સામાન્ય શરદી તાવની અસરમાં ઘણો ફરક છે. તેથી હું દરેકને કહીશ કે બને તેટલી બધી જ તકેદારી રાખો.'

ખાનગી હોસ્પિટલના આઈ.સી.યુ.વિભાગમાં કાર્યરત ૨૨ વર્ષીય નર્સ પ્રીતિબેન પરમાર જણાવે છે કે,'સમરસ હોસ્ટલમાં મારા સારવારના દિવસો દરમિયાન મેં મારી જેમ અન્ય કોરોના સંક્રમિત દર્દીઓને આત્મીયતાસભર હૂંફ આપીને આપતી સચોટ સારવાર નિહાળી છે, અને સારવારની આ પદ્ઘતિ થકી વધુને વધુ દર્દીઓ કોરોના મુકત થઇ રહ્યા છે. કારણ કે અહીં મારી જેમ દર્દીઓના મનમાંથી કોરોનાના ડરને દૂર કરીને સુયોગ્ય સારવાર અપાય છે અને તેથી જ આજે હું કોરોનામુકત બની છું.'

આમ સમરસ હોસ્ટેલમાં કાર્યરત આરોગ્યકર્મીઓની સંનિષ્ઠ સારવારના પ્રતાપે ભાવદીપભાઈ થી લઈને મીરાંબેન સુધીના ૨૨ થી ૩૮ વર્ષના ૧૨ યુવા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફર્યા છે.

(4:06 pm IST)