Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

રૈયા રોડ અંડરબ્રિજ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં પૂર્ણ થશેઃ લક્ષ્મીનગર નાલુ કાલાવડ રોડ જેવા અંડરબ્રિજમાં રૂપાંતરિત થશે

મ્યુનિ. કમિશનરે આમ્રપાલી ફાટક- રૈયા રોડ પ્રોજેકટ તથા લક્ષ્મીનગર રેલવે અંડરબ્રિજની મુલાકાત લીધીઃ કામગીરીની સમીક્ષા : કામગીરી અંગેનો પ્રોગ્રેસિવ રિપોર્ટ નિહાળ્યોઃ લક્ષ્મીનગર : પ્રોજેકટ જુન-૨૦૨૧ સુધીમાં પૂર્ણ કરવા આપી સૂચના

રાજકોટ, તા. રર : રાજકોટને સ્માર્ટ અને વિકાસ તરફ વેગવંતુ બનાવવા હાથ ધરવામાં આવી રહેલા વિવિધ પ્રોજેકટમાં શહેરમાં સરળ પરિવહન માટેના પ્રોજેકટનો પણ સમાવેશ થઇ રહ્યો છે. ટ્રાફિકની સમસ્યાનો ક્રમશઃ ઉકેલ આવે તે માટે શહેરમાં વિવિધ મહત્વપૂર્ણ ટ્રાફિક જંકશન ખાતે અન્ડરબ્રીજ કે ઓવરબ્રિજના પ્રોજેકટ આગળ ધપી રહ્યા છે. આ પૈકી મહત્વપૂર્ણ બે પ્રોજેકટ એવા લક્ષ્મીનગર રેલ્વે અન્ડરબ્રીજ અને આમ્રપાલી રેલ્વે ફાટક ખાતેના અન્ડરબ્રીજ પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સમયસર અને ઝડપી પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે આજે બંને સ્થળોની મુલાકાત લઇ કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. કોરોનાકાળ સમયમાં પણ અન્ય કામગીરીને વેગ મળે અને ચાલુ પ્રોજેકટને ઝડપથી પૂર્ણ કરવા અંગે સુચના આપી હતી. આજે તા. ૨૨-૧૦-૨૦૨૦ ના રોજ મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલએ લક્ષ્મીનગર રેલ્વે અન્ડરબ્રીજ, આમ્રપાલી ફાટક - રૈયા રોડ ખાતેના ચાલુ પ્રોજેકટની મુલાકાત કરી હતી. જેમાં મ્યુનિ. કમિશનર  સાથે નાયબ મ્યુનિ. કમિશનર  ચેતન નંદાણી, પી.એ. (ટેક.) ટુ   રસિક રૈયાણી, સિટી એન્જી.   કે.એસ.ગોહેલ,   એચ. એમ. કોટક, ડે. એકસી. એન્જી.   કુંતેશ મહેતા,   પટેલીયા,   મહેશ જોષી, આસી. એન્જી.   ધીરેન કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.  

 લક્ષ્મીનગર રેલ્વે અન્ડરબ્રીજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર  જણાવ્યું હતું કે, કાલાવડ રોડ રેલ્વે અન્ડરબ્રીજ જેવો જ આ લક્ષ્મીનગર રેલ્વે અન્ડરબ્રીજ બનાવવામાં આવશે. જેમાં સાયકલ ટ્રેક, પેડેસ્ટલ ટ્રેક, લાઈટીંગ, ૭.૫ મીટરનો કેરેજ-વે જેવી સુવિધાઓ કરવામાં આવશે. જે અંદાજીત ૨૦ કરોડમાં બનાવવામાં આવી રહ્યો છે અને આ પ્રોજેકટ પર કામગીરી કરનાર જય જવાન કન્સ્ટ્રકશન કંપનીને જુન-૨૦૨૧ સુધીમાં અન્ડરબ્રીજની કામગીરી પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી હતી. ઉપરાંત સંપૂર્ણ પ્રોજેકટનો પ્રોગ્રેસ રીવ્યુ રીપોર્ટ નિહાળ્યો હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી.

આમ્રપાલી રેલ્વે અન્ડરબ્રીજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર એ સંપૂર્ણ પ્રોજેકટની ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ કામગીરી અંગેનો પ્રોગ્રેસીવ રીપોર્ટ પણ નિહાળ્યો હતો. આ અન્ડરબ્રીજમાં બંને બાજુ ૪.૫ મીટર સર્વિસ રોડ, ૬.૬૦ મીટરનો બંને બાજુ બોકસની અંદર કેરેજ-વે, ૬.૭૫ મીટરનો બોકસની બહાર બોકસને જોડતો કેરેજ-વે તેમજ વૈશાલીનગર-૧ (શાક માર્કેટ તરફ) થી ચુડાસમા મેઈન રોડ(એરપોર્ટ રોડ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધા, કિશાનપરા (RMC સોસાયટી) તરફથી શ્રેયસ સોસાયટી (રેસકોર્ષ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જે અંદાજીત ૨૧ કરોડમાં બનાવવામાં આવી રહ્યો છે અને ફેબ્રુઆરી-૨૦૨૧ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે.

(3:05 pm IST)