Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

આવતીકાલે આશાપુરા માતાજીના મંદિરે રાજ પરિવાર દ્વારા આઠમનો પરંપરાગત હવન

ઠાકોર સાહેબ માંધાતાસિંહ અને યુવરાજ સાહેબ જયદીપસિંહ હવનમાં બેસશેઃ હવન દરમ્યાન મંદિર પરિસરમાં પ્રવેશ બંધ રહેશેઃ ફેસબુક પેજ પર હવન લાઈવ જોઈ શકાશે

રાજકોટ તા. ૨૨: શહેરના રાજકોટના પેલેસ રોડ પર આવેલાં રજવાડાં સમયના માતા આશાપુરા માના મંદિરે દુર્ગાષ્ટમીના પાવન દિવસે પરંપરાગત રીતે હવન થશે અને બીડું હોમાશે. મંદિરમાં દર્શનાર્થીઓ માટે દર્શન ચાલુ જ રખાયાં છે.  પરંતુ હવનના સમય દરમિયાન ભીડ ન થાય એ માટે વ્યવસ્થા જાળવવાના હેતુસર મંદિરના પટાંગણમાં  બપોરે ત્રણથી પાંચ પ્રવેશી નહીં શકાય. ત્યાર બાદ એક સાથે સો-સો વ્યકિત સાંજ સુધી દર્શન માટે જઇ શકશે.

ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું કે નવરાત્રિના પવિત્ર તહેવારની ઉજવણી પણ આપણૈ સૌએ સાદાઇથી અને ઘરમાં રહીને કરી છે. આદ્યશકિતની ઉપાસનાના આ પર્વમાં સૌ કોઇ લીન થયા છે ત્યારે આશાપુરા માતાજીના મંદિરે દર વર્ષે થતા હવનની પ્રણાલી તો રાજકોટ રાજ પરિવાર આ વર્ષે પણ નિભાવશે. હવનાષ્ટમી, આવતીકાલે તા. ૨૩ ઓકટોબરને શુક્રવારે શાસ્ત્રોકત રીતે હવન થશે.  પરંતુ પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને રાજય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર વધારે ભીડ ન થાય તેની કાળજી રાખવા માટે હવનના સમયે બપોરે ત્રણથી પાંચ દર્શન બંધ રહેશે.

બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન હવન થશે અને બીડું હોમાશે ત્યારે મંદિરના બહારના દરવાજા બંધ રહેશે. હવન સંપન્ન થયે દર્શનાર્થીઓ હવનકુંડના અને માતાજીના દર્શન સો-સોની સંખ્યામાં કરી શકશે. માંધાતાસિંહજીએ ઉમેર્યું કે અત્યારે જયારે કોરોના મહામારીની સ્થિતિ છે ત્યારે સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન સૌ કોઇ કરી રહ્યાં છે આપણે પણ એ કરવું જ જોઇએ.

હવનના સમયે પણ પરિવારના જે લોકો ત્યાં હશે અને દર્શનાર્થીઓ હશે માસ્ક પહેરીને જ ઉપસ્થિત રહેશે. મંદિરના પરિસરમાં દર્શનાર્થીઓનું થર્મલ ગનથી તાવનું પરીક્ષણ પણ થશે. મંદિરની બહારના દરવાજે જ હાથ ધોવા માટે સેનીટાઇઝર પણ રાખી દેવાશે, અને દરેક દર્શનાર્થી હાથ ધોયા પછી જ પ્રવેશ કરી શકશે. દર્શન દરમિયાન સોસિયલ ડિસન્ટન્સનું પાલન કરવાનું રહેશે. હવનાષ્ટમી નિમિતે, આશાપુરા મંદિર, પેલેસ રોડ, ખાતે હવન માં રાજકોટ રાજ પરિવાર દ્વારા  હોમવામાં આવતા બીડા ના ફેસબુક પર ના લાઈવ દર્શન, મંદિર ના ફેસબુક પેજ, Ashapura Temple, Palace Road, Rajkot  પર નિહાળી શકાશે.

(11:24 am IST)