Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

વિશ્વભરના અશ્વોની અવનવી રસપ્રદ વિગતોઃ તખુભાની કલમે

* કાઠીયાવાડી અને અરબી અશ્વ પ્રાચીન ઓલાદ છે. *અશ્વ પારખુના ઝવેરી તરીકે જાંબાઝ નિવૃત આઈ.પી.એસ. આર.ડી. ઝાલાનું નામ અગ્રેસર છે. * જાણકારોના મતે પુર્ણ કાઠીયાવાડી અશ્વ મહારાણા પ્રતાપનો ચેતક અને જમનગરના જામરણજીતસિંહનો અશ્વિનીકુમાર હતો. ભુતકાળમાં સૌરાષ્ટ્રમાં ૩૬ જાતના જાતવંત અશ્વનો ઉછેર થતો. *વિશ્વમાં ૧૪૫ જાતના અશ્વો અસ્તિત્વ ધરાવે છે. હાલ ભારતમાં આઠ જાતના અશ્વો હયાત છે. *વિશ્વના મહાન યોઘ્ધા સિકંદર પાસે ''બ્યુસફેલોસ'', નેપોલિયન પાસે ''મોન્ટેગો'', પૃથ્વીરાજ ચૌહાણ, છત્રપતિ શિવાજી મહારાજ અને રાણી લક્ષ્મીબાઈ પાસે હલામણજી (હાલાજી) નામના અશ્વો હતા. *મહારાણા પ્રતાપના પ્રિય અશ્વ ''ચેતક'' રાજસ્થાનમાં હલદી ઘાટી ખાતે વીરગતિ પામેલ. હાલ ત્યાં ચેતકનું ભવ્ય સ્મારક બનાવેલ છે. *મહાન સિકંદરનો અશ્વ ''બ્યુસેફેલોસ'' ઈજીપ્ત ખાતે મૃત્યુને ભેટેલ આ સ્થળે 'બ્યુસફેલોસ' નામનુ નગર વસાવેલ. * વિશ્વના અનેક દેશ ઉપર શાસન કરનાર અંગ્રંજો પાસે ઓસ્ટ્રલિયન ''વેલર'' નામના અશ્વો હતા.

જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ દેશ અને વિદેશના અશ્વ અંગે સંકલિત માહિતી મારફત વાંચકોને જણાવે છે કે અશ્વ આદિકાળથી માનવ જાતિની પ્રગતિ અને રોજીંદા જીવનમાં ગાઢ સાથી તરીકે સ્થાન પામેલ છે. આજના આધુનિક યુગમાં પણ અશ્વ માનવીના પાલતુ પ્રાણીમાં ખાસ સ્થાન ધરાવે છે. અશ્વની દ્રઢ શકિત, સ્વામી ભકેત સમજણ અને  વફાદારીના આગવા ગુણોને કારણે ઈતિહાસમાં ગૌરવવંતુ સ્થાન મળેલ છે.

 વિશ્વના અનેક ઓલાદના અશ્વ અંગે ઈતિહાસમાં ખાસ નોધ છે. અભ્યાસુના મતે કાઠીયાવાડી અને અરબી અશ્વ ઓલાદ ખુબ જ પ્રાચીન છે. ઈતિહાસની નોધ મુજબ એશિયાઈ માઈનોરથી કાઠીયાવાડમાં ઉતરેલા લડાયક ક્ષત્રિય કાઠીઓને કુદરતે બક્ષેલી ખાસ સુઝ ખેવના અને અશ્વ ઉપર અપાર પ્રેમના કારણે કાઠીયાવાડી અશ્વની પ્રચલિત ઉતમ પ્રકારની 'કાઠીયાવાડી અશ્વ' નો અશ્વ જગતમાં ઉદય થયેલ મનાય છે. આ નસ્લની કાળજીમાં પિતૃપક્ષ અને માતૃપક્ષ એમ બન્ને પખાનો વંશવેલો ખુબ જ સારી રીતે જાળવેલ..

 અશ્વની પ્રત્યેક જાતિની ચોકકસ ખાસિયતો હોય છે. અરબી અને કાઠીયાવાડી અશ્વો ગમે તેવા વિપરીત સ્થળમાં દોડવામા ઝડપી હોય છે આ અશ્વની ઉચાઈ લગભગ અઠાવન ઈચ જેટલી હોય છે. અશ્વની જુદીજુદી બાર બાબત ઉપરથી તેને કાઠીયાવાડી અશ્વ ગણવામાં આવે છે.

 જાણકારોના મતે બાર બાબતો વાળો પુર્ણ અંતિમ કાઠીયાવાડી અશ્વ મહારાણા પ્રતાપનો ચેતક અને જામનગરના જામરણજીતસિંહનો અશ્વિનીકુમાર હતો. છેલ્લા સાત દાયકાથી અભ્યાસુના મતે પુર્ણ કાઠીયાવાડી અશ્વ પેદા થયેલ નથી.

 એક સમયે અશ્વ માત્ર પ્રાણી ન ગણાતુ પણ સમગ્ર લોકજીવન સાથે વણાયેલુ અંગ હતું. પ્રાચીન કાળમાં દેવાલયમાં વિવિધ શિલ્પ, ભરતકામ, મોતીકામ, નકશીકામમાં અને અનેક સુશોભિત વસ્તુમાં, શુરવીર શહીદના પાળીયામાં અને સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રીજી મહારાજની ''માણકી'' ઘોડીને પણ ખાસ સજાવટસહ ચિત્રો જોવા મળે છે.

 સૌરાષ્ટ્રમાં જાતવંત ૩૬ દ્યોડાઓનો ઉછેર થતો પાછળથી બાવન (પર) જાત ગણાતી પણ તેમાં જાતનો વધારો થયેલ નહી પણ નામોનો ઉમેરો થયેલ.

 આજ પણ અશ્વ અંગે ઉડી જાણકારી ધરાવતા અશ્વપ્રેમીઓ અલ્પ સંખ્યામાં હયાત છે. જે અશ્વને જોતા જ તેની ઓલાદ ખુબી ખામીઓ જણાવી શકે છે. આ અશ્વ પારખવામાં ઝવેરી તરીકે જેનુ નામ સમગ્ર રાજયમાં લેવાય છે. એવા નિવૃત નિષ્ઠાવાન બાહોશ (આઈ.પી.એસ.) અધિકારી શ્રી રઘુરાજસિંહજી ઝાલા (આર.ડી.ઝાલા) એ રાજયના પોલીસદળના અશ્વ પસંદગી માટેની સમિતિમાં વિશેષ પ્રદાન આપેલ છે.

 વર્તમાન સમયમાં અશ્વ ઉછેર મર્યાદીત છે તેમ છતાં સુખી સંપન્ન લોકો અશ્વને શોખથી રાખે છે સમયના બદલાવ સાથે હવે અશ્વનો ઉપયોગ લગ્નમાં અને ધાર્મિક મહોત્સવમાં જોવા મળે છે. શોખીન અશ્વ માલિકો અશ્વના શણગાર સામાન ખુબ જ ઉચી કિંમતે ખરીદી અશ્વને આજ પણ શણગારે છે.

ઘોડીને ગર્ભધારણ બાદ ૧૧ માસે પ્રસવ થાય છે. બચ્ચાના જન્મ થતાં તેને પગથી જાનુપર્યત માપતા જેટલી ઉચાઈ જણાય તેનાથી ત્રણગણી ઉચાઈ તેની યુવાવસ્થામાં થાય છે. તેને બાલ્યાવસ્થામાં વછેરી કે વછેરૂ તરીકે ઓળખાય છે. આ સમયગાળામાં તેના મુખમાં લગામ આપવાનો અભ્યાસ કરાવવામાં આવે છે. અશ્વની ઉમર બે રીતે જાણી શકાય છે. અશ્વનું શરીર જોવાથી અને અંતર્ગત લક્ષણ જોવાથી. પાંચથી બાર વર્ષ અશ્વની યુવાવસ્થા ગણાય. બાર વર્ષથી વીસ વર્ષની ઉમરને પ્રોઢ્વસ્થા ગણાય છે. અશ્વને ચલાવવો, વિવિધરીતે દોડાવવની ખાસ તાલીમ આપવામાં આવે છે.

 અશ્વના ઈતિહાસમાં જેમનુ નામ ખુબ જ પ્રચલિત અને ગૌરવવંતુ છે તે દેશના મહાન યોઘ્ધ શકિતશાળી અજોડવીર મેવાડના રાજવી શ્રી મહારાણા પ્રતાપનો અતિપ્રિય અશ્વ ''ચેતક'' પુર્ણ કાઠીયાવાડી અશ્વ હતો. જાણકારોના મતે ચેતક ધાંગધ્રા પાસેના ખોડ ગામના શબા શાખતા અશ્વ પાલક ચારણ કુટુંબે ઉછેરી મોટો કરેલ તે સમયે તેઓ અશ્વ પાલકનો વેપાર કરતા અને ઉચી ઓલાદના અશ્વો સમગ્ર દેશમાં વહેંચવા માટે જતાં આ રીતે ચેતક મારવાડ રાજવી મહારાણા પ્રતાપ પાસે પહોંચેલ. આ ઉતમ અશ્વ બદલ રાજવીએ આ ચારણ કુટુંબને મારવાડમાં જાગીર આપેલ જે જાગીર તેઓએ દેશ આઝાદ થયો ત્યાં સુધી ભોગવેલ .

 જાણકારોના મતે કાઠીયાવાડી અશ્વ રાજસ્થાનમાં ગયા બાદ ક્રોસ બ્રીડીંગથી મારવાડી અશ્વજાત અસ્તિત્વમાં આવેલ. અગાઉના સમયમાં યુઘ્ધ સમયે અશ્વવેધોને અશ્વની સારવાર માટે રણમેદાનમાં સાથે રાખતા.

 હાલ દુનિયમાં ૧૪૫ જાતના અશ્વો અસ્તિત્વ ધરાવે છે. જે પૈકી અરબી અને કાઠીયાવાડી જાત સૌથી પ્રાચીન છે. ભારતમાં અંદાજે આઠ જાતનાં અશ્વો છે. તેમાં કાઠીયાવાડી, અરબી, ત્રિબેટી, મણીપુરી, મારવાડી, કચ્છી અશ્વોનો સમાવેશ થાય છે.

  વિશ્વના અનેક દેશ ઉપર લાંબો સમય શાસન કરનાર અંગ્રેજો પાસે ઓસ્ટ્રલિયાના ' વેલર'જાતિના ઘોડા હતા. તેઓએ કાઠીયાવાડી અશ્વોની તાકાત જોઈ તેમના વેલર અશ્વો સાથે કોસબ્રીડીંગ કરાવવા અનેક પ્રયાસો કરેલ પરંતું તે સમયે જેઓ પાસે જાતવંત અશ્વો હતા તેવા ખમીરવંતા રાજપુત, કાઠીઓ, આહીરો, ચારણો ખુબ જ જાગૃત હતા તેઓએ અંગ્રેજોની આ ઓફરને નિષ્ફળ બનાવેલ ને આપણી મુલ્યવાન નસ્લને બચાવવાનું મોટું કામ દાયકાઓ પહેલા થયેલ જે ગૌરવ લેવા જેવી બાબત છે.

 વિશ્વ અને દેશના મહાન લડવૈયા, વીર યોઘ્ધ જે અશ્વ ઉપર બેસી અનેક સ્થળે નાનામોટા જંગ લડેલ તેમાં મહાન સિકંદર પાસે '' બ્યુસફેલોસ'', નેપોલિયન પાસે ''મોન્ટેગો'' નામના અશ્વ હતા. તો ભારતના બહાદુર લડવૈયા મહારાણા પ્રતાપ પાસે ''ચેતક'', પૃથ્વીરાજ ચૌહાણ , છત્રપતિ શિવાજી, મહારાણી લક્ષ્મીબાઈ પાસે ''હલામણજી'' (હાલાજી)ના નામના પ્રતાપી અશ્વો ઉપર સવાર થઈ યુઘ્ધ લડેલા.

 મહારાણા પ્રતાપના પ્રિય અશ્વ ''ચેતક'' રાજસ્થાનમાં હલદીઘાટી ખાતે વીરગતિ પામેલ. હાલ ત્યાં ચેતકનું ભવ્ય સ્મારક ઉભુ કરેલ છે.

 મહાન સિકંદરનો અશ્વ '' બ્યુસફેલોસ'' ઈજીપ્તમાં મરણ પામેલ તે સમયે સિકંદરે ખુબ જ કલ્પાંત કરેલ. આ સ્થળે '' બ્યુસફાલસ'' નામનુ નગર વસાવેલ. મહાભારતથી ૧૯મી સદી સુધીનું એકપણ યુઘ્ધ કે લુટેરા, બહારવટીયા કે પ્રવાસીઓ અશ્વ વગર સંભવ નથી બન્યા. આશા રાખુ અશ્વપ્રેમી અને અન્ય વાંચકોને અશ્વ અંગેનો ઈતિહાસ ગમશે.       

 આ સંકલન લેખના પ્રેરણાદાયીને પૂરક માહિતી પ્રદાન શ્રી મહેન્દ્રસિંહજી જાડેજા (કાંગશિયાળી)

 સંકલન : તખ્તહિ (તખુભા) રાઠોડ

રાજકોટ, મો.  ૯૮૨૪૨ ૧૬૧૩૦

(3:58 pm IST)