Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ગાંધી સંકુલના ભુલકાઓએ કલાત્મક કૃતિની દુનિયા સર્જી દીધી

'દિવડા શણગાર' 'રંગોળી' અને 'દિવાળી કાર્ડસ' સ્પર્ધા યોજાઇ : મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ ની શાળાઓના ૩૦૦ વિદ્યાર્થી ભાઇ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો

રાજકોટ તા. ૨૨ : વિદ્યાર્થીઓમાં રહેલ કલા વિકષિત થાય તેવા હેતુથી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારોમાં વિવિધ સ્પર્ધાનું આયોજન થાય છે. તે મુજબ આ વર્ષે પણ  'દિવડા શણગાર સ્પર્ધા', 'રંગોળી સ્પર્ધા', 'દિવાળી કાર્ડ સ્પર્ધા' નું આયોજન કરાયુ હતુ.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય સદર બજાર, ડો. રાધાકૃષ્ણ માર્ગ ખાતે યોજવામાં આવેલ આ સ્પર્ધામાં મહાત્મા ગાંધી ટ્રસ્ટની જુદી જુદી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ૮ પ્રાથમિક શાળાઓના ૩૦૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિદ્યાર્થી ભાઇ બહેનોએ કલાત્મક દિવડા, રંગોળી  અને ગ્રીટીંગ્સ કાર્ડની અવનવી કૃતિઓ તૈયાર કરી અલાયદી દુનિયા ખડી કરી દીધી હતી. વળી આ તૈયાર કરાયેલ કૃતિઓ કલેકટરશ્રીની રૂબરૂ મુલાકાત લઇ તેઓને તેમજ અન્ય શ્રેષ્ઠ અધિકારીઓને શુભેચ્છારૂપે અર્પણ કરાઇ હતી.

રંગોળીમાં સ્વચ્છ ભારત, ગાંધીજી, વિવેકાનંદજીના દ્રશ્યો આકર્ષણરૂપ બન્યા હતા. અવનવી ભાત દ્વારા તૈયાર કરાયેલ દિવાળી કાર્ડ પણ એવા જ એકટ્રેકટીવ રહ્યા હતા.

આ સ્પર્ધાઓમાં લાલબહાદુર શાસ્ત્રી કન્યા પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ), લાલબહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ), સદ્દગુરૂ પ્રાથમિક શાળા, સદ્દગુરૂ બાલમંદિર, કસ્તુરબા પ્રાથમિક શાળા, જગદ્દગુરૂ પ્રાથમિક શાળા, સરદાર વલ્લભભાઇ પટેલ પ્રાથમિક શાળા, રાધાબાઇ અકબરી પ્રાથમિક શાળા, લાલબહાદુર શાસ્ત્રી બોયઝ હાઇસ્કુલ, શાસ્ત્રી કન્યા વિદ્યાલય, માતૃમંદિર ઇંગ્લીશ મીડીયમ હાઈસ્કુલ, માં આનંદમયી કન્યા વિદ્યાલય, કસ્તુરબા હાઇસ્કુલ, જગદ્દગુરૂ હાઇસ્કુલ, રમેશભાઇ એમ. છાયા બોયઝ હાઇસ્કુલ, રમેશભાઇ છાયા બોયઝ એન્ડ કન્યા વિદ્યાલય, સરદાર વલ્લભભાઇ પટેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જુદી જુદી શાળાના આચાર્યશ્રીઓ બે શિક્ષકો અને ૨૦ વિદ્યાર્થીઓને ચુનંદા ટીમ તૈયાર કરી આ સમગ્ર આયોજન કરાયુ હતુ. આ માટે સંસ્થાના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીનું માર્ગદર્શન મળ્યુ હતુ. સમગ્ર ટીમને મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોષીએ અભિનંદન આપ્યા હતા.

તસ્વીરમાં કલાત્મક કૃતિઓ સાથે 'અકિલા' ની મુલાકાતે આવેલ સ્પર્ધક વિદ્યાર્થીઓ અને સાથે આચાર્યશ્રી ભારતીબેન નથવાણી, આચાર્યશ્રી ભરતસિંહ પરમાર, શિક્ષક ઉર્વશીબેન ઉપાધ્યાય, જશવંતીબેન ખાનવાણી, દિગ્વીજયભાઇ, નૈનાબેન વગેરે નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:33 pm IST)