Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ભાજપે પાંચ સભ્યોને 'છુટ્ટા' મૂકી દીધાઃ ૨૪ પૂરા ન થાય તો બોર્ડમાં ગેરહાજર ?

જસદણ પંથકના પંચાયતના એક સભ્ય છટકી જતા 'મેળ' વિખાઈ ગયોઃ 'ભેગુ' કરવા નવેસરથી પ્રયાસઃ અવિશ્વાસ દરખાસ્તના સૂત્રધારો પર તડાપીટ

રાજકોટ, તા. ૨૨ :. જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સામે રજૂ થયેલી અવિશ્વાસ દરખાસ્તના ફેંસલા માટે ગુરૂવારે બપોરે ૧૨ વાગ્યે કલેકટરની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળનાર છે. ભાજપે ૨૪ સભ્યોની જરૂરીયાત સામે ૨૫ સભ્યો ભેગા થઈ ગયાનો દાવો કરી અવિશ્વાસ દરખાસ્ત મુકેલ. ગઈકાલે સામાન્ય સભાની રણનીતિ ઘડવા ગોંડલમાં યોજાયેલ બેઠકમાં પુરા ૨૪ સભ્યો ન થતા ભાજપના અગ્રણીઓ વિચારતા થઈ ગયેલ. અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવવાનું લગભગ અશકય જેવુ જણાતા ગઈકાલે સાંજે ભાજપને શરતી ટેકો આપવા વંડી પર બેઠેલા ૫ સભ્યોને ભાજપે છૂટ્ટા મુકી દીધાનું જાણવા મળે છે. એક સભ્ય છેલ્લી ઘડીએ છટકી જતા અવિશ્વાસની દરખાસ્તની સફળતા સામે મોટો પ્રશ્નાર્થ સર્જાય ગયો છે. આજે સાંજે વધુ એક વખત માથામેળ કરવા ભાજપ દ્વારા પ્રયાસ થનાર છે. જો તેમા સફળતા ન મળે તો તા. ૨૪મીએ સામાન્ય સભામાં ભાજપ અને બાગી જુથ ગેરહાજર રહેવાનું વિચારી રહ્યાનું કહેવાય છે.

ગઈકાલે ૨૪ સભ્યો ભેગા થઈ જાય તો તેની અલગ છાવણી કરાવી દેવાની ભાજપની યોજના હતી. જસદણ પંથકના ૧ સભ્ય આશ્ચર્યજનક રીતે જતા રહેલ. બાકીના ૫ સભ્યો અલગ સ્થળે ભાજપના જવાબની રાહ જોતા હતા. ૨૪નો મેળ તૂટી જતા ભાજપના આગેવાનોએ રાહ જોઈ રહેલા ૫ સભ્યોને 'હવે તમે તમારી રીતે સ્વતંત્ર છો' તેવો ખુલ્લો મેસેજ આપી દેતા આ પાંચ સભ્યોએ કોંગ્રેસના અર્જુન ખાટરિયા જુથ તરફ નજર દોડાવી છે. આજ સાંજ સુધીમાં આ પાંચેય સભ્યો ગીરના ખાટરિયાના કેમ્પમાં પહોંચી જાય તેવા વાવડ છે. જો ખાટરિયા સાથે રહેલા મનાતા ૧૪ સભ્યો અકબંધ રહે અને વધારાના ભાજપથી મોઢુ ફેરવી લીધેલા મનાતા ૫ બાગીઓ ટેકો આપે તો ખાટરિયાનું સંખ્યાબળ ૨૦ની આસપાસ પહોંચી જશે.

ભાજપના આગેવાનોની ગઈકાલની બેઠકમાં પ્રધાન કક્ષાના કોઈ આગેવાન હાજર રહેલ નહિ. ભાજપ આજેય ૨૫ સભ્યો સાથે હોવાનો દાવો કરે છે, પરંતુ અંદરખાને ભાજપમાં સંકલનનો અભાવ હોવાનું સ્પષ્ટ દેખાય આવે છે. ગઈકાલની સ્થિતિએ ૨૪ સભ્યો પુરા ન થતા અવિશ્વાસ દરખાસ્તની આગેવાની લેનાર ૧ સભ્ય અને બીજા ૧ સભ્યના પતિ પર કેટલાક આગેવાનોએ રીતસર તડાપીટ બોલાવી હતી. તમે પુરી તૈયારી કે યોગ્ય સંકલન વગર અવિશ્વાસ દરખાસ્ત મુકાવી ભાજપની અને બાગીઓની પ્રતિષ્ઠા દાવમા લગાડી છે તેવો રોષ ઠાલવ્યો હતો. જસદણ પંથકના સભ્ય છટકી જતા કુંવરજીભાઈ પર દબાણ વધારવા પ્રયાસ થયો હતો. જેતપુર-કંડોરણા પંથકના સભ્યોના સંકલન માટે જયેશ રાદડિયા પર જવાબદારી ઢોળવામાં આવી હતી. આજે બપોર સુધી હજુ ભાજપ પાસે પુરતુ સંખ્યાબળ થયાનુ દેખાતુ નથી.

બીજી તરફ અર્જુન ખાટરિયા પોતાના ૧૨ થી ૧૪ સભ્યો સાથે પ્રવાસમાં છે. તેઓ સીધા ગુરૂવારે સવારે જિલ્લા પંચાયત આવવાના છે. બન્ને તરફથી હજુ ખેંચતાણ અને પ્રલોભનના પ્રયોગો ચાલુ છે. જો ભાજપની આજની સ્થિતિ યથાવત રહે તો અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ શકશે નહિ. અર્જુન ખાટરિયાએ સામેની છાવણીમાંથી આવતી બધી વાતો સાચી માની લેવાને બદલે પોતાની રીતે રાજકીય તૈયારીમાં રહેવાનું વલણ અપનાવ્યુ છે. બન્ને જુથ જરૂરી સંખ્યાબળ હોવાનો દાવો કરે છે. કોના દાવામાં કેટલો દમ ? તે ગુરૂવારે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

(3:27 pm IST)
  • " હેપ્પી બર્થ ડે અમિતભાઇ " : ભારતના હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહનો આજે જન્મ દિવસ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ આમ નાગરિક સહીત તમામનો શુભેચ્છા ધોધ : દેશના શક્તિશાળી નેતાઓની હરોળમાં સ્થાન ધરાવતા ગુજરાતી નેતાએ 56 માં વર્ષમાં પ્રવેશ કર્યો access_time 11:32 am IST

  • દીવના વાતાવરણમાં પલટો : ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ખેડૂતોમાં ચિંતાનો માહોલ access_time 1:46 pm IST

  • મુંબઇમાં આજે રાત્રે અને કાલે સવારે ભારે વર્ષાની શકયતા : મુંબઇમાં ખુશનુમાં હવામાન અને વાદળછાયા આકાશ સાથે વરસાદ પડશે. આજે રાત્રે અને વ્હેલી સવારે મુંબઇમાં ભારે વરસાદ અને તોફાની પવન ફુંકાવાની પણ શકયતા છે. મુંબઇ-૨ત્નાગીરી બેલ્ટમાં મોડી રાત્રે - વ્હેલી સવારે અને કાલે સવારે ભારે વરસાદી વાદળાઓ છવાશે અને તોફાની વરસાદની સંભાવના છે.દરમિયાન મુંબઇમાં ૧ાા થી ૨ ઇંચ વરસાદ પડી ગયો છે. પશ્ચિમના પરાઓમાં મધ્યમ અને પૂર્વીય પરાઓમાં હળવો વરસાદી દોર રહયો છે. રાઇગઢ-થાણે-નવી મુંબઇમાં પણ વરસાદી વાવડ છે. access_time 12:55 pm IST