Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કરોડોના ખર્ચે નવી સિવીલ હોસ્પીટલ તૈયાર થઈ છેઃ નવુ બિલ્ડીંગ પણ બન્યુ છેઃ લોકો સુવિધાથી વંચિતઃ અધિકારીઓ જવાબદાર

આવા અધિકારીઓ સામે કડક પગલા ભરોઃ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનું કલેકટરને આવેદન

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા અને અન્યોએ કલેકટરને આવેદન પાઠવી વિસ્તૃત રજૂઆત કરી હતી

રાજકોટ, તા. ૨૨ :. પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ તથા રાજકોટ પાલીકાના વોર્ડ નં. ૬ના અગ્રીમ કોર્પોરેટર શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા અને અન્ય આગેવાનોએ આરોગ્યમંત્રીએ સંબોધી કલેકટરને આવેદન પાઠવી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરવા તેમજ નવુ બિલ્ડીંગ તૈયાર થઈ ગયાને એક વર્ષ જેવો સમય થયો હોવા છતાં લોકોને સુવિધાથી વંચિત રાખનાર સિવિલ હોસ્પીટલના જવાબદાર અધિકારી સામે પગલાઓ ભરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, રાજકોટ શહેરમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં રોગચાળો બેકાબુ બન્યો છે. રાજયના આરોગ્ય કમિશ્નરશ્રી દ્વારા તા. ૧૬-૧૦-૨૦૧૯ રાજકોટ સિવીલ હોસ્પીટલની મુલાકાત લઈ રોગચાળાની સમિક્ષા કરવામાં આવી હતી, ત્યારે પણ અમોએ સરકારી સીવીલ હોસ્પીટલના તંત્રમાં ચાલતો ભ્રષ્ટાચાર, દર્દીઓને પડતી મુશ્કેલીઓ બાબતની વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત કરેલ હતી.

પરંતુ આરોગ્ય કમિશ્નરશ્રી દ્વારા રાજકોટ શહેરની સિવિલ હોસ્પીટલની મુલાકાત સમયે સિવિલ હોસ્પીટલના ઉચ્ચ અધિકારીઓ અને તંત્ર દ્વારા સાચી માહિતી પુરી પાડવામાં આવી હોય તેવું લાગતુ નથી અને રોગચાળાની તેમજ સિવિલ હોસ્પીટલના વ્યવસ્થા તંત્રની માહિતી બખુબી રીતે છુપાવવામાં આવી હોવાનું સ્પષ્ટ થાય છે, કારણ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સમગ્ર સૌરાષ્ટ્ર જ્યારે રોગચાળાના ભરડામાં હોય ત્યારે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી જાય છે.

લોકોની જાહેર આરોગ્ય સુવિધાને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પીટલ કેમ્પસમાં ૨૪૦ થી ૨૫૦ બેડની સુવિધા સાથે અદ્યતન આઠ ઓ.ટી. (ઓ.ટી. ઓપરેશન થીયેટર)ની સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી નવુ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે.

આ નવા બિલ્ડીંગનું સિવિલ વર્ક ડીસેમ્બર ૨૦૧૮માં પૂર્ણ થઈ છે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પીટલના તંત્ર અને સિવિલ સર્જનની લાપરવાહીના કારણે તેમજ આ બિલ્ડીંગમાં અદ્યતન જે આઠ ઓપરેશન થીયેટરો તૈયાર કરવાના હતા તે તૈયાર કરનાર જવાબદાર એજન્સી અધવચ્ચેથી કામ છોડી જતી રહી હોવા છતાં જવાબદારીપૂર્વકના કોઈ જ પગલાઓ ભરવામાં ન આવ્યા ? જેથી સૌરાષ્ટ્રના હજારો ગરીબ દર્દીઓને આ અદ્યતન સુવિધાનો લાભ મળી શકયો નહીં. જેની જવાબદારી સિવિલ હોસ્પીટલના જવાબદાર તંત્ર ઉપર ફીકસ કરવામાં આવે અને પગલાઓ ભરવામાં આવે કારણ કે ગત તા. ૨ ઓકટોબર ૨૦૧૯ના રોજ દેશના વડાપ્રધાનશ્રીના હસ્તે આ બિલ્ડીંગનું લોકાર્પણ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી અને સરકારી તંત્ર દ્વારા તેની સંપૂર્ણ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી, પરંતુ સિવિલ હોસ્પીટલના જવાબદાર અધિકારીઓની લાપરવાહીના કારણે આ લોકાર્પણનો કાર્યક્રમ શકય બની શકયો ન હતો અને સરકાર પણ જાણે આવા અધિકારીઓ પાસે લાચાર બની જતી હોય તેવી પ્રતિતિ લોકો અનુભવી રહ્યા છે.

ત્યારે ઉપરોકત વિગત અને વિષયે સૌરાષ્ટ્ર અને રાજકોટની જનતાના આરોગ્યના વ્યાપકે જનહિતને ધ્યાને લઈ તેમજ વકરતા રોગચાળા સમયે આ સુવિધાસભર બિલ્ડીંગનો ઉપયોગ થઈ શકે અને લોકોના પરસેવાની કમાણીના ટેક્ષના પૈસાથી તૈયાર થતી સુવિધા સાદાઈથી લોકાર્પણ કરી લોકોને પ્રાપ્ત થાય તે પ્રકારનું આયોજન કરવા અને આ લોકાર્પણમાં વિલંબ કરનાર જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓ સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવા અમારી રજૂઆત છે. આવેદનપત્ર દેવામાં અગ્રણી સર્વશ્રી મનીષાબા વાળા, દિપ્તીબેન સોલંકી, જયાબેન ટાંક, ગાયત્રીબેન ભટ્ટ, મેનાબેન જાદવ, હિરલબેન રાઠોડ, સોનલબેન ભાલોડીયા, ચંદ્રીકાબેન વરાણીયા, પ્રફુલાબા, શાંતાબેન મકવાણા, રમાબેન, હર્ષાબા વિગેરે જોડાયા હતા.

(3:19 pm IST)
  • હેલમેટ મુદ્દે પુડુચેરીના મુખ્યમંત્રી વી.નારાયણ અને ઉપ રાજ્યપાલ કિરણ બેદી આમને સામને : ચૂંટણી પ્રચાર સમયે હેલમેટ પહેર્યા વગર સ્કૂટર ઉપર ફરતા મુખ્યમંત્રીનો ફોટો કિરણ બેદીએ ટ્વીટર ઉપર શેર કર્યો : મુખ્ય મંત્રીએ કોઈના સ્કૂટર ઉપર હેલમેટ પહેર્યા વિના પાછળ બેઠેલા કિરણ બેદીનો ફોટો શેર કર્યો access_time 11:54 am IST

  • દીવના વાતાવરણમાં પલટો : ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ખેડૂતોમાં ચિંતાનો માહોલ access_time 1:46 pm IST

  • કઠુઆ ગેંગરેપ : કોર્ટે SIT વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આપ્યો આદેશ : ગત વર્ષના જમ્મુ કાશ્મીરમાં આઠ વર્ષીય બાળકી સાથે ગેંગરેપ અને હત્યા મામલામાં નવો વળાંક : જમ્મુ કાશ્મીરની એક અદાલતે આ મામલાની તપાસ કરતી જમ્મુ કાશ્મીર પોલીસની એસઆઈટી ટીમના છ સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યો access_time 1:06 am IST