Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

આર.ટી.ઓ.ની બોગસ પહોંચો બનાવવાના ઉચાપત કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

આરોપીની ઉચાપતના ગંભીર ગુનામાં સંડોવણી સ્પષ્ટ જણાય છેઃ કોર્ટ

રાજકોટ, તા.૨૨: રાજકોટના એડીશ્નલ સેશન્સ જજ આરોપી જયરાજ જયલેશભાઇ ગેડીયાની જામીન અરજી રદ કરતા ઠરાવેલ છે કે, ગંભીર પ્રકારની ફોર્જરી અને ઉચાપતના ગુન્હામાં આરોપીની સંડોવણી સ્પષ્ટ અને સીધી છે.

આ કેસની હકીકત એવી છે કે, જે વાહન ચાલકો કાયદાનો ભંગ કરી વાહન ચલાવતા હોય તેઓના વાહનો પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવતા અને વાહન ચાલકને એન.સી.ફરીયાદ હાથો હાથ આપી આર.ટી.ઓ.માં દંડ ભરપાઇ કરી આપવાનું જણાવવામાં આવતું. આ રીતે એન.સી.ફરીયાદ લઇ કોઇ વાહન ચાલક જયારે આર.ટી.ઓ. જતાં ત્યારે આરોપીઓની એક ગેંગે આવા વાહન ચાલકોનો આર.ટી.ઓ. કચેરીમાં સંપર્ક કરી તેઓની પાસેથી પૈસા વસુલ કરી આર.ટી.ઓના સિકકાવાળાી દંડ વસુલ થયાની પહોંચ આપવામાં આવતી તેમજ વાહન છોડવામાં વાંધો નથી તેવો આર.ટી.ઓ.નો એક પત્ર પણ આપવામાં આવતો. આ પત્ર અને પહોંચી પોલીસ સમક્ષ રજુ કરવામાં આવતા પોલીસ જપ્ત કરેલ વાહન જે તે વાહન ચાલકને પરત સોંપી આપતા. એસ.ઓ.જી.ના પો.હેડ.કોન્સ્ટેબલ મનરૂપગીરી ગોસ્વામીને આ અંગેની જાણ થતાં તેઓએ એસ.ઓ.જી.સ્ટાફની ટીમ આજીડેમ ચોકડી પાસે આવી આ પ્રકારના ગુન્હા આચરતા આરોપીઓની જય બાલાજી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં પી.એસ.આઇ. ખાચરે રેડ કરેલ.

શ્રી સરકાર તરફે રજુઆત કરતા જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ વોરાએ જણાવેલ હતું કે, આ આરોપીની હાજરી રેડવાળી ઓફિસમાં હોવાની હકીકત નિર્વિવાદ છે અને તેઓ આ ઓફિસમાં કયા કામસર હતા તે અંગે  કોઇ જ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવેલ નથી તે સંજોગોમાં તેઓ પાસેથી ચાર બનાવટી પહોંચો કબ્જે થયેલ હોય ત્યારે તેઓ આ ગુન્હાવાળી ગેંગના સક્રિય સભ્ય હોવાનું અનિવાર્યપણે માનવાનું રહે છે. આ ઉપરાંત જે નિર્ભયતાથી આ ગુન્હો આચરવામાં આવેલ છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આ આરોપી ગેંગને કાયદો, પોલીસ અને અદાલતનો કોઇ પ્રકારનો ભય નથી. આ રજુઆતને ધ્યાને લઇ સેશન્સ અદાલતે આરોપીની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે.વોરા રોકાયેલ છે.

(3:12 pm IST)