Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

રોહીદાસપરાના વેપારીએ ૧ કરોડની કરચોરી કર્યાનો ગુનો

જીતેન્દ્ર પ્રકાશભાઇ નિમાવતે વિજય પ્લોટમાં નેશનલ ટ્રેડિંગ નામે એલ્યુમિનિયમ સ્ક્રેપનો ધંધો ચાલુ કર્યો'તોઃ બાદમાં આ પેઢી બંધ કરી વેંચાણ વ્યવહારો કર્યા ન હોવા છતાં બીલો ઉભા કરી વેરો ઉઘરાવી છેતરપીંડી કર્યાનો આરોપઃ એ-ડિવીઝન પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૨૨: શહેરમાં કરોડોની વેટચોરી-કરચોરીના ગુના અગાઉ પણ પોલીસ ચોપડે નોંધાઇ ચુકયા છે. વધુ એક કિસ્સામાં રોહિદાસપરા મેઇન રોડ પર રહેતાં બાવાજી શખ્સે વિજય પ્લોટમાં નેશનલ ટ્રેડિંંગ નામે એલ્યુમિનિયમ સ્ક્રેપના ધંધા માટ પેઢી ખોલી ટીન નંબર મેળવી બાદમાં આ પેઢી બંધ કરી દઇ વેંચાણ કર્યુ ન હોવા છતાં ખોટા બીલો બનાવી વેરો ઉઘરાવી સરકાર સાથે રૂ. ૧ કરોડ ૬૦ હજાર ૯૮૨ની છેતરપીંડી કરતાં ગુનો દાખલ થયો છે.

એ-ડિવીઝન પોલીસે આ બારામાં એરપોર્ટ રોડ પર સિંચાઇ નગર મેઇન રોડ સુવિહાર ખાતે રહેતાં અને બહુમાળી ભવન જીલ્લા સેવા સદન ખાતે બેસતી કચેરીમાં રાજ્ય વેરા નિરિક્ષક તરીકે ફરજ બજાવતાં રીટાબેન સુરેશભાઇ બોરડ (ઉ.૫૪)ની ફરિયાદ પરથી ગોડાઉન રોડ પર વિજય પ્લોટ-૧૨/૨૭માં નેશનલ ટ્રેડિંગ નામે પેઢી ધરાવતાં જીતેન્દ્ર પ્રકાશભાઇ નિમાવત (રહે. ખોડિયાર મંદિર સામે રોહિદાસ પરા મેઇન રોડ, બેડીપરા) સામે ગુજરાત મુલ્ય વર્ધીત વેરા અધિનિયમ ૨૦૦૩ની કલમ ૮૫ (૧) (છ) તથા કલમ ૮૫ (૨) (ઠ) મુજબ ટીન નંબરને આધારે વેંચાણના વ્યવહારો કર્યા ન હોવા છતાં માત્ર બીલો આપી વેરો ઉઘરાવી વેટના કાયદાની જોગવાઇનો ભંગ કરી ૧,૦૦,૬૦,૯૮૨ (એક કરોડ સાંઇઠ હજાર નવસો બ્યાંસી)ની કરચોરી કર્યાનો ગુનો નોંધ્યો છે.

અધિકારીશ્રી બોરડએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારી ફરજમાં વેપારીઓના નાણા હિસાબો આકારણી તથા ઉપરી અધિકારીઓ દ્વારા સોંપવામાં આવતું કામ હોય છે. ઉપલા લેવલેથી તપાસ થતાં વિજય પ્લોટમાં નેશનલ ટ્રેડિંગ નામે પેઢી ધરાવતાં જીતેન્દ્ર પ્રકાશભાઇ નિમાવત વિરૂધ્ધ કાર્યવાહી કરવા રાજ્ય વેરા અધિકારીશ્રી ભરતભાઇ જીયડે આદેશ કરતાં ફરિયાદ નોંધાવી છે.

જીતેન્દ્રભાઇ નિમાવતે એલ્યુમિનિયમ સ્ક્રેપના વેંચાણ માટે ટીન નંબર મેળવ્યા હતાં. તેમના ધંધાના સ્થળે તા. ૮/૬/૧૮ના રોજ સ્થળ તપાસ કામગીરી કરતાં ત્યાં ધંધાના માલિક ધંધાના સ્થળે મળી આવ્યા નહોતાં. ધંધાની જગ્યાના માલિકના નિવેદન મુજબ જીતેન્દ્રભાઇ ચાર-પાંચ મહિના પહેલા જ આ જગ્યા ખાલી કરી જતાં રહ્યા છે. આમ ધંધાનું કોઇ અસ્તિત્વ જણાયું નહોતું. આમ છતાં તેણે માત્ર બિલીંગ પ્રવૃતિ આચરી સરકારી આવકને નુકશાન પહોંચાડ્યું હતું. નોંધણી નંબર મેળવ્યા બાદ કાયદાની કલમ ૨૯ હેઠળ પત્રકો ભરવા માટે તે જવાબદાર હતાં. તેણે ભરેલા પત્રકોમાં ખરીદ વેંચાણના વ્યવહારો ખરેખર કર્યા ન હોવા છતાં રૂ. ૨૧,૧૨,૮૦,૬૨૨ના વેંચાણો દર્શાવી (ઉપજાવી) તેના બીલમાં રૂ. ૧,૦૦,૬૦,૯૮૨નો વેરો ગેરકાયદેસર રીતે ઉઘરાવી લીધાનું તપાસમાં સામે આવ્યું હતું.

આથી તેની સામે વેટના કાયદાની જોગવાઇનો ભંગ કરી કરચોરી કરી છેતરપીંડી કરવા સબબ ગુનો દાખલ કરાવાયો છે. પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ. જી. અંબાસણા અને વિજયભાઇ બાલસે તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)