Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

વ્યાજે લીધેલા ૧૫ લાખ સામે ૪૮ લાખ ચુકવ્યા છતાં વધુ માંગી નિશાંત પટેલ પર હુમલોઃ ધમકી

નિર્મલા રોડ પર રહેતાં બાંધકામના વ્યવસાયીએ જુનાગઢના પત્રાપસરમાં રહેતાં કોૈટુંબીક કાકા બચુભાઇ પટેલ અને તેના દિકરા મનસુખ પટેલ સામે ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૨૨: નિર્મલા રોડ પર ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ સામે રઘુકુળ ખાતે રહેતાં અને બાંધકામનો ધંધો કરતાં નિશાંત ગોકળભાઇ કોરડીયા (ઉ.૩૩) નામના પટેલ યુવાનને જુનાગઢના પત્રાપસર ગામે રહેતાં કોૈટુંબીક કાકા બચુભાઇ  હિરજીભાઇ કોરડીયા અને તેના પુત્ર મનસુખ બચુભાઇ કોરડીયા સામે મનીલેન્ડ એકટ અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. આ બંને પાસેથી વ્યાજે લીધેલા ૧૫ લાખની સામે ૪૮ લાખ ચુકવી દીધા હોવા છતાં વધુને વધુ વ્યાજ માંગી રાજકોટ નિશાંતની ઘરે આવી ગાળો દઇ હુમલો કરી મારી નાંખવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

ગાંધીગ્રામ પોલીસે નિશાંત પટેલની ફરિયાદ પરથી બચુભાઇ અને તેના પુત્ર મનસુખ કોરડીયા સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, મનીલેન્ડ એકટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે તે ૨૦૦૧થી રાજકોટ રહે છે અને બાંધકામનો ધંધો કરે છે. તેની સાથે માતા અનસુયાબેન, કાકા પ્રભુદાસભાઇ, અરવિંદભાઇ સહિતના પરિવારજનો રહે છે. પિતા હયાત નથી. છએક વર્ષ પહેલા જુનાગઢના પત્રાપસર ગામે રહેતાં કોૈટુંબીક કાકા મનસુખભાઇ કોરડીયાએ ફોન કરી પોતાની પાસે પૈસા પડ્યા હોઇ ધંધામાં જરૂર હોય તો જણાવજો તેમ કહ્યું હતું. એ પછી મનસુખભાઇ અને તેના પિતા બચુભાઇ રાજકોટ નિશાંત પટેલના ઘરે આવતાં પૈસાની જરૂર હોઇ ૧૫ લાખ તેની પાસેથી લીધા હતાં. તેની સામે ૨૦૧૯ જુન સુધી દર મહિનાના ૪ ટકા વ્યાજ લેખે ૬૦-૬૦ હજાર ગણી કુલ ૪૮ લાખ ચુકવી દીધા છે.

આમ છતાં બચુભાઇ અને મનસુખભાઇ વધુને વધુ વ્યાજની ઉઘરાણી કરી ફોન કરી ધમકી આપે છે. ૧૩/૧૦ના રોજ આ બંને સહિતના રાજકોટ નિશાંત પટેલના ઘરે આવ્યા હતાં અને પઠાણી ઉઘરાણી કરી પૈસા વ્યાજ સહિત નહિ આપો તો જોવા જેવી થશે તેમ કહી ધમકી આપી ગાળો દીધી હતી અને મારામારી પણ કરી હતી. જેમાં નિશાંત તથા તેના સગા મયુરભાઇ ઝાલાવડીયાને ઇજા થઇ હતી. જે તે વખતે પોલીસ બોલાવી હતી અને સારવાર લીધી હતી તેમજ અરજી આપી હતી. તેના આધારે હવે ગુનો નોંધાયો છે. પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એમ. બી. જેબલીયાએ તપાસ શરૂ કરી છે.

(1:02 pm IST)